સતત ૩ સેશનમાં સેન્સેક્સ ૫૮૦ પોઇન્ટ તૂટયો - Sandesh
  • Home
  • Business
  • સતત ૩ સેશનમાં સેન્સેક્સ ૫૮૦ પોઇન્ટ તૂટયો

સતત ૩ સેશનમાં સેન્સેક્સ ૫૮૦ પોઇન્ટ તૂટયો

 | 1:22 am IST

। મુંબઈ ।

વેચવાલીના દબાણને કારણે શેરબજાર સોમવારે મધ્યમસરના ઘટાડા સાથે બંઘ થયું હતું. અન્ય એશિયન બજારોમાં કમજોરીને પરિણામે સેન્ટિમેન્ટ ઘટાડા તરફી હતું. ઓટો, હેલ્થકેર, બેન્કિંગ, એનર્જી, ઇન્ફ્રા અને ઓઇલ – ગેસ કંપનીઓના શેર્સ વેચવાલીના દબાણે ઘટયા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઇસીઆઇસીઆઇ બેન્ક નિફ્ટીના ઘટાડામાં કારણરૂપ રહ્યા હતા. સેન્સેક્સ ૧૫૧.૪૫ પોઇન્ટ ઘટી ૩૬,૩૯૫.૦૩ અને નિફ્ટી ૫૪.૮૦ પોઇન્ટ ઘટી ૧૦,૮૮૮.૮૦ ઉપર બંધ થયા હતા.

મુંબઈ શેરબજારમાં સતત ૩ સેશનમાં સેન્સેક્સ ૫૮૦ પોઇન્ટ તૂટયો હતો. નિફ્ટી ૧૦,૯૦૦ નીચે ઊતરી ગયો હતો.  ડો.રેડ્ડીઝ લેબ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૫ ટકાથી વધુ ઘટયા હતા. ઓએનજીસી, હિંદાલ્કો અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૪થી ૫ ટકા ઘટયા હતા. તાતા મોટર્સ અને એચસીએલ ટેક ૧થી ૨.૫ ટકા વધ્યા હતા.

મધરસન સુમીનો ત્રીજા ત્રિમાસિક ગાળાનો નફો રૂ.૩૮૯.૦૬ કરોડ થયો હતો જે એક વર્ષ પૂર્વે સમાન ગાળામાં રૂ.૩૬૪.૪૯ કરોડ હતો. એડલવીસ ફાઇનાન્શિયલ સર્વિસિસના કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા આર.પાવરે સેબીને જણાવ્યું હતું. આથી, એડલવીસનો શેર ઇન્ટ્રા ડેમાં ૪ ટકા ઘટી રૂ.૧૩૩.૭૫ થયો હતો.    આઇશર મોટરનો ડિસેમ્બરનો નફો ૦.૪ ટકા વધી રૂ.૫૩૩ કરોડ થયો હતો. કંપનીની આવક ૩.૨ ટકા વધી રૂ.૨,૩૪૧ કરોડ થઈ હતી. પાવર ફાઇનાન્સ કોર્પોરેશનનો નફો વાર્ષિક ધોરણે ૭૦.૬ ટકા વધી રૂ.૨,૦૭૫.૮ કરોડ થયો હતો. કંપનીની આવક ૧૮ ટકા વધી રૂ.૭,૩૬૨ કરોડ થઈ હતી. સન ટીવી નેટવર્કનો શેર ૧૦ ટકા વધી રૂ.૫૭૪.૫૫ ઉપર બંધ થયો હતો. કંપનીનો ચોખ્ખો નફો ૩૨ ટકા વધી રૂ.૩૫૧ કરોડ થયો હતો. ગ્રેફાઇટ ઈન્ડિયાનો શેર ૧૦ ટકા ઘટી રૂ.૪૩૬ થયો હતો.

ઈન્ડિયા સિમેન્ટ્સનો ડિસેમ્બરના ત્રિમાસિક ગાળાનો નફો ૭૯.૪૬ ટકા ઘટી રૂ.૩.૧૩ કરોડ થયો હતો. ઓક્ટોબર – ડિસેમ્બરના ગાળામાં કંપનીનું વેચાણ રૂ.૧૫.૨૪ કરોડનું હતું.તાતા પાવરના શેર્સમાં એક તબક્કે ૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. કંપનીને આવકવેરાની નોટિસ મોકલાઈ હોવાના અહેવાલે દીવાન હાઉસિંગનો શેર એક તબક્કે ૬ ટકા ઘટયો હતો. ડો.રેડ્ડીઝ લેબના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવાયો હતો. શેરનો ભાવ રૂ.૧૫૪.૩૫ ઘટી રૂ.૨,૬૫૧.૩૪ ઉપર બંધ થયો હતો.

USમાં ફાર્મા કંપનીઓની નોંધપાત્ર કામગીરી  

ભારતીય ફાર્મા કંપનીઓએ ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં અમેરિકાની માર્કેટમાં ખાસ કરીને જેનરિક બિઝનેસમાં નોંધપાત્ર કામગીરી દર્શાવી છે. કેડિલા હેલ્થકેરનું અમેરિકામાં વેચાણ ૪૬ ટકા અને ઓરબિંદો ફાર્માનું વેચાણ ૨૭ ટકા વધ્યું છે. સન ફાર્માની સબ્સિડિયરી તારો ફાર્માના વેચાણમાં ૧૩.૫ ટકા વધારો જોવાયો હતો.

ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો  

અમેરિકામાં ડ્રીલિંગ કામગીરીએ વેગ પકડતાં ક્રૂડતેલના ભાવ ઘટયા હતા. આર્થિક વૃદ્ધિની અનિશ્ચિતતા અંગેની ચિંતાએ ક્રૂડ તેલની માગ ઘટાડતાં બજાર ઉપર દબાણ સર્જાયું હતું, એમ વેપારીઓએ જણાવ્યું હતું. ડબ્લ્યૂટીઆઇ ક્રૂડ તેલ વાયદો એક બેરલે ૫૫ સેન્ટ ઘટી ૫૨.૧૭ ડોલર અને બ્રેન્ટ ક્રૂ. તેલ વાયદો એક બેરલે ૨૭ સેન્ટ ઘટી ૬૧.૮૩ ડોલર થયો હતો.

શેર્સ બાવન સપ્તાહના તળિયે   

શેરબજારમાં ૧૯ કંપનીઓના શેર્સ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. તેમાં બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ, કોલ ઈન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એમએરએફ અને વેદાંતનો સમાવેશ થતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન