વિરોધનો સંઘર્ષ - Sandesh

વિરોધનો સંઘર્ષ

 | 1:36 am IST

સૂક્ષ્મ સત્ય: જે. કૃષ્ણમૂર્તિ

મને સંદેહ છે કે અનિષ્ટ જેવી કોઈ વસ્તુ હશે કે કેમ. કૃપા કરી તમે ધ્યાન આપો, મારી સાથે રહો. ચાલો, આપણે સાથે મળીને તપાસ કરીએ. આપણે કહીએ છીએ કે સારી અને ખરાબ એમ બે પ્રકારની બાબત હોય છે. એ જ રીતે ઈર્ષ્યા અને પ્રેમ છે, અને આપણે કહીએ છીએ કે ઈર્ષ્યા ખરાબ છે અને પ્રેમ સારી બાબત છે. આપણે જીવનનું વિભાજન શા માટે કરીએ છીએ, એકને સારું અને બીજાને ખરાબ કહીને, અને એ રીતે વિરોધી બાબત વચ્ચે સંઘર્ષ શા માટે સર્જીએ છીએ? એવું નથી કે માનવીના મનમાં અને હૃદયમાં ઈર્ષ્યા, ઘૃણા, પાશવીપણું નથી, પ્રેમ અને કરુણાનો અભાવ છે, પરંતુ શા માટે આપણે જીવનને ‘સારી કહેવાતી બાબત’ અને ‘ખરાબ કહેવાતી બાબતમાં’ વિભાજિત કરીએ છીએ? શું ખરેખર એવું નથી કે અહીં એક જ બાબત છે કે જે આપણું મન છે અને તે બેધ્યાન છે? ચોક્કસ, જ્યારે તમારું સંપૂર્ણ ધ્યાન (અવધાન) હોય, એટલે કે જ્યારે મન સંપૂર્ણપણે સભાન, સતર્ક, નિરીક્ષણ કરતું હોય, ત્યારે ખરાબ અથવા સારી બાબત જેવું કંઈ હોતું નથી; ત્યાં કેવળ જાગૃત એવી અવસ્થા જ હોય છે ત્યારે સારપ કોઈ ગુણવત્તા નથી, સદ્ગુણ નથી, તે કેવળ પ્રેમની અવસ્થા છે. જ્યારે પ્રેમ હોય છે ત્યારે ત્યાં ન તો સારું કે ન તો ખરાબ હોય છે, ત્યાં કેવળ પ્રેમ હોય છે. જ્યારે તમે ખરેખર કોઈને પ્રેમ કરતા હો ત્યારે તમે સારા કે ખરાબનો વિચાર નથી કરતા હોતા, તમારું સમગ્ર અસ્તિત્વ પ્રેમથી ભરાઈ જાય છે. જ્યારે સંપૂર્ણપણે ધ્યાનનો અંત થાય છે, ત્યારે પ્રેમનો અંત આવે છે ને ત્યારે ઉદ્ભવે છે સંઘર્ષ-‘હું જે છું’ તે અને ‘મારે શું બનવું જોઈએ’ તેની વચ્ચેનો સંઘર્ષ. ત્યારે ‘હું જે છું’ તે ‘ખરાબ’ હોય છે અને ‘મારે શું હોવું જોઈએ’ એ ‘સારું’ કહેવાતું હોય છે.

…તમે તમારા મનનું નિરીક્ષણ કરો તો તમે જોશો કે જે ક્ષણે મન કંઈક બનવાના સંદર્ભમાં વિચાર કરવાનું બંધ કરી દે છે તે ક્ષણે એવી થવાની ક્રિયાનો અંત આવે છે અને પરંતુ તે સ્થગિત થયેલું મન કે ક્રિયા નથી; એ સંપૂર્ણપણે ધ્યાન આપવાની(અવધાનની) અવસ્થા છે, તે જ સારપ, સારી સાલસતા છે.

[email protected]