દાંપત્ય-જીવનમાં તકરાર કેટલી જરૂરી ? - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • દાંપત્ય-જીવનમાં તકરાર કેટલી જરૂરી ?

દાંપત્ય-જીવનમાં તકરાર કેટલી જરૂરી ?

 | 3:51 am IST

દાંપત્ય । વર્ષારાજ

કોઈ યુગલ એવું નહીં હોય કે જેઓમાં વાદ-વિવાદ ના થતા હોય. કેટલાંક લોકો એવા હોય છે જેઓને લડાઈ-ઝઘડા, કંકાસ વગેરેથી અણગમો હોય છે અને તેઓ હંમેશાં કોઈપણ પ્રકારના લડાઈ-ઝઘડાથી દૂર રહેતા હોય છે. જ્યારે કેટલાંક લોકો એવા હોય છે કે જેઓને વાતવાતમાં ઝઘડવાની ટેવ હોય છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે લગ્ન-જીવનમાં મત-મતાંતર થવા એ સામાન્ય બાબત છે. તેના આધારે લગ્ન-જીવનની સફળતા કે નિષ્ફળતાનું તારણ કાઢી ના શકાય. મહત્ત્વની બાબત છે વાંધા કે અસંમતિને વ્યક્ત કરવાની રીત. એકમેકને આકરા શબ્દોથી નવાજતા લોકોના લગ્નને સફળ ના કહી શકાય. આ પ્રકારના ઝઘડામાં ઘણીવાર ગાળાગાળી કે અપશબ્દોની આપ-લે થતી હોય છે. ક્યારેક શારીરિક હુમલા પણ થતા હોય છે. એકબીજાની લાગણીઓ અને ભાવનાઓ ખરાબ રીતે ઘવાય તેવું વર્તન થતું હોય છે. પરંતુ ક્યારેક થતા મતભેદો કે વાંધા હળવી નારાજગી અથવા ગુસ્સાથી વાળવામાં આવે તો તેમાં કોઈના સ્વમાનનું હનન કે લાગણીની દુભવણી હોતી નથી. તેમાં વાત કરવાની અપેક્ષા કે અવકાશ હોય છે. જો પરસ્પર માન હોય તો વાત આગળ વધતી નથી. ઝડપથી સમજૂતી કરવી શક્ય બને છે. પરસ્પર માન હોય તો મતાંતર વિકૃત રીતે પ્રગટતા નથી અને સમાધાન પછી સંબંધ વધુ મજબૂત બને છે. જો તમે કટુ વાણી વર્તનથી ક્ષુબ્ધ થતા હોય તો તમારે તમારા સાથી સાથે વાત કરીને સમાધાનના રસ્તે જવું જોઈએ. હળવા મતભેદો અને સમાધાનકારી વલણ કેવી રીતે સંબંધને મજબૂત બનાવે છે તે જાણો અને તેનો અમલ કરો.

પતિ-પત્ની વચ્ચે મતભેદ થાય ત્યારે બંનેને એકબીજાની ઈચ્છાઓ-અપેક્ષાઓ અને ચિંતાની જાણ થાય છે. એ રીતે તેઓ બંને એકબીજાને વધારે સમજવા લાગે છે. જ્યારે એક સાથી કોઈ બાબત અંગે માત્ર પોતાની નારાજગી દર્શાવે તો સામેની વ્યક્તિને ફક્ત તેના અણગમાની જાણ થાય છે. પરંતુ જ્યારે આ નારાજગી ગુસ્સો અથવા જાહેર ઉપેક્ષાનું સ્વરૂપ લે છે ત્યારે સામેની વ્યક્તિને તેની ગંભીરતાનો ખ્યાલ આવે છે અને તે તેનો ઉપચાર કરવાના પ્રયત્નો ચાલુ કરી દે છે. મતભેદો આપણાંમાંના નિમ્નતમ ભાવોને બહાર લાવે છે. તો સાથેસાથે સમાધાન થયા બાદ આપણાં ઉચ્ચત્તમ ભાવો અને ઈરાદાઓને પણ બહાર લાવે છે. આ પ્રકારના અનુભવો પતિ-પત્નીને વધુ નિકટ લાવે છે અને એકમેકની કદર કરતા શીખવે છે.

