Congress protests from February 17 on reserve issues
  • Home
  • Ahmedabad
  • અનામત મુદ્દે 17મી ફેબ્રુઆરીથી કોંગ્રેસ ધરણા, વિરોધ પ્રદર્શન, પદયાત્રા કરશે  

અનામત મુદ્દે 17મી ફેબ્રુઆરીથી કોંગ્રેસ ધરણા, વિરોધ પ્રદર્શન, પદયાત્રા કરશે  

 | 5:56 am IST

। અમદાવાદ ।

ભાજપ સરકાર-આરએસએસની વિચારધારા અનામત ખતમ કરી નાંખવાની છે, ભાજપ સરકાર ગાંધીનગરમાં ૬૬ દિવસથી ચાલી રહેલા આંદોલનનું નિરાકરણ કરતી નથી, વર્ગ વિગ્રહનો માહોલ ઊભો થાય તેવું સરકારનું ષડ્યંત્ર છે, ભાજપના નેતાઓ દ્વારા લખાયેલી સ્ક્રિપ્ટ મુજબ આ થઈ રહ્યું છે. અનામતના બંધારણીય અધિકાર માટે ગુજરાત કોંગ્રેસ ૧૭મીએ અમદાવાદમાં ‘સંવિધાન બચાવો’ના નારા સાથે ધરણા-વિરોધ પ્રદર્શન-પદયાત્રાનો કાર્યક્રમ કરશે, એ પછી આખા ગુજરાતમાં તબક્કાવાર રીતે જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યક્રમો લઈ જવાશે, કોંગ્રેસના કાર્યકરો ઠેર ઠેર રસ્તા ઉપર ઊતરશે, તેમ શુક્રવારે સવારે પાલડી સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે પત્રકાર પરિષદને સંબોધતાં કોંગી પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું.

પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીની સંયુક્ત પત્રકાર પરિષદમાં કહેવાયું હતું કે, ૬૬ દિવસથી એલઆરડી ભરતીના ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે, પણ સરકાર નિરાકરણ લાવતી નથી, એસસી,એસટી, ઓબીસીના બંધારણીય અધિકારો જળવાવા જોઈએ,પોતાને મનફાવે તેવા ૧-૮-૨૦૧૮ના પરિપત્રથી વિવાદ થયો છે, આ ગેરબંધારણીય પરિપત્ર રદ કરવો જોઈએ. એટલું જ નહીં પરંતુ બિનઅનામત વર્ગની લાગણીને પણ સાંભળીને તેનો નિકાલ લાવવો જોઈએ. એલઆરડીના આંદોલનમાં સરકારના મંત્રી પારણાં કરાવવા ગયા ત્યારે એવું કહે છે કે, પરિપત્રમાં સુધારો કરાશે, જોકે એ પછી બીજો વર્ગ વિરોધ કરે છે ત્યારે સરકાર ચૂપ છે. સરકાર સમસ્યાનું નિરાકરણ કેમ લાવતી નથી તેનો જવાબ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આપવો જોઈએ. સરકાર ભરતી પ્રક્રિયા વિલંબમાં મુકાય, નોકરી મેળવવા માગતા યુવાનોને રઝળાવવાનો પ્રયાસ છે, સરકારે અનામત અને બિનઅનામત વર્ગ સાથે અન્યાય કર્યો છે. અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો દુર્ભાગ્યપૂર્ણ છે, ભાજપની અપીલના પગલે કોર્ટે ચુકાદો આપ્યો છે.

નીતિન પટેલ મુખ્યમંત્રીને ડિસ્ટર્બ કરવા સ્ટેટમેન્ટ કરે છે? : કોંગ્રેસ  

ગાંધીનગરમાં ચાલી રહેલા આંદોલન મુદ્દે પ્રદેશ પ્રમુખે કહ્યું કે, ‘નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પૂછીને કોઈ સ્ટેટમેન્ટ કરે છે કે પછી વિજયભાઈને ડિસ્ટર્બ કરવા કરે છે. મને જાણવા મળ્યું છે કે, વિજયભાઈએ નીતિનભાઈને કહ્યું છે કે, તમે જ આ ઊભું કર્યું છે એટલે તમે જ ઉકેલ લાવો’.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન