કોમ્પ્યુટર, સોફ્ટવેર અને એક્સાઇઝ ડયૂટી - Sandesh

કોમ્પ્યુટર, સોફ્ટવેર અને એક્સાઇઝ ડયૂટી

 | 3:20 am IST

કોમ્પ્યુટર, કોમ્પ્યુટર સિસ્ટમ, સોફટવેર વગેરે શબ્દપ્રયોગો એક્સાઈઝના કાયદા હેઠળ જુદો જુદો અર્થ ધરાવે છે. તેના પરથી એક્સાઈઝ ડયૂટીને લગતાં પ્રશ્નો પણ વારંવાર ઉદ્ભવે છે. એક્સાઈઝના કાયદામાં કોમ્પ્યુટર શબ્દ વપરાતો નથી, પરંતુ તેને ”ઓટોમેટિક ડેટા પ્રોસેસિંગ મશીન” તરીકે ઓળખવામાં આવે છે. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ (સીપીયુ), મોનિટર અને કીબોર્ડ આ ત્રણ યુનિટ ભેગા કરવાથી ઓટોમેટિક ડેટા પ્રોસેસિંગ મશીન બને છે. આ ત્રણ સિવાય અન્ય કોઈ પણ વસ્તુ કોમ્પ્યુટરની સાથે વેચવામાં આવી હોય તો તેને કોમ્પ્યુટરનો ભાગ ગણવામાં આવતો નથી, અને તેવા ભાગની કિંમત પણ એક્સાઈઝ ડયૂટી ભરવા માટે કોમ્પ્યુટરની કિંમતમાં ઉમેરવામાં આવતી નથી. આ સિદ્ધાંતો સુપ્રીમ કોર્ટ અને ટ્રિબ્યૂનલનાં કેસ- લોમાંથી ફલિત થાય છે.

વિપ્રો લિ.નો કેસ

કમિશનર વિ. વિપ્રો લિ.નો ચુકાદો ૨૦૦૨ (૧૪૧) ઈ.એલ.ટી. પાન નં. ૫૨૭ પર રજૂ થયેલો છે. આ કેસમાં વિપ્રો કંપની પ્રિન્ટર, ડ્રાઈવ વગેરેની કિંમત પોતે બનાવેલાં કોમ્પ્યુટરની કિંમતમાં ઉમેરતી નહોતી, પરંતુ એક્સાઈઝ અધિકારીઓએ ઠરાવ્યું કે આ કંપની જે ઓટોમેટિક ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ વેચે છે તેમાં પ્રિન્ટર વગેરે પ્રકારના યુનિટ પણ સમાયેલ છે અને આવા બધાં જ યુનિટ ભેગાં થઈને એક કોમ્પ્યુટર સિસ્ટમ બને છે, અને આવી સિસ્ટમને એક્સાઈઝ પાત્ર જણસ કે માલ ગણી તેની કુલ કિંમત પર ડયૂટી વસૂલ કરાવી જોઈએ પ્રિન્ટર, ડ્રાઈવ વગેરે ચીજો વિપ્રો કંપની બજારમાંથી ખરીદી પોતે બનાવેલ સીપીયુ, મોનિટર અને કી-બોર્ડ સાથે વેચતી હતી. ટ્રિબ્યૂનલે આ ચુકાદામાં ઠરાવ્યું કે બજારમાંથી ખરીદેલી પ્રિન્ટર વગેરે ચીજો ”પેરિફરલ આઈટમ” ગણાશે, અને આવા પેરિફરલની કિંમત કોમ્પ્યુટરની કિંમતમાં નહીં ઉમેરાય કારણ કે આવા પેરિફરલ કોમ્પ્યુટરના ભાગ ગણાય નહીં.

સીએમએસ કોમ્પ્યુટર્સનો ચુકાદો

આ ચુકાદો ૨૦૦૫ (૧૮૨) ઈ.એલ.ટી. ૨૦ ઉપર રજૂ થયેલ છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે મોનિટર પણ કોમ્પ્યુટરને જરૂરી ભાગ ન ગણાય અને કોઈ ઉત્પાદક સીપીયુ અને કી બોર્ડ જેવી ચીજો બનાવતો હોય તો તેના પર ડયૂટી લાગશે, પણ જે વ્યક્તિ આવી ચીજો બજારમાંથી ખરીદીને સાથે મૂકીને એક સેટ તરીકે વેચે તો આ વ્યક્તિએ કોમ્પ્યુટરનું ઉત્પાદન કર્યું એવું ન ગણાય, અને બજારમાં ખરીદીને વેચેલી આવી ચીજો (પેરિફરલ) પર તેણે એક્સાઈઝ ભરવાની કોઈ જવાબદારી ન બને.