લગ્ન-જીવનની શરૂઆતમાં કે જ્યારે બંને સાથીદારો એકબીજાને સારી રીતે જાણતા નથી હોતા ત્યારે નાના-નાના મતભેદો તેઓને એકબીજાના વ્યક્તિત્ત્વના વિભિન્ન પાસાઓથી પરિચિત કરે છે. બંનેની ઈચ્છાઓ, અપેક્ષાઓ, સ્વપ્નો શું છે તે પ્રગટ કરે છે. પરસ્પરને સમજવાની અને ખુશ રાખવાની ભાવના બંનેને સહિષ્ણુ બનાવે છે. પરિણામે ડહોળાયેલું પાણી શાંત થાય છે અને કચરો નીચે બેસી જાય છે. પછી પાણી સ્વચ્છ દેખાય છે. એકમેકને સમજવું સરળ બને છે. એકબીજાની દૃષ્ટિને સમજવાથી પરસ્પર વિશ્વાસ જન્મે છે. મતભેદો ઘટતા જાય છે. જેથી લડાઈ-ઝઘડા પણ થતા નથી. બંને એકબીજાં સાથે નિખાલસ અને પ્રમાણિક થતા જાય છે.

વર્ષો જવાની સાથે યુગલ એકબીજાના મૂડ્સ, જરૂરિયાતો અને ઈચ્છાઓને સમજતા જાય છે. કેટલાંક યુગલો તો એકબીજાના મન વાંચતા થઈ જાય છે. જો કે જ્યારે તીવ્ર મતભેદો થાય ત્યારે આ સમજદારી બાજુ પર રહી જાય છે. એક પક્ષ જ્યારે પોતાની અસહમતિ સ્પષ્ટપણે દર્શાવે ત્યારે તેની વૈયક્તિક્તાનો અનુભવ થાય છે અને તેને બીજા પક્ષે ખેલદિલીપૂર્વક સ્વીકારવું પડે છે. પરંતુ એકવાર આ પરિસ્થિતિ પસાર થઈ જાય તે પછી તે પાછળના જવાબદાર કારણો પર વિચારણા થઈ શકે છે.

ન ઉકેલાયેલી બાબતો મનમાં હોય તો તે મનનો બોજ બની જાય છે. આ સ્થિતિ બીજાં સાથીદાર અને કુટુંબીજનો પર પણ અસર કરે છે. આ બોજને હળવો કરવા માટે બોલી નાંખવું જરૂરી છે. જો આ બોજ હળવો ના થાય તો શરીરમાં હાનિકારક હોર્માેન્સ ઉત્પન્ન થાય છે. વ્યક્તિ જીદી અને જડ બની જાય છે.

લગ્નના ઘણાં વર્ષો ગયા બાદ કેટલીક વાર યુગલો એકબીજાંને હળવાશથી લેવા માંડે છે. સામેની વ્યક્તિ પોતાની અપેક્ષા પ્રમાણે જ ચાલશે અને કરશે એવું બંને માનવા માંડે છે. અથવા સામેની વ્યક્તિ ચોક્કસ પ્રકારની જ છે એવી માન્યતા બંનેના મનમાં દૃઢ થઈ જાય છે. પત્નીને લાગે છે કે પતિ તેને પહેલાંની જેમ ચાહતો નથી. ભેટ-સોગાત નથી આપતો, મૂવી જોવા નથી લઈ જતો આવા વલણને કારણે પત્નીના મનમાં પતિ તરફ વિરોધની લાગણી જન્મે છે. આ વિરોધ તેને યોગ્ય કારણ કે વાતાવરણ મળે ત્યારે ઝઘડા સ્વરૂપે બહાર આવે છે. તે સમયે પતિને હકીકતની જાણ થાય છે.

દાંપત્ય-જીવનના ઝઘડા સ્ટીલ બનાવવાના કાચા લોખંડ જેવા છે જેમાં કોઈ સ્થિતિ સ્થાપકતા કે મજબૂતી નથી હોતી. તે વારંવાર ગળાય, ટીપાય, ઘડાય, વળાય ત્યારે તેમાંથી કોઈ સુંદર ઉપયોગી કૃતિ બની શકે છે. આ કૃતિ કોઈપણ પ્રકારના આઘાતો કે પ્રહારોથી તૂટતી નથી. જ્યારે દંપતી એકમેક પર સંપૂર્ણ વિશ્વાસ અને સમજદારી રાખતા થાય છે ત્યારે તેઓની વચ્ચે સાચો પ્રેમ પ્રગટે છે.