સતત ૬ સેશનની નરમાઈ બાદ શેરબજારમાં નવેસરની ભારે લેવાલી - Sandesh
  • Home
  • Business
  • સતત ૬ સેશનની નરમાઈ બાદ શેરબજારમાં નવેસરની ભારે લેવાલી

સતત ૬ સેશનની નરમાઈ બાદ શેરબજારમાં નવેસરની ભારે લેવાલી

 | 1:11 am IST

। મુંબઈ ।

છ દિવસના એકધારા ઘટાડા બાદ શેરબજાર આજે વધ્યું હતું. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન ઉપર નવેસરથી ટેરિફ લાદવામાં આવે એવી ચિંતા વચ્ચે ડોલર સામે રૂપિયો ગગડીને રૂ.૭૨ની નીચલી સપાટીએ ઊતરી ગયો હતો પરંતુ પાછળથી તેમાં સુધારો થયો હતો. અમેરિકા – ચીન વચ્ચે ટ્રેડ વોર વધવાની ચિંતા રોકાણકારોને ઘેરી વળી હતી અને વિશ્વના શેરબજારોમાં સતત પાંચમા દિવસે ઘટાડો જોવાયો હતો. રિલાયન્સ અને એચડીએફસી બેન્ક શેરબજારને આગળ લઈ જવામાં સહાયક થયા હતા. રિલાયન્સ, સન ફાર્મા, સિપ્લા વધ્યા હતા જ્યારે મારુતિ સુઝુકી, યસ બેન્ક, ઝી એન્ટરટેઇનમેન્ટ અને હિંદાલ્કો ઘટયા હતા. દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૨૨૪.૫૦ પોઇન્ટ વધી ૩૮,૨૪૨.૮૧ અને નિફ્ટી ૫૯.૯૫ પોઇન્ટ વધી ૧૧,૫૩૬.૯૦ પોઇન્ટ ઉપર બંધ થયા હતા.

ઓટો, એફએમસીજી અને મેટલ શેર્સમાં ઘટાડે કામકાજ થયા હતા. એનર્જી અને ફાર્મા શેર્સ વધવાનું ચાલુ રહ્યું હતું. બેંક શેર્સમાં મજબૂતાઈ જોવાઈ હતી.

ભારત ફોર્જનું રેટિંગ વધારવામાં આવતા શેર ૩ ટકા વધ્યો હતો. ઇન્ટ્રા ડેમાં શેરનો ભાવ રૂ.૬૬૯.૭૦ થયો હતો. મોર્ગન સ્ટેન્લીએ રેટિંગ ઘટાડતાં ઝી એન્ટરપ્રાઇઝનો શેર ૮ ટકાથી વધુ ઘટયો હતો. ભારતી ઇન્ફ્રાટેલ ૦.૧૫ ટકા ઘટી રૂ.૨૭૦.૯૫ થયો હતો. એક્સિસ કેપિટેલે ડાઉન ગેર્ડ કરતા ભારત ઇલેક્ટ્રોનિક્સ સતત નવમા સત્રમાં ૫૨ સપ્તાહની નવી નીચલી સપાટીએ પહોંચ્યો હતો.  પીએસપી પ્રોજેક્ટ્સને રૂ.૨૨૬ કરોડનો ઓર્ડર મળતા શેરનો ભાવ ૬ ટકા વધ્યો હતો. પર્સીસ્ટન્ટ સિસ્ટમ્સના શેરમાં ૫.૨૮ ટકાનો વધારો થયો હતો. કંપની દ્વારા ૫૨ લાખ ડોલરમાં હેરલ્ડ હેલ્થને હસ્તગત કરવાના અહેવાલે શેર રૂ.૪૨.૪૫ વધીને રૂ.૮૪૬.૪૫ થયો હતો. એસઆરઇઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સના જૂનના સારા પરિણામે ૫ ટકા વધ્યો હતો. કંપનીએ રૂ.૧૩૯.૫૫ કરોડનો નફો કર્યો હતો જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૬૫.૧૫ કરોડ હતો.

બેક સમૂહ પાસેથી કંપની ટૂંક સમયમાં રૂ.૨૮,૦૦૦ કરોડની લોન લેશે એવા અહેવાલે એચપીસીએલનો શેર ૧.૬૩ ટકા વધી રૂ.૨૫૧.૮૫ થયો હતો. નોવારટિસ સાથેના સોદા બાદ ઓરબિંદો ફાર્માનો શેર ૪ ટકા વધ્યો હતો. નોવારટિસ પાસેથી અમેરિકાનો અમુક બિઝનેસ હિસ્સો ખરીદવા ઓરબિંદો ફાર્મા ૯૦ કરોડ ડોલર ચૂકવશે. આથી, શેરનો ભાવ ૮.૯૫ ટકા વધી રૂ.૭૫૯.૩૦ થયો હતો. ત્રિમાસિક ગાલાના સારા પરિણામે હુડકોનો શેર ૧૦ ટકા વધ્યો હતો. કંપનીએ જૂનના ત્રિમાસિક ગાળામાં રૂ.૩૩૩.૩૮ કરોડનો નફો કર્યો હતો. શેરનો ભાવ રૂ.૩.૯૫ વધી રૂ.૫૯.૬૫ થયો હતો.

કિશોર બિયાનીની કંપની ફ્યૂચર ગ્રૂપ વિસ્તરણ ક્ષેત્રે આગળ વધી રહી છે અને ટેક્નોલોજી કંપનીઓ સાથે જોડાણ કરવા નજર દોડાવી રહી છે. અમર રાજા બેટરીઝ આંધ્ર પ્રદેશમાં લિથિયમ આયોન પ્લાન્ટ સ્થાપી રહી છે. ઇલેક્ટ્રિક વાહનો માટે વિશેષ બેટરી આ પ્લાન્ટમાં તૈયાર થશે કે જેની બજાર ૨૦૩૦ સુધીમાં ૩૦૦ અબજ ડોલર થવાનો અંદાજ છે.

રિયલ્ટી શેર્સમાં ચમકારો  

મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં બાંધકામ ઉપરનો પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે ઊઠાવી લેતા રિયલ એસ્ટેટ કંપનીના શેર્સ વધ્યા હતા. ઈન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટમાં ૫।ચ ટકા, એચડીઆઇએલમાં ૨.૧ ટકા, ડીએલએફમાં ૧.૫ ટકા અને ઓબેરોય રિયલ્ટીમાં ૧.૫ ટકા  વધ્યા હતા.

સરકારની યોજનાને કાર ઉત્પાદકોનો આવકાર 

આગામી ૧૨ વર્ષમાં સીએનજી સ્ટેશનોની સંખ્યા સાત ગણી વધારી ૧૦,૦૦૦થી વધુ કરવાની સરકારની યોજનાને મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ સહિત અન્ય કાર ઉત્પાદકોએ આવકાર આપ્યો છે.