કંપનીઓનું કુલ રૂ. ૫,૦૦૦ કરોડથી વધુનું ભંડોળ એકત્ર થયું - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • કંપનીઓનું કુલ રૂ. ૫,૦૦૦ કરોડથી વધુનું ભંડોળ એકત્ર થયું

કંપનીઓનું કુલ રૂ. ૫,૦૦૦ કરોડથી વધુનું ભંડોળ એકત્ર થયું

 | 1:03 am IST

SME વોચઃ  મધુ લુણાવત

પ્રસ્તાવનાઃ પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ)એ માર્કેટના વિવિધ સેગમેન્ટ્સનું આકર્ષણ હાંસલ કર્યું છે. રોકાણકારોને આશા છે કે આજની નાની કંપનીઓ આવતીકાલે બ્લુ-ચીપ કંપની બનશે અને તેથી જ એસએમઇ કંપનીઓના આઇપીઓને રોકાણકારો તરફથી ખુબજ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. એસએમઇ કેપિટલ માર્કેટમાં એસએમઇ કંપનીઓ દ્વારા એકત્ર કરાયેલું કુલ ભંડોળ રૂ. ૫,૦૦૦ કરોડના સ્તરને પાર કરી ગયું છે, જે એસએમઇ એક્સચેન્જીસની મહત્વતા અને તેનાથી થતાં લાભોને ખુબજ સારી રીતે પ્રદર્શિત કરે છે.

એસએમઇ કેપિટલ માર્કેટની નવી સિદ્ધિ

ભારતની એસએમઇને પ્રોત્સાહન આપવા તથા વૃદ્ધિ માટે જરૂરી ભંડોળ એકત્ર કરવાનો મજબૂત વિકલ્પ પૂરો પાડવા માટે એસએમઇ એક્સચેન્જીસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દેશના લાખો ઉભરતા કારોબારને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા એસએમઇ એક્સચેન્જીસનું પ્રદર્શન ખુબજ સારું રહ્યું છે. એક્સચેન્જીસના પ્રારંભથી અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં નાની કંપનીઓએ આઇપીઓ લાવીને નોંધપાત્ર ભંડોળ એકત્ર કર્યું છે તથા તેમાં સતત વૃદ્ધિ થઇ રહી છે. બીજી તરફ વધુ એસએમઇને આઇપીઓ દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે પ્રોત્સાહન પણ મળી રહ્યું છે, જે આવકારદાયક બાબત છે.

કોષ્ટકને જોતાં જણાશે કે લિસ્ટિંગની સંખ્યામાં ખૂબજ સારી વૃદ્ધિ થઇ છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં એકત્ર કરાયેલાં કુલ ભંડોળમાં લગભગ ચારગણાનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૮માં અત્યાર સુધીમાં આશરે રૂ. ૧,૭૫૬ કરોડ એકત્ર કરાયાં છે, જે વર્ષ ૨૦૧૭માં રૂ. ૧,૭૮૫ કરોડ અને વર્ષ ૨૦૧૬માં ૫૪૦ કરોડ હતાં.

વર્ષ ૨૦૧૮ના પ્રથમ આઠ મહિના (જાન્યુઆરીથી ઓગસ્ટ)માં આશરે ૧૦૧ કંપનીઓ લિસ્ટ થઇને રૂ. ૧૭૫૬ કરોડથી વધુનું ભંડોળ એકત્ર કર્યું છે, જ્યારે કે ગત વર્ષે સમાન સમયગાળામાં ૧૩૩ કંપનીઓ લિસ્ટ થઇને રૂ. ૧૭૮૫ કરોડ ભેગા કર્યાં હતાં. સ્પષ્ટ છે કે એસએમઇ કેપિટલ માર્કેટ ઝડપી પ્રગતિ કરી રહ્યું છે અને મેઇન બોર્ડના ટ્રેન્ડ્સ સાથે તાલ મીલાવશે તેમાં કોઇ શંકા નથી. ભારતીય એસએમઇ એક્સચેન્જિસે નોંધપાત્ર પ્રવૃત્તિઓ જોઇ છે અને અંદાજે ૫૨૦ ડ્રાફ્ટ ઓફર ડોક્યુમેન્ટ્સ ફાઇલ થયાં છે તથા આજની તારીખમાં ૪૩૦ એસએમઇ લિસ્ટ થઇ છે.

તારણઃ લિસ્ટેડ એસએમઇને પોતાની બ્રાન્ડ મજબૂત કરવામાં તથા અનલિસ્ટેડ કંપનીઓની સરખામણીમાં વધુ સારી સ્પર્ધા કરવામાં મદદ મળી રહે છે. આ ઉપરાંત વિદેશી માર્કેટમાં પણ તેઓ મજબૂત ઓળખ હાંસલ કરી શકે છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૮ના પ્રથમ આઠ મહિનામાં રૂ. ૧૭૫૬ કરોડનું કુલ ભંડોળ એકત્ર કરવા ઉપરાંત આ કંપનીઓએ સારું વળતર પણ આપ્યું છે. આગામી સમયમાં વધુ કંપનીઓ એસએમઇ કેપિટલ માર્કેટની મહત્વતા સમજીને તેના તરફ આકર્ષાશે તેમજ રોકાણકારોની પણ સક્રિયતા વધવાની અપેક્ષા છે.