કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ ચેરપર્સન સોનિયા ગાંધીને મોટો ફટકો - Sandesh
  • Home
  • India
  • કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ ચેરપર્સન સોનિયા ગાંધીને મોટો ફટકો

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ ચેરપર્સન સોનિયા ગાંધીને મોટો ફટકો

 | 12:27 am IST

। નવી દિલ્હી ।

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને આવકવેરા વિભાગની નોટિસના મામલે દિલ્હી હાઇકોર્ટે રાહત આપવાની સાફ ના પાડી દેતાં બંને મા-દીકરાને મોટો ફટકો પડયો છે. ન્યાયાધીશ એસ. રવીન્દ્ર ભટ્ટ અને ન્યાયાધીશ એ. કે. ચાવલાની ખંડપીઠે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ઓસ્કર ફર્નાન્ડિસની અપીલ ફગાવી દીધી હતી. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના પ્રવક્તાએ સામસામા વળતા પ્રહારો કર્યા હતા.

હાઇ કોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ઓસ્કર ફર્નાન્ડિસ પાસે હવે બે જ રસ્તા બચ્યા છે. કાં તો હાઇકોર્ટના આદેશ પર આવકવેરા વિભાગની સામે હાજર થાય અને પોતાનાં દલીલો અને તથ્યો રાખે અથવા તો બીજો રસ્તો છે હાઇ કોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારે.

બીજી બાજુ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ મામલે હાઇ કોર્ટના નિર્ણયનો સ્વાગત કરતાં કહ્યું હતું કે આ મોદી સરકારના ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરન્સની જીત છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા પોકારવામાં આવેલા ભારત બંધનું સાચું કારણ આ જ હતું. કારણ કે તેઓ જાણતાં હતાં કે હાઇ કોર્ટનો ફેંસલો તેમની વિરુદ્ધ આવવાનો છે.

ભારત બંધને નેશનલ હેરાલ્ડ કેસ સાથે સાંકળી લેવા પર કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ વળતો ઘા કરતાં કહ્યું હતું કે બંધની સફળતાને કારણે મોદી સરકાર ગભરાઇ ગઇ છે અને આ માટે સરકાર બદલો લેવાની ભાવનાથી કામ કરી રહી છે. સુરજેવાલાએ વધુમાં કહ્યું હતું કે સરકારની પોકળ ધમકીઓથી નેશનલ હેરાલ્ડ છપાવાનું બંધ નહી થાય.