પી.એસ.આઈ. ડેટા સિસ્ટમનો ચુકાદો

આ ખૂબ જ મહત્ત્વનો ચુકાદો ૧૯૯૭ (૮૯) ઈ.એલ.ટી. પાન નં.૩ પર રજૂ થયેલ છે અને તેમાં સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે ”કોમ્પ્યુટર” ઉપર એક્સાઇઝ ડયૂટી લાગે છે, નહીં કે ”કોમ્પ્યુટર સિસ્ટમ” ઉપર, અને તેથી કોમ્પ્યુટરના અસરકારક ઉપયોગ માટે ડિસ્ક, ફલોપી, સીડી રોમ વગેરેની જરૂર હોય તો પણ આ બધાને કોમ્પ્યુટરના ભાગ કે પૂર્જા ન ગણી શકાય. આવા બધાં પેરિફરલ કોમ્પ્યુટરની સાથે વેચાતા હોય તો પણ તેની કિંમતને સમાવેશ કોમ્પ્યુટરની કિંમતમાં નહીં થાય તેવું પણ સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં ઠરાવ્યું છે. આ સિદ્ધાંત પ્રતિપાદિત કરતી વખતે સુપ્રીમ કોર્ટે કેસેટ રેકોર્ડરનું દૃષ્ટાંત આપતાં કહ્યું છે કે કેસેટ નાખ્યા વગર રેકોર્ડરનો ઉપયોગ થઈ ન શકે પણ તેનો અર્થ એ નથી કે કેસેટ એ કેસેટ રેકોર્ડરનો ભાગ કે હિસ્સો ગણાવો જોઈએ.

ઓ.આર.જી. સિસ્ટમ્સનો ચુકાદો

સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ૧૯૯૮ (૧૦૨) ઈ.એલ.ટી. ૩ ઉપર રજૂ થયેલ છે અને આ ચુકાદામાં પણ ઠરાવવામાં આવ્યું છે કે કોમ્પ્યુટર એટલે સીપીયુ, ઈનપુટ ડિવાઈસ અને આઉટપુટ ડિવાઈસ, અન્ય બધાં પેરિફરલ અને સોફટવેર વધારાની સગવડો છે, પણ કોમ્પ્યુટરના ભાગ નથી.

આમ અલગ અલગ પ્રકારનાં સોફટવેર તથા પ્રિન્ટર, ડિસ્ક, સીડી રોમ, ફલોપી વગેરે પ્રકારના વધારાના યુનિટ જેને પેરિફરલ કહેવામાં આવે છે તે કોમ્પ્યુટરના ભાગ ગણવામાં આવતાં નથી, અને તે કોમ્પ્યુટરની સાથે આપવામાં આવે તો પણ તે બધાંની કિંમત કોમ્પ્યુટરની કિંમતમાં ઉમેરવામાં આવતી નથી, અને ફક્ત કોમ્પ્યુટરની કિંમત પર જ એક્સાઈઝ ડયૂટી ભરવાની જવાબદારી થાય છે.

કોમ્પ્યુટરનું ક્લાસિફિકેશન

સેન્ટ્રલ એક્સાઈઝ ટેરિફનાં મથાળા (હેડિંગ) નંબર ૮૪.૭૧માં કોમ્પ્યુટર એટલે કે ઓટોમેટિક ડેટા પ્રોસેસિંગ મશીન પડે છે. આ જ હેડિંગ હેઠળ કોમ્પ્યુટરના પેરિફરલ પણ પડે છે પરંતુ સોફટવેરનો ટેરિફના પ્રકરણ (ચેપ્ટર) નં. ૮૫ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. આમ કોમ્પ્યુટર તથા તેની સાથે વપરાતાં ‘હાર્ડવેર’ પ્રકારનાં પેરિફરલ અને ”સોફટવેર” ને એક્સાઈઝના કાયદા હેઠળ અલગ અલગ ગણવામાં આવ્યા છે, આ બધાં જ પેરિફરલ ગણાય છે તો પણ.

કોમ્પ્યુટર નેટવર્ક સર્વિસ અને સર્વિસ ટેક્સ

તા. ૧૬-૭-૨૦૦૧થી આ સેવા પર સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવેલ છે. જો કોઈ પણ પ્રકારના ડેટા કે માહિતી ઈલેક્ટ્રોનિક રીતે આપવામાં આવે તો આ સેવા આકર્ષાય છે. આ પ્રકારનાં ડેટા કે માહિતી ઈલેક્ટ્રોનિક રીતે આપવામાં આવે ત્યારે ગ્રાહક આવી માહિતી- ડેટા કોઈ પણ રીતે મેળવવા સક્ષમ હોવો જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો આવી માહિતી આપતી, એટલે કે સેવા આપતી વ્યક્તિ પાસેથી ગ્રાહક ખરેખર આવી માહિતી- ડેટા મેળવતો હોવો જોઈએ, કારણ કે જ્યારે ગ્રાહક આવી માહિતી કે ડેટા મેળવે કે સેવા આપનારના બેઈઝમાંથી બહાર કાઢી તેનો ઉપયોગ કરે ત્યારે જ આ સેવાના બધાં તત્ત્વો સંતોષાયેલ ગણાય.  આ પ્રમાણે કોમ્પ્યુટર બનાવનાર ઉત્પાદકો પર સરકાર એક્સાઈઝ ડયૂટીની વસૂલાત કરે છે, જ્યારે કોમ્પ્યુટર નેટવર્કથી માહિતી આપતી વ્યક્તિઓ પાસેથી સર્વિસટેક્સ વસૂલે છે.