Congress Leader Amit Chavda Warn govt on Corona Third Wave
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે, ભાજપ ચહેરા બદલવાની રાજનીતિ ના કરે: અમિત ચાવડા

કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે, ભાજપ ચહેરા બદલવાની રાજનીતિ ના કરે: અમિત ચાવડા

 | 6:24 pm IST
  • Share

એક તરફ ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે ભાજપના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલે આજે શપથ લઈ લીધા છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારની કામીગીરી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કોરોના કાળમાં રૂપાણી સરકારની કામગીરીને વખોડી કાઢી છે.

રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારની નિષ્ફળતા ઉજાગર થઈ
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે, છેલ્લા 100 વર્ષમાં કોરોનાનો સૌથી કપરો સમય હતો. જેમાં રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારની નિષ્ફળતા ઉજાગર થઈ છે. સરકારના અણધડ વહીવટ અને ગુનાહિત બેદરકારીનો ભોગ ગુજરાતની સાડા છ કરોડની જનતા બની છે.

કોરોના કાળમાં ઑક્સિજનના અભાવે અને વેન્ટિલેટરની અછતના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સરકારની નિષ્ફળતાના સ્વરૂપે વિજય રૂપાણીનું રાજીનામું લેવામાં આવ્યું છે.

મહામારીના સમયમાં એક્સપર્ટોએ આગોતરી જાણ કરી હોવા છતાં સરકારની ગુનાહિત બેદરકારીના કારણે ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં જરૂર હતી ત્યારે બેડના મળ્યા, ઓક્સિજન, વેન્ટિલેટર અને ઈન્જેક્શનના અભાવે અનેક લોકો પોતાના જીવ ગુમાવ્યા.

કોરોના કાળમાં સરકારની જવાબદારી હતી કે લોકોને સમયસર સારવાર મળે, તેની બદલે સરકાર માત્ર નીતિઓ બનાવતી રહી ગઈ અને નિવેદનો આપતી રહી અને જનતાને મરવા માટે ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા.

અભિમાનમાં રાચતી ગુજરાત સરકાર અને ભાજપના શાસકો
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત સરકારે સૌ પ્રથમ કોવિડ ટેસ્ટિંગના આંકડા છુપાવ્યા અને પછી મોતના આંકડા છૂપાવવાનો ખેલ શરૂ કર્યો. કોંગ્રેસ પાર્ટીએ વારંવાર સરકારનું ધ્યાન દોર્યું કે, મોતના આંકડા છૂપાવવાનો ખેલ બંધ કરો અને લોકોના જીવ બચાવો. સરકારના આંકડા કરતાં જમીની વાસ્તવિક્તા કંઈક જુદી જ હતી. આ મામલે નામદાર હાઈકોર્ટે પણ સરકારની ઝાટકણી કાઢી હતી.

અભિમાનમાં રાચતી ગુજરાત સરકાર અને ભાજપના શાસકોના કારણે ગુજરાતમાં લગભગ 3 લાખ કરતાં વધુ લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. હજુ પણ સરકાર કહે છે કે, માત્ર 10 હજાર લોકોના મોત થયા છે. જ્યારે માહિતી ખાતાના આંકડાના આધારે અને વિશ્વ પ્રસિદ્ધ હાવર્ડ યુનિવર્સિટીના નિષ્ણાંતો દ્વારા જે રિસર્ચ કરવામાં આવ્યું, તેનાથી સ્પષ્ટ થયું કે ગુજરાતમાં 3 લાખથી વધુ નાગરિકોના મૃત્યુ રાજ્ય સરકારની ગુનાહિત બેદરકારીના કારણે થયા છે. આથી એટલું તો ચોક્કસ કહી શકાય કે, આ લોકો માત્ર કોરોનાના કારણે નથી મર્યા, પરંતુ સંસ્થાગત રીતે તેમની હત્યા કરવામાં આવી છે. આ માટે ભાજપ સરકાર જવાબદાર છે.

વિજય રૂપાણીનું રાજીનામું લેવામાં આવ્યું છે, તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે, ગુજરાતમાં કોરોનાથી 3 લાખ કરતાં વધુ લોકો મોતને ભેટ્યા છે. જે સંસ્થાગત રીતે કરવામાં આવેલી હત્યા છે. સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી છે. આ નિષ્ફળતાઓ છૂપાવવા માટે ચહેરો બદલવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, અમારી પાર્ટીએ સંકલ્પ કર્યો હતો કે, ભલે સરકાર ન્યાય ના આપે, પરંતુ અમારી પાર્ટી ગુજરાતની પ્રજાના હિત, અધિકાર અને ન્યાય માટે લડાઈ લડશે. જેના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી. જે અંતર્ગત જે પરિવારે કોરોનાના કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમને કાયદાની જોગવાઈ અનુસાર 4 લાખ રૂપિયાનું વળતર મળે તે માટે અભિયાન ચલાવ્યું. અમારી પાર્ટીના કાર્યકર્તાઓએ રાજ્યના ખુણે-ખુણે જઈને કોરોનાથી મોતને ભેટેલા લોકોની વિગતો મેળવી છે.

એક તરફ સરકાર કહે છે કે, કોરોનાના કારણે 10 હજાર લોકોના મોત થયા છે. જ્યાં બીજી તરફ 3 અઠવાડિયામાં કોંગ્રેસને 22 હજાર પરિવારોએ લેખિતમાં અરજી આપી છે. જેનો સ્પષ્ટ અર્થ છે કે, આ સરકાર પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે વારંવાર ગુજરાતના લોકો સાથે રમત રહી છે. આ નિષ્ઠુર અને અસંવેદનશીલ સરકારને કોઈની પણ પડી નથી. તે માત્ર તેની રાજકીય મહત્વકાંક્ષા સંતોષવા માટે તે ચહેરા બદલવાની રાજનીતિ કરી રહી છે.

તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં ચહેરો બદલવાથી નહીં ચાલે. રાજ્યમાં રિમોટ કંટ્રોલથી ચાલતી સરકાર નહીં ચાલે. રાજ્યમાં રિમોટ કંટ્રોલથી સરકાર ચાલતી હતી, તેના કારણે ગુજરાતની પ્રજાને ખૂબ જ વેઠવું પડ્યું છે. અમે સરકારને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે, આ ચહેરો બદલવાની રાજીનીતિ બંધ કરો, સામે કોરોનાની ત્રીજી લહેરનો પડકાર છે. જેમાં રાજ્યના નાગરિકોને વધારે વેઠવું ના પડે, આ માટે સરકાર ત્વતરીત કોઈ પગલા લેવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન