Congress, TDP, CPI form alliance in Telangana
  • Home
  • Featured
  • તેલંગણાનો ચૂંટણી જંગ રસપ્રદ બનશે, BJP અને TRSને પછાડવા રચાયું મહાગઠબંધન

તેલંગણાનો ચૂંટણી જંગ રસપ્રદ બનશે, BJP અને TRSને પછાડવા રચાયું મહાગઠબંધન

 | 10:20 pm IST

તેલંગણામાં વિધાનસભાનાં વિસર્જન બાદ રાજકીય પાર્ટીઓ સોગઠાં ગોઠવવા લાગી છે. તેલંગણા રાષ્ટ્ર સમિતિને પરાસ્ત કરવા કોંગ્રેસ, તેલુગુદેશમ પાર્ટી અને ભારતીય સામ્યવાદી પાર્ટી(સીપીઆઈ)એ મહાકૂતમી એટલે કે મહાગઠબંધનની રચના કરી છે. રાજકારણમાં કોઈ દોસ્ત કે દુશ્મન હોતા નથી તે ઉક્તિને સાર્થક કરતાં 1982માં કોંગ્રેસના વિરોધ માટે રચાયેલી ટીડીપીએ પહેલી વાર કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે. અગાઉ સીપીઆઈ બંને પાર્ટી સાથે ગઠબંધન કરી ચૂકી છે. મંગળવારે હૈદરાબાદના બનજારા હિલ્સમાં આવેલી પોશ હોટેલમાં ચાર કલાક લાંબી બેઠકમાં તેલંગણા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કેપ્ટેન ઉત્તમકુમાર રેડ્ડી, તેલંગણા પ્રદેશ ટીડીપી અધ્યક્ષ એલ. રામન્ના અને સીપીઆઈના રાજ્યસચિવ સી. વેંકટ રેડ્ડી તથા અન્ય નેતાઓ વચ્ચે ગઠબંધન અંગે ચર્ચા થઈ હતી.|

બેઠક બાદ ઉત્તમકુમાર રેડ્ડીએ જણાવ્યું હતું કે, અમે આગામી વિધાનસભાની ચૂંટણી સાથે મળી લડવા મહાગઠબંધનની રચનાનો નિર્ણય કર્યો છે. અમે મહાગઠબંધનના એજન્ડા પર કામ કરી રહ્યા છીએ. તેલંગણા જનસમિતિ અને સીપીએમ જેવી સમાન વિચારધારા ધરાવતી પાર્ટીઓને મહાગઠબંધનમાં જોડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ઉત્તમકુમાર રેડ્ડીએ આરોપ મૂક્યો હતો કે, કાર્યકારી સીએમ ચંદ્રશેખર રાવ વિપક્ષના નેતાઓ સામે જૂના કેસો ખોદી કાઢી ધરપકડ કરાવી રહ્યા છે. જો કેસીઆર સત્તા પર રહેશે તો રાજ્યમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી નહીં યોજાય, તેથી રાજ્યપાલે તેલંગણામાં રાષ્ટ્રપતિશાસનની ભલામણ કરવી જોઈએ.

છેલ્લા કેટલાક સમયથી તેલંગણામાં કોંગ્રેસ અને ટીડીપી વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ ચાલી રહી હતી. બંને પાર્ટીઓના નેતાઓ વચ્ચે સંખ્યાબંધ બેઠકો બાદ રેડ્ડી અને ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુ વચ્ચે 8 અને 9 સપ્ટેમ્બરના રોજ મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત બાદ નાયડુએ તેલંગણામાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા પાર્ટીના નેતાઓને નિર્દેશ આપ્યો હતો.

કોંગ્રેસના એક નેતાએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, હજુ પાર્ટીઓ વચ્ચે બેઠકવહેંચણી મુદ્દે કોઈ ચર્ચા થઈ નથી. કોંગ્રેસ વિધાનસભાની 119 બેઠકમાંથી ઓછામાં ઓછી 90 બેઠકો પર ચૂંટણી લડવા માગે છે, જો કોંગ્રેસ રાજ્યમાં સ્વતંત્ર રીતે સરકાર બનાવવા ઇચ્છે છે તો તેના માટે 60 બેઠક જીતવી અત્યંત જરૃરી છે. ટીડીપી 25-30 બેઠકો પર ચૂંટણી લડવા માગે છે. જો અમે સમાધાનકારી વલણ અપનાવીશું તો ગઠબંધનમાં કોઈ મુશ્કેલી ઊભી નહીં થાય.

કોંગ્રેસ અને ટીડીપી વચ્ચે અપવિત્ર ગઠબંધન : ભાજપ

ભાજપ અને ટીઆરએસે કોંગ્રેસ અને ટીડીપી વચ્ચેનાં ગઠબંધનને અપવિત્ર ગણાવ્યું છે. ભાજપ પ્રદેશપ્રમુખ કે. લક્ષ્મણે જણાવ્યું હતું કે, ટીડીપીની સ્થાપના જ કોંગ્રેસનો વિરોધ કરવા માટે થઈ હતી. ટીડીપી તેના પોતાના સિદ્ધાંતો વિરુદ્ધ જઈ રહી છે. આ એક તકવાદી ગઠબંધન છે.

તેલંગણાની જનતા આ ગઠબંધનને કોઈ સંજોગમાં સ્વીકારશે નહીં : ટીઆરએસ

ટીઆરએસના વરિષ્ઠ નેતા પી. ડી. રેડ્ડીએ જણાવ્યું હતું કે, તેલંગણાની જનતા ટીડીપી-કોંગ્રેસનાં ગઠબંધનને કોઈ સંજોગોમાં સ્વીકારવાની નથી. અમારી સામે મહાગઠબંધનમાં ગમે તેટલી પાર્ટી જોડાય અમે ડરતા નથી. ટીઆરએસ જંગી બહુમતી સાથે ફરી સત્તામાં આવશે.