Congress-held 4 assembly seats in Ahmedabad are at risk
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Election
  • કોંગ્રેસ હસ્તકની અમદાવાદની 4 વિધાનસભા બેઠકો ૫ર જોખમ

કોંગ્રેસ હસ્તકની અમદાવાદની 4 વિધાનસભા બેઠકો ૫ર જોખમ

 | 7:05 am IST
  • Share

ગુજરાતના ૬ મહાનગરોની સામાન્ય ચૂંટણીઓમાં સત્તાધારી ભાજપની ઝળહળતી સફળતા બાદ આ મ્યુનિસિપલ કોર્પોરેશનોના વિસ્તારોમાં પડતી વિધાનસભા બેઠકોની આવતા વર્ષે આવનારી ચૂંટણીઓમાં પણ ભાજપને વર્તમાન બેઠકો ટકાવી રાખવામાં સ્વાભાવિક રીતે જ કોઈ વાંધો આવશે નહીં, ઊલટાનું એનું બેઠકો વધશે એ હવે નિશ્ચિત બન્યું છે. છ મહાનગરોમાં વિધાનસભાની આખેઆખી ૪૦ બેઠકો અને ૩ બેઠકોના આંશિક વિસ્તારો આવે છે, જેમાંથી અત્યારે અમદાવાદની ૪ બેઠકો સિવાય બાકી બધી બેઠકો ભાજપ હસ્તક છે.

અમદાવાદ મહાનગરની જે ચાર વિધાનસભા બેઠકો બાપુનગર, દાણીલીમડા, જમાલપુર-ખાડિયા અને દરિયાપુર અત્યારે કોંગ્રેસ હસ્તક છે તે પૈકી દરિયાપુર સિવાયની ત્રણે બેઠકો, મહાનગરની આ ચૂંટણીમાં કોંગ્રેસ માટે નબળી પડે છે, જેને કારણે આવતા વર્ષે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને બાપુનગર, દાણીલીમડા તથા જમાલપુર-ખાડિયા બેઠકો ગુમાવવી પડે તેવી શક્યતા છે.

કોંગ્રેસ માટે હવે સૌથી નબળી વિધાનસભા સીટ જમાલપુર-ખાડિયા બની ગઈ છે, કેમ કે જમાલપુર વોર્ડની ચારે બેઠકો તથા ખાડિયા વોર્ડની બેઠકો કોંગ્રેસે આ ચૂંટણીમાં ગુમાવી દીધી છે. બીજા નંબરે ધારાસભ્ય હિંમતસિંહ પટેલની બાપુનગરની સીટ નબળી પડી ગઈ છે, જ્યાં બાપુનગર વોર્ડની બધી જ બેઠકો ગુમાવવા ઉપરાંત સરસપુર, રખિયાલમાં કોંગ્રેસ માઇનસમાં આવી ગઈ છે. ધારાસભ્ય શૈલેષ પરમારના મતક્ષેત્રમાં પડતા દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસની જીત જરૂર થઈ છે, પરંતુ ગોમતીપુર, બહેરામપુરામાં ઓવૈસીની પાર્ટીએ ખાસ્સા મતો તોડયા છે, બહેરામપુરાના બે વોર્ડમાં તો ઓવૈસીના બે ઉમેદવારો નજીવા તફાવતથી હાર્યા છે, જેને કારણે દાણીલીમડા વિધાનસભા બેઠક બચાવવી હવે મુશ્કેલ બની જશે.

કોંગ્રેસ માટે એકમાત્ર ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની દરિયાપુર વિધાનસભા બેઠક કંઇક અંશે સલામત રહી કહી શકાય, કેમ કે દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસના ચારે ઉમેદવારો વિજયી થયા છે અને શાહપુર વોર્ડમાં અગાઉ ચાર પૈકી એકમાત્ર સીટ ઉપર કોંગ્રેસનો કાઉન્સિલર ચૂંટાયેલો હતો, એટલે વિધાનસભા ટકાવી રાખવા માટે આ ચૂંટણીમાં કોંગ્રેસે એક બેઠક તો જીતવી જ પડે.

આમ, આ ચૂંટણીનાં પરિણામોને લીધે અમદાવાદ મહાનગરમાં હાલ કોંગ્રેસના તાબા હેઠળની ચારે વિધાનસભા બેઠકો નબળી બની ગઈ છે, અલબત્ત, એમાં દરિયાપુર બેઠક થોડી ઘણી સલામત કહી શકાય તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન