અમુક લેભાગુ કાર્યકરોનો પક્ષ કોંગ્રેસ પણ કામ ભાજપ માટે ! - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • અમુક લેભાગુ કાર્યકરોનો પક્ષ કોંગ્રેસ પણ કામ ભાજપ માટે !

અમુક લેભાગુ કાર્યકરોનો પક્ષ કોંગ્રેસ પણ કામ ભાજપ માટે !

 | 2:00 am IST

વિધાનસભાની અબડાસાની બેઠકની પેટાચૂંટણીની પીપૂડી વાગી ગઈ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એમ બંને મુખ્ય પક્ષો દ્વારા રાજકીય રણનીતિ આરંભાઈ છે ત્યારે ઘર કા ભેદી લંકા ઢાહે એમ આંતરિક તરંગો પણ વહી રહ્યા છે. તાજેતરમાં બે દિવસની મુલકાતે અને સેન્સ લેવા આવેલા પ્રદેશ કોંગ્રેસના પ્રભારી નેતાઓને કચ્છના કેટલાક નેતાઓ માટે સાંભળવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અમુક કાર્યકરોએ સ્પષ્ટ ભાષામાં ફરિયાદ કરી હતી કે, કચ્છ કોંગ્રેસના કેટલાક કાર્યકરો અને હોદ્દેદારો છે કોંગ્રેસ પક્ષમાં અને કામ ભાજપનું કરી રહ્યા છે. આવા લોકોને પક્ષની ગરિમા જાળવવાના હેતુસર પણ રવાના કરવા જોઈએ. તો અમુક હોદ્દેદારો આરટીઆઈ કરીને પજવણી તથા પરોક્ષ રીતે ક્યારેક બ્લેકમેઈલિંગ કરતા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે.
કોંગ્રેસના જ સૂત્રોએ નામ ન આપવાની શરતે આપેલી માહિતી અનુસાર, નલિયા અને નખત્રાણામાં પેટાચૂંટણીના દાવેદારો માટે સેન્સ લેવામાં આવી હતી. જે દરમિયાન કેટલાકે એમ પણ ફરિયાદ કરી હતી કે, અબડાસાને સ્થાનિક અને લોકોની વચ્ચે રહેતો હોય તેવો ઉમેદવાર આપવો જોઈએ. જિલ્લામાં અમુક લોકો પોતાના વોર્ડ કે બૂથ વિસ્તારમાં કોંગ્રેસને મત અપાવી શકતા નથી અને વિધાનસભાની ટિકિટ માગવા તથા વોટિંગ કરાવવાની ભલામણો કરતા હોય છે. આવા લોકોને ઓળખીને કદ પ્રમાણે વેતરી નાખવાના સૂચન પહોંચાડાયા છે.
ખાસ કરીને એવી પણ ફરિયાદ કરાઈ હતી કે, ચૂંટણી વખતે લેભાગુ કોંગ્રેસીઓ હોઈ કોંગ્રેસ પક્ષમાં છે પણ ફાયદો ભાજપને થાય તેવી રીતિ-નીતિ અપનાવતા હોય છે. આવા લોકો લાભ લેવામાં માહેર હોવાની રજૂઆત કરીને પક્ષને નુકસાન કરતા તત્ત્વો સામે પક્ષ પગલાં લે તેમ રાવ કરાઈ હતી. અબડાસાની બેઠકમાં પટેલ સમાજને ટિકિટ મળે તે માટે પણ આંતરિક રાજકીય પ્રવાહો વહેતા કરાયા હોવાનું જાણવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન