ગુજરાત કોંગ્રેસમાં ભડકો! અલ્પેશ ઠાકોરનો બળાપો- લોકસભામાં કોંગીને બે સીટ નહી મળે! - Sandesh
  • Home
  • Ahmedabad
  • ગુજરાત કોંગ્રેસમાં ભડકો! અલ્પેશ ઠાકોરનો બળાપો- લોકસભામાં કોંગીને બે સીટ નહી મળે!

ગુજરાત કોંગ્રેસમાં ભડકો! અલ્પેશ ઠાકોરનો બળાપો- લોકસભામાં કોંગીને બે સીટ નહી મળે!

 | 12:24 am IST

હવે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેના અન્ય બે સમર્થક ધારાસભ્યો દિલ્હી જઈ પ્રદેશ નેતાગીરી વિરુદ્ધમાં રજૂઆતો કરી આવ્યા છે. અલ્પેશ ઠાકોર સહિત ત્રણ ધારાસભ્યોને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ મુલાકાત માટે સમય ફાળવ્યો નથી, જોકે દિલ્હીમાં સાંસદ એહમદ પટેલ અને પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ સમક્ષ અલગ અલગ બેઠકો કરી છે, જેમાં રજૂઆત થઈ છે કે, ગુજરાત કોંગ્રેસ અત્યારે જે ગતિએ ચાલે છે. તે જોતાં લોકસભાની ચૂંટણીમાં ૨૬માંથી બે બેઠકો પણ મળી શકે તેમ નથી.

અલ્પેશ ઠાકોરની સાથે MLA ધવલસિંહ ઝાલા અને MLA ભરતસિંહ ઠાકોરે સોમવારની રાતે પ્રદેશ પ્રભારી સાતવ અને એહમદ પટેલ સાથે અલગ-અલગ બેઠક યોજી હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસ વિરુદ્ધ નારાજગી વ્યકત કરી છે. જે અંગે કહેવાયું હતું કે, સંગઠનમાં તેમની સેનાને જોઈએ તેટલું મહત્ત્વ મળતું નથી. ચૂંટણી સમયે જે આગેવાનોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી તેમને સંગઠનમાં સામેલ કરાયા છે, જેમને હોદ્દા પરથી હટાવવા જોઈએ.  જવાબમાં હાઈકમાન્ડે યોગ્ય નિકાલ લાવવા બાંયેધરી આપી હતી.

રાહુલ ગાંધી હવે અલ્પેશ સાથે વાત કરવાનું પણ ટાળે છે  

સૂત્રો કહે છે કે, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પહેલાં તો નાની નાની વાતમાં રાહુલ ગાંધી સાથે ટેલિફોનિક ચર્ચા કરતાં હતા, જોકે હવે રાહુલ ગાંધી સીધી વાત કરવાનું ટાળે છે, જે કંઈ રજૂઆત હોય તો પ્રભારી સમક્ષ કરવાની સ્પષ્ટ સૂચના અપાયેલી છે. આ કારણસર જ રાહુલને બદલે પ્રભારી સાથે મિટિંગ થઈ છે.

અલ્પેશ ઠાકોરને દુઃખે છે પેટ ને કૂટે છે માથું  

લોકસભામાં બે બેઠકો પણ નહિ જીતે તેવી અલ્પેશની દલીલ સામે સ્થાનિક નેતાઓ ખફા થયા છે. તેઓ કહે છે કે, અલ્પેશને દુઃખે છે પેટ અને કૂટે છે માથું. ૨૦૧૭ના વિધાનસભા પરિણામો આધારે લોકસભામાં બે નહિ ૧૦ કરતાં વધુ સીટો મળે તેમ છે. વાહિયાત રજૂઆત કરનારા લોકો શું કામ કોંગ્રેસના ધારાસભ્ય બન્યા, સેનાના નામે જ ચૂંટણી લડવી જોઈતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન