Company Of More 30 Employees Have To Appoint Covid-19 Coordinator
  • Home
  • Ahmedabad
  • કોવિડ-19ના રૌદ્રરૂપને જોતા 30થી વધારે કર્મચારીઓવાળી કંપનીઓ માટે લેવાયો મહત્વનો નિર્ણય

કોવિડ-19ના રૌદ્રરૂપને જોતા 30થી વધારે કર્મચારીઓવાળી કંપનીઓ માટે લેવાયો મહત્વનો નિર્ણય

 | 8:09 pm IST

અમદાવાદમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે મહત્વના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં પહેલા રોજના 300થી વધારે કેસો આવતા હતા, જ્યારે હવે 150ની આસપાસ કેસ આવી રહ્યા છે. એટલે કે અમદાવાદ ધીરેધીરે કોરોના પર કાબૂ મેળવી રહ્યું છે. જોકે કોરોના માથું ના ઊંચકે અને તેના પર કંટ્રોલ રહે તે માટે અનેક ઉપાયો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. હવે કોરોનાના સંક્રમણને રોકવા માટે અમદાવાદ મહાનગર પાલિકાએ શહેરના મોટા એકમો/કચેરીઓ/સંસ્થાઓમાં સામાજીક અંતર જળવાઇ રહે તે માટે મહત્વના નિર્ણયો લીધા છે.

કોવિડ કો-ઓર્ડિનેટરની નિમણૂક કરવાની રહેશે

આજે મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની અધ્યક્ષતામાં સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં એએમસીના અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં કોરોના સંક્રમણને અટકાવવાની કામગીરીમાં સંસ્થાકીય અને લોક ભાગીદારી નક્કી કરવા માટે કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. જેમાં એક નિર્ણય એ કરવામાં આવ્યો છે કે શહેરના તમામ મોટા (30થી વધુ લોકો કામ કરતા હોય તેવા) એકમો/કચેરીઓ/સંસ્થાઓના માલિક/સંચાલકે એક કોવિડ કો-ઓર્ડિનેટરની નિમણૂક કરવાની રહેશે અને તેની જાણ કોર્પોરેશનના સંબંધિત ઝોનને કરવાની રહેશે.

આ નિયમો નિચે મુબજ છે

1. જો કોઈ પણ કર્મચારી/કામદાર કે મુલાકાતીમાં તાવ, શરદી, ઉધરસ કે શ્વાસ લેવામાં મુશ્કેલી જેવા લક્ષણો જણાય તો તેને પ્રવેશ આપવો નહીં. આવા કર્મચારીનો કોવિડ-19 ટેસ્ટ કરાવવો. જો કોઈ પોઝિટિવ આવે તો પાલિકાની કચેરીએ જાણ કરવી.
2. જે તે એકમ/સંસ્થા/કચેરીમાં આવતા દરેક કર્મચારી/કામદાર તથા મુલાકાતીએ ફેસ માસ્ક પહેરવું, થર્મલ ગનથી તાપમાન માપવું અને હેન્ડ સેનેટાઇઝ થાય ત્યારબાદ પ્રવેશ આપવો.
3. કોવિડ કો-ઓર્ડિનેટર દ્વારા જે તે સંસ્થામાં કોરોનાને અટકાવવા માટે તમામ જરૂરી પગલા ભરવામાં આવે છે, તેનો પખવાડિક એહેવાલ નક્કી કરેલા સ્વરૂપે સંબંધિત ઝોનલ કચેરીમાં મોકલી આપવાનો રહેશે.
4. જો કોઈ સંસ્થામાં કે એકમમાં કોઈ કર્મચારી પોઝિટિવ આવે તો તેના છેલ્લા 14 દિવસનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાની જવાબદારી કોવિડ કો-ઓર્ડિનેટરની રહેશે. તેણે આ અંગે સંબંધિત ઝોનલ ઓફિસમાં જાણ કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે જે તે એકમ/કચેરી/સંસ્થામાં કોવિડ કેર અંગેની જરૂરી કાળજી માટે તેમજ સામાજીક અંતરનું ચુસ્ત પણે પાલન થાય તે માટે આ નિયુક્ત થયેલા કોવિડ કૉ-ઑર્ડિનેટર જવાબદાર રહેશે. 30થી ઓછા લોકો કામ કરતા હશે તેવા એકમોમાં આ નિયમ લાગૂ પડશે નહીં. કોવિડ કો-ઓર્ડિનેટરની જે તે એકમ/કચેરી/સંસ્થામાં નિયમોનું પાલન કરાવવાની જવાબદારી રહેશે.

આ વિડીયો પણ જુઓ: ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 1092 કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન