કોંગ્રેસની દિશા અને દશા બદલાય એવા કોઈ વરતારા હાલમાં તો દેખાતા નથી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • કોંગ્રેસની દિશા અને દશા બદલાય એવા કોઈ વરતારા હાલમાં તો દેખાતા નથી

કોંગ્રેસની દિશા અને દશા બદલાય એવા કોઈ વરતારા હાલમાં તો દેખાતા નથી

 | 1:25 am IST
  • Share

બિહાર વિધાનસભા ચૂંટણી અને અન્ય પેટા ચૂંટણીઓમાં મળેલા પરાજય અને ગણતરીની બેઠકોને કારણે ફરી એક વખત કોંગ્રેસ અને તેનું નેતૃત્વ શંકાના ઘેરમાં આવી ગયા છે. ચારે તરફથી કોંગ્રેસનાં નેતૃત્વ અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને પક્ષ સાથે સંકળાયેલા દિગ્ગજ નેતાઓએ જ ફરીથી નેતૃત્વ બદલવા અંગે બાંગો પોકારવા માંડી છે. થોડા દિવસ પહેલાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પોતાના પત્રો અને ઇન્ટરવ્યૂમાં પોતાનો રોષ ઠાલવ્યો હતો. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીના પુનરુત્થાન માટે લોકશાહી રીતે પરિવર્તન લાવવાની જરૂર છે. તેમણે એ બાબતે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું કે, હવે જનતા ભાજપના વિકલ્પ તરીકે કોંગ્રેસને ગણતરીમાં જ લેતી નથી.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં ૨૩ જેટલા નેતાઓ દ્વારા કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માગ કરવામાં આવી હતી. સિબ્બલ પણ તેમાંના જ એક નેતા છે. તે વખતે સોનિયા ગાંધીને લખાયેલા પત્રમાં ૨૩ નેતાઓએ જણાવ્યું હતું કે, સાંપ્રત સ્થિતિમાં ટકવું અને આગળ વધવું હશે તો કોંગ્રેસના ટોચનાં નેતૃત્વમાં પરિવર્તન કરવું પડશે. સિબ્બલનો મત હતો કે બધા ઉપર થોપી બેસાડવાના બદલે નેતાઓની પસંદગી, સામૂહિક નેતૃત્વ અને લોકશાહી પ્રક્રિયાનો યોગ્ય અમલ થવો જોઈએ. બીજા કેટલાક નેતાઓ પણ માને છે કે, રાહુલ ગાંધીનાં કારણે કોંગ્રેસની કથની અને કરણીમાંથી આક્રમકતા અને પ્રભાવ ચાલ્યાં ગયાં છે. તેના કારણે પણ કોંગ્રેસનું નેતૃત્વ નબળંુ જણાઈ રહ્યું છે. બીજી તરફ એવી પણ વાતો છે કે, કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરી અને રાજ્યોની ઈકાઈઓ વચ્ચે કોઈ તાલમેલ નથી. તેમાં પણ આલાકમાન પાસે તમામ માહિતી પહોંચતી નથી અને તમામ સ્તરે માહિતી અને તાલમેલનો અભાવ જોવા મળે છે. આ તમામ આરોપો ખોટા છે તેવું તો ન જ કહી શકાય. ક્યાંકને ક્યાંક આ આરોપો સાચા પડતા દેખાયા છે.

તાજેતરના બિહારનાં જ પરિણામોની વાત કરીએ તો કોંગ્રેસનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું છે. ગુજરાતની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસને એકેય બેઠક મળી નહીં. ત્રણ બેઠકમાં તો ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ. આ સ્થિતિમાં કોંગ્રેસ છે. પાર્ટીમાં આંતરિક વિમાસણ અને વિડંબણા જે હોય તે પણ સામાન્ય લોકોના મનમાં પણ કોંગ્રેસ અંગે અસમંજસ મોટા પ્રમાણમાં છે. કોંગ્રેસના નેતાઓ મોટા મુદ્દા અંકે કરવામાં મોટાભાગે નિષ્ફળ ગયા છે. છેલ્લાં ઘણા સમયથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે. તેના નિર્ણયો હોય કે નિર્ણયોની અસર કોંગ્રેસ ક્યારેય આ મુદ્દે લોકજુવાળ ઊભો કરી શકી નથી કે તેના નેતાઓ પણ કોઈપણ મુદ્દાને ચગાવી શક્યા નથી કે તેના ફાયદા લઈ શક્યા નથી. મોટાભાગે એવું જોવા મળ્યું છે કે, કોંગ્રેસની આલાકમાન સાથે સંકળાયેલા નેતા હોય કે અન્ય દિગ્ગજ નેતાઓ તેમણે ક્યારેય લોકોમાં પોતાની આગવી છાપ ઊભી કરી જ નહોતી.  કોંગ્રેસના ભૂતકાળ અને વર્તમાન ઉપર નજર કરીએ તો પણ તેની દુર્દશા સમજાઈ જાય તેમ છે. ભારત જ્યારે આઝાદ થયો ત્યારે આઝાદીની ચળવળ સાથે સંકળાયેલા હોવાથી કોંગ્રેસનો પ્રભાવ હતો. તેના કારણે તે સમયે કેન્દ્ર અને રાજ્યોમાં મોટાભાગના ચૂંટણીઓમાં કોંગ્રેસનો વિજય થતો હતો. જનમાનસની સ્મૃતિ ખૂબ જ નબળી હોય છે અને કોંગ્રેસના નેતાઓને પણ સમજાઈ ગયું કે, ભૂતકાળની પ્રતિષ્ઠાનાં કારણે કાયમ ચૂંટણીઓ જીતી શકાતી નથી. ભારતમાં રાજકીય મુદ્દાની સાથેસાથે જાતિ અને ધર્મનો પણ એટલો જ પ્રભાવ જોવા મળે છે. તત્કાલીન કોંગ્રેસી નેતાઓએ એક ગઠબંધન બનાવ્યું જે ભવિષ્યની ચૂંટણીઓ જીતવાનો માર્ગ સરળ બનાવે. તેમાં ત્રણ જૂથ હતાં : સવર્ણો, મુસ્લિમો અને અનુસૂચિત જાતિઓ. યુપી અને બિહાર જેવાં ઉત્તર ભારતનાં રાજ્યોમાં સવર્ણો અને મુસ્લિમોની સંખ્યા એકંદરે ૧૮ ટકા જેવી સમાંતર છે. બીજી તરફ અનુસૂચિત જાતિઓ ૨૦ ટકાની આસપાસ છે. આ આયોજન પ્રમાણે જો કોંગ્રેસને ૫૦ ટકાથી વધારે મત મળી જાય તો ચૂંટણી જીતાય તેમ હતું. સામાન્ય રીતે ૩૦ ટકાથી વધારે મત મળે એટલે ચૂંટણી જીતી જ જવાય છે. આ આયોજનનાં પગલે જ કોંગ્રેસે સાત દાયકા સુધી કેન્દ્રમાં અને અનેક રાજ્યોમાં સત્તા મેળવી હતી.

એક સમય આવ્યો જ્યારે આ જાતિગત અને ધાર્મિક રાજકારણ કોંગ્રેસના હાથમાંથી સરકી ગયું. ભાજપે આ જાતિગત અને ધાર્મિક રાજકારણને પોતાના તરફ વાળી લીધું. બીજી તરફ મતદારો પણ તે જ રીતે પરિર્વિતત થતા ગયા. મોટાભાગનાં રાજ્યોના સવર્ણોનું વલણ ભાજપ પ્રત્યે કૂુણું દેખાવા લાગ્યું. તેમના વોટ મોટાભાગે ભાજપને જ જવા લાગ્યા. તે ઉપરાંત ૧૯૯૨માં બાબરી મસ્જિદ વિધ્વંસ પછી મુસ્લિમોએ પણ કોંગ્રેસ પાસેથી આશા છોડી દીધી. યુપી, બિહાર જેવાં રાજ્યોમાં અનુસૂચિત જાતિઓએ બીએસપી જેવો પોતાનો પક્ષ બનાવી લીધો. સ્વાભાવિક રીતે જ કોંગ્રેસ પાસે રહેલી જાતિ અને ધર્મને આધારિત વોટબેન્ક સાવ વિખેરાઈ ગઈ. કોંગ્રેસ કેટલીક બેઠકો ઉપર સફળ રહે છે પણ મોટાભાગે તો કોંગ્રેસના હાથમાંથી ચૂંટણીના ઘોડાની લગામ સરકી જ ગઈ છે. કોંગ્રેસને કેટલીક બેઠકો કેટલાક ઉમેદવારોના નામે મળે છે અથવા તો કોઈ પક્ષ સાથે જોડાણ કરવાનાં કારણે મળે છે. સીધી રીતે હવે કોંગ્રેસનાં ખાતામાં બેઠકો પહેલાં જેવી જોવા મળતી નથી. તે વિપક્ષમાં પણ બેસી શકે તેવી સ્થિતિમાં રહી નથી. કોંગ્રેસમાં નવા નેતાઓને હવે મોટી સત્તા જોઈએ છે અને મોટા નેતાઓ છે તેઓ સુકાન માગે છે. એકંદરે ગાંધી પરિવારની સામે આડકતરી રીતે બધા જ ઊભા છે છતાં સીધા મોઢે કોઈ સ્વીકારતું નથી. આ સ્થિતિમાં કોંગ્રેસ નવું નેતૃત્વ લાવે કે પછી લોકશાહી રીતે કામગીરી શરૂ કરે તેમાં કોઈ ફેર પડવાનો નથી. જાતિગત અને ધાર્મિક તો રાજકારણ હવે કોંગ્રેસ માટે પૂરું જ થઈ ગયું છે અને કોંગ્રેસના નેતાઓને એકબીજા પ્રત્યે જ રોષ અને અવિશ્વાસ ઊભો થયેલો છે. આલાકમાન લગામ કસી શકે તેમ નથી અને નીચલાં નેતૃત્વમાં આંતરિક ડખા વધારે છે. આ સ્થિતિમાં કોંગ્રેસની દિશા અને દશા બદલાય તેવા હાલમાં તો કોઈ વરતારા જણાતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન