કૂક-રૂટની સદી, ભારતને અંતિમ ટેસ્ટ જીતવા માટે ૪૬૪ રનનો જંગી લક્ષ્યાંક - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • કૂક-રૂટની સદી, ભારતને અંતિમ ટેસ્ટ જીતવા માટે ૪૬૪ રનનો જંગી લક્ષ્યાંક

કૂક-રૂટની સદી, ભારતને અંતિમ ટેસ્ટ જીતવા માટે ૪૬૪ રનનો જંગી લક્ષ્યાંક

 | 12:34 am IST

। લંડન ।

ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ૩-૧ની અજેય સરસાઈ મેળવનાર ઇંગ્લેન્ડની ટીમે એલેસ્ટર કૂક અને કેપ્ટન જો રૂટ વચ્ચે ત્રીજી વિકેટ માટે નોંધાયેલી ૨૫૯ રનની ભાગીદારીની મદદથી ઇંગ્લેન્ડે પાંચમી ટેસ્ટ આઠ વિકેટે ૪૨૩ રને દાવ ડિક્લેર કરી ભારતને જીત માટે અશક્ય ગણાતા ૪૬૪ રનનો લક્ષ્યાંક આપ્યો છે. જેના જવાબમાં ભારતીય ટીમે ૩૬ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ધવન એક રને જ્યારે પૂજારા અને વિરાટ કોહલી ખાતું ખોલાવી શક્યા નહોતા. વિરાટ કોહલી ગત વર્ષે શ્રીલંકા સામેની ટેસ્ટ બાદ પ્રથમ વખત શૂન્યમાં આઉટ થયો હતો.

ઇંગ્લેન્ડે બીજા દાવમાં મેચના ચોથા દિવસે બે વિકેટે ૧૧૪ રનથી આગળ બેટિંગ શરૂ કરી હતી જેમાં રૂટ અને એલેસ્ટર કૂકે ભારતીય બોલરોને મચક આપ્યા વિના લંચ બ્રેક સુધી વિકેટ ગુમાવ્યા વિના ટીમનો સ્કોર ૨૪૩ રને પહોંચાડી દીધો હતો. આ દરમિયાન કૂકે પોતાની કારકિર્દીની ૩૩મી સદી પૂર્ણ કરી હતી. લંચ બ્રેક બાદ બંનેએ ટીમનો સ્કોર ૩૦૦ રનની પાર પહોંચાડયો હતો. જો રૂટે પણ આ દરમિયાન પોતાની સદી પૂર્ણ કરી હતી. ભારતના મુખ્ય બોલરો વિકેટ માટે તરસી રહ્યા હતા ત્યારે પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહેલા હનુમા વિહારીએ ભારતને બેવડી સફળતા અપવાતાં જો રૂટને ૧૨૫ રને અને તેના બીજા બોલે કૂકને અંગત ૧૪