મહારાષ્ટમાં હિંસા : ઉશ્કેરણીજનક ભાષણ બદલ જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદ વિરૂદ્ધ FIR - Sandesh
  • Home
  • India
  • મહારાષ્ટમાં હિંસા : ઉશ્કેરણીજનક ભાષણ બદલ જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદ વિરૂદ્ધ FIR

મહારાષ્ટમાં હિંસા : ઉશ્કેરણીજનક ભાષણ બદલ જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદ વિરૂદ્ધ FIR

 | 12:08 am IST

મહારાષ્ટ્રમાં દલિત અને મરાઠા સમુદાય વચ્ચે 200 વર્ષ જુના યુદ્ધને લઈને ભડકેલી હિંસામાં ગુજરાતના અપક્ષના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બંને વિરૂદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ આપવાના આરોપમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બંનેના ભાષણ બાદ મહારાષ્ટ્રમાં હિંસા ભડકી ઉઠી હતી.

ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણીની સાથે જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટીના વિદ્યાર્થી ઉમર ખાલિદ વિરૂદ્ધ મહારાષ્ટ્રના પૂણેના ડેક્કન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

સમગ્ર વિવાદ 1 જાન્યુઆરી 1818ના રોજ અંગ્રેજો અને પેશવા બાજીરાવ બીજા વચ્ચે કોરેગાંવમાં ભીમા નદી નજીક ઉત્તર-પૂર્વમાં યુદ્ધ ખેલાયું હતું તેને લઈને છે. લડાઈમાં પેશવા સામે અંગ્રેજો તરફથી મહાર જાતીના સૈનિકોએ ભાગ લીધો હતો. અંગ્રેજો તરફથી 500 યોદ્ધાઓ જેમાં 450 મહાર હતાં, જ્યારે સામા પક્ષે પેશવા બાજીરાવ બીજાના 28,000 પેશવા સૈનિકો હતાં. યુદ્ધમાં માત્ર 500 મહાર સૈનિકોએ 28,000ની મરાઠા ફોજને પરાજય આપ્યો હતો.

 

મહાર સૈનિકોને તેમની વીરતા અને સાહસ બદલ સંમાનિત કરવામાં આવ્યાં હતાં અને તેમના માનમાં ભીમા કોરેગાંવમાં સ્મારક પણ બનાવવામાં આવ્યું હતું. આ સ્મારક પર મહારોના નામ લખવામાં આવ્યાં હતાં. વર્ષોથી ભીમા કોરેગાંવના આ યુદ્ધને લઈને મહારાષ્ટ્રના દલિતો ઉજવણી કરતા આવ્યા છે. આ ઘટનાને 200 વર્ષ પૂર્ણ થવા પર ગઈ કાલે સોમવારે કોરેગાંવ ભીમામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન રિપબ્લિકન પાર્ટી ઓફ ઈંડિયા (આઠવલે) દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના ખાધ્ય અને નાગરિક પુરવઠા મંત્રી ગિરીશ બાપટ, ભાજપના સાંસદ અમર સાબલે, ડેપ્યુટી મેયર સિદ્ધાર્થ ડેંડે સહિતના નેતાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની સૂચના મળતાં અન્ય સમુદાયના લોકો ઘટનાસ્થળ પર પહોંચ્યા હતાં અને કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. અચાનક પરિસ્થિત વણસી હતી અને બે જાતિ વચ્ચે પથ્થરમારો થયો હતો.

મંગળૉઅવારે મોડી સાંજે પુણેના બે યુવાન અક્ષય બિક્કડ અને આનંદ ડૉન્ડ પુણેના ડેક્કન પોલીસ સ્ટેશનમાં ધારસભ્ય જીગ્નેશ મેવાણી અને જેનેયુના વિદ્યાર્થી ઉમર ખાલિદ વિરૂદ્ધ લેખિતમાં FIR નોંધવાની માંગણી કરી હતી. ફરિયાદકર્તાનો આરોપ છે કે જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદે કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હ્તું.

ફરિયાદકર્તાઓના જણાવ્યા પ્રમાણે જિજ્ઞેશ મેવાણીના ભાષણ બાદ જ મહારાષ્ટ્રમાં જાતિય હિંસા ભડકી ઉઠી હતી. કારણ કે ભાષણ દરમિયાન જિજ્ઞેશ મેવાણીએ એક ખાસ વર્ગને સડક પર ઉતરી વિરોધ કરવા ઉશ્કેર્યા હતાં, ત્યાર બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતાં અને ધીમે ધીમે ભીડે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

કાર્યક્રમમાં જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે. આગામી 14 એપ્રિલે નાગપુરમાં જઈ આરએસએસ મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવશે. આ પરિષદમાં ડૉ, પ્રકાશ આંબેડકર, નિવૃત્ત જ્જ બી જી કોલસે પાટિલ, લેખિકા અને કવિ ઉલ્ક મહાજન સહિત હાજર રહ્યાં હતાં.

દલિત સમુદાયના આ કાર્યક્રમમાં ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, ઉમર ખાલિદ, પ્રકાશ આંબેડકર અને રાધિકા વેમુલાએ ભાગ લીધો હતો. એવું મનાઈ રહ્યું છે કે દલિત અને મરાઢા સમુદાયના લોકો સામસામે આવી ગયાં હતાં. ત્યાર બાદ આ ઘટનાએ હિંસકરૂપ ધારણ કર્યું હતું અને દેશની આર્થિક રાજધાની મુંબઈ અને પુણે ભડકે બળવા લાગ્યાં હતાં. અનેક ઠેકાણે આગ ચંપી અને તોડફોડ કરવામાં આવી હતી. પુણેમાં ભડકેલી આ આગ મહારાષ્ટ્રના અનેક સ્થળોએ લાગી હતી. મુંબઈના કુર્લા, મુલુંડ, ચેંમ્બુર અને થાણેમાં સરકારી બસો પર પથ્થરમારો કરી તેને આગના હવાલે કરવામાં આવી હતી. ઠેર ઠેર રસ્તા રોકવાની ઘટના બની હતી. શાળા-કોલેજો તત્કાળ બંધ કરી દેવામાં આવી હતી.