વિપક્ષના નેતા અંગે હાર્દિકની માંગની કોંગ્રેસ આપી આવી પ્રતિક્રિયા - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • વિપક્ષના નેતા અંગે હાર્દિકની માંગની કોંગ્રેસ આપી આવી પ્રતિક્રિયા

વિપક્ષના નેતા અંગે હાર્દિકની માંગની કોંગ્રેસ આપી આવી પ્રતિક્રિયા

 | 11:19 am IST

ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ મચાવી દેનારા હાર્દિક પટેલે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અંગે ધાનાનીની માંગણી કરતા, કોંગ્રેસ સામે બાંયો ચડાવવાની જાહેરાત કરતાં,  અશોક ગેહલોતે સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે કોંગ્રેસની આંતરિક બાબતમાં અમે કોઈના પણ દબાણને વશ નહિં થઈએ. કોઈ એવા ભ્રમમાં  ન  રહે કે તેના દબાવમાં કોંગ્રેસ કામ કરી રહી છે. તો પરેશ ધાનાનીએ જ ટ્વીટ કરીને વળતો હાર્દિકને જોરદાર જવાબ આપ્યો હતો.

ગુજરાતની ચૂંટણી સમયે ભાજપને પાડી દેવાનું એલાન કરતાં અમદાવાદ શહેરમાં પાટીદાર બહુમતી વાળા વિસ્તારોમાં રોડ શો અને જાહેર સભા યોજી હતી. જોકે ચૂંટણી પરિણામો પર કોઈ અસર વર્તાઈ નહોતી. ચૂંટણી પતી ગયા પછી  હાર્દિક પટેલે કોંગ્રેસને ધમકી આપી હતી કે પરેશ ધાનાણીને વિરોધ પક્ષના નેતા નહિ બનાવાય તો અમે કોંગ્રેસ સામે લડાઈ લડીશું. આ નિવેદન બાદ હાર્દિક સામે વિરોધ વંટોળ ઊભો થયો છે.

વિરોધ પક્ષ માટે હાર્દિક પરેશનું નામ વહેતું કરતાં જ અશોક ગેહલોતે સાફ કહી દીધું કે, વિપક્ષી નેતા ધારાસભ્યો નક્કી કરે છે, બહારના લોકો નહિ. અમે કોઈની ધમકીની પરવા કરતાં નથી. વિરોધપક્ષના નેતાનું નામ કોંગ્રેસ ચૂંટાયેલા ધારાસભ્યોની સેન્સ લઈને તૈયાર કરાયેલા રિપોર્ટને હાઈકમાન્ડને મોકલી દીધાં બાદ, તેમના આદેશ પ્રમાણે જ જાહેર કરવામાં આવશે.

તાજેતરમાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની નારાજગી બહાર આવી ત્યારે પણ હાર્દિક ઔકાત બહાર જઈ એવું નિવેદન કરેલું કે, નીતિન પટેલ ૧૦ ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં આવી જાય. કોંગ્રેસમાં તેમને સારું સ્થાન અપાવીશું. અમે કોંગ્રેસને રજૂઆત કરીશું કે, નીતિનભાઈને સારું સ્થાન મળે, તેઓ અમારી સાથે આવે, સાથે મળીને લડાઈ લડીશું.

ધાનાણીએ ટ્વિટ કરી હાર્દિકને આપ્યો આ સણસણતો જવાબ
ધારાસભ્ય પરેશ ધાનાણીએ ટ્વિટ કરી હાર્દિકને સણસણતો જવાબ આપ્યો છે, જેમાં કહ્યું છે કે, ‘ખબરદાર, કોઈએ જાતિ અને ધર્મના નામે રાજકીય રોટલા શેકવા માટે વર્ણ અને વર્ગને વિભાજિત કરનારી શક્તિઓને સમર્થન આપવું જોઈએ નહિ. હું અઢારેય વર્ણનો અવાજ બનનારી કોંગ્રેસી વિચારધારાનો ગુજરાત કાર્યકર્તા હોવાનું માત્ર ગૌરવ અનુભવું છું. જય જય ગરવી ગુજરાત’. આમ પરેશે પણ ટ્વિટ કરી હાર્દિકને શાનમાં રહેવાનું સમજાવી દીધું છે.