Complaint against the victim's sexual harassment against the doctor, but in support of the whole village doctor in morbi
  • Home
  • Gujarat
  • તબીબ સામે યુવતીની જાતીય સતામણીની ફરિયાદ, પરંતુ ગામ આખું ડોક્ટરના સમર્થનમાં

તબીબ સામે યુવતીની જાતીય સતામણીની ફરિયાદ, પરંતુ ગામ આખું ડોક્ટરના સમર્થનમાં

 | 6:15 pm IST

મોરબી તાલુકાના જેતપર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્રના ફીજીઓથેરાપીસ્ટ સામે યુવતીએ જાતીય સતામણી અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. તેની સામે ડોક્ટરના સમર્થનમાં જેતપર ગામ સમસ્ત ઉતરી આવ્યું છે. ડોક્ટર સામેનો કેસ ખોટો છે અને એ કેસમાં ન્યાયની માંગણી સાથે ગામના સ્ત્રી-પુરુષોએ ઉપવાસ આંદોલન શરુ કર્યું છે.

મોરબીના જેતપર ગામમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર હાલ ઉપવાસી છાવણીમાં ફેરવાઈ ગયું છે. જેતપર ગામના સ્ત્રી-પુરુષો જે ઉપવાસ કરી રહ્યાં છે. એ હોસ્પિટલની કોઈ અસુવિધા માટે નથી પણ આ હોસ્પિટલના ફીજીઓથેરાપીસ્ટ ડોક્ટર સામે થયેલ જાતીય સતામણી અને એટ્રોસિટીની ફરિયાદ બાદ ડોક્ટરના સમર્થનમાં સમસ્ત ગામ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે.

જે ડોક્ટર સામે ફરિયાદ થઇ છે એ ડોક્ટર ડેનીશ વરસાણીયા ખુબ સારા હોવાનો મત ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. 24 કલાક ગામની સેવા કરતા ડોક્ટર સામે કરવામાં આવેલ કેસ ખોટો છે. અને ડોક્ટરને ન્યાય આપવામાં આવે એવી માંગ સાથે જેતપર ગામના સરપંચ સહીતના ગ્રામજનો ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. જો ન્યાય નહિ મળે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

સામુહિક આરોગ્ય કેન્દ્રના ફીજીઓ ડોક્ટર ડેનીશ સાથે સંદેશ ન્યૂઝે વાત કરી ત્યારે તેમના જણાવ્યા મુજબ ફરિયાદ કરનાર યુવતી તેની માતા સાથે હોસ્પિટલ આવી હતી. તેને ટાઈફોઈડ અને યુરીન ઇન્ફેક્સન હતું. સાથે ચેસ્ટ પેઇન પણ હતું. જે સ્નાયુનો દુખાવો હતો જેથી હોસ્પિટલના એમડી ડોક્ટર દ્વારા આ યુવતીને તેમની પાસે શેક માટે મોકલવામાં આવી હતી. જે સારવાર દરમ્યાન યુવતી અડધી સારવાર દરમ્યાન ઉભી થઇ ગઈ હતી. અને સારવાર નથી કરાવવી તેમ કહી માતા સાથે હોસ્પિટલથી નીકળી ગઈ અને બાદમાં આ ફરિયાદ નોંધાવી હતી.

તા. 23ની મોડી સાંજે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં યુવતીએ હોસ્પિટલના ફીજીઓ સામે જાતીય સતામણી અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. આ બાબતમાં તાજેતરમાં જ બનેલ કેટલાક કિસ્સાને જોતા પોલીસ માટે પણ આ કિસ્સો પડકાર રૂપ બન્યો છે. એક તરફ યુવતી એ ન્યાય માટે ફરિયાદ નોંધાવી છે. તો બીજી બાજુ આરોપી ડોક્ટરના સમર્થનમાં જેતપર ગામના સમસ્ત ગ્રામજનો આંદોલનના માર્ગે ચડ્યા છે. તેમજ ડોક્ટરને ખોટી રીતે ફસાવાયા હોવાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આ કેસમાં પોલીસ આગળ કેવી રીતે કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું.