Controversial Minister Vasan Ahir pays homage to Jaitley former living minister
  • Home
  • Bhuj
  • વિવાદાસ્પદ મંત્રી વાસણ આહીરે જબરો ભાંગરો વાટયો, જીવતેજીવ આ કેન્દ્રિય મંત્રીને આપી શ્રદ્ધાંજલિ

વિવાદાસ્પદ મંત્રી વાસણ આહીરે જબરો ભાંગરો વાટયો, જીવતેજીવ આ કેન્દ્રિય મંત્રીને આપી શ્રદ્ધાંજલિ

 | 9:21 am IST

માંડવી તાલુકાના બિદડા ખાતે તાજેતરમાં યોજાયેલા કૃષિ મહોત્સવ અને પરિસંવાદમાં વિવાદાસ્પદ રાજ્યમંત્રી વાસણ આહીરે કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અરૂણ જેટલીને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવી દીધી હતી. જેટલી દિલ્હીની હોસ્પિટલમાં હયાત હોવા છતાં આ રીતે અંજલિ આપી દેવાની અખબારી યાદી માહિતી વિભાગ દ્વારા પણ જારી કરી દેવાઈ હતી.

બિદડામાં યોજાયેલા ખેડૂતો માટેના કાર્યક્રમમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વાહવાહીમાં ભાન ભૂલીને મંત્રી વાસણ આહીરે દેશના પૂર્વમંત્રી અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જેટલીની સારવાર ચાલી રહી છે તેમ છતાં તેમનું નિધન થયું હોવાનું ગણાવીને, બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

મંચસ્થ મહાનુભાવોમાં ખુદ રાજ્યમંત્રી આહીર, માંડવીના ધારાસભ્ય, માંડવી તાલુકા ભાજપ મહામંત્રી વગેરેની હાજરીમાં કાર્યક્રમના અંતે આ તમામ ઉપરાંત ખેડૂત ભાઈ બહેનોને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીના અવસાન બદલ ઊભા થઈને બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

આ પ્રકારનો ઉલ્લેખ માહિતી વિભાગ ભુજની અખબારી યાદીમાં પણ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, સમગ્ર મામલે વિવાદાસ્પદ મંત્રીની પ્રતિક્રિયા જાણવા માટે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો ત્યારે તેમનો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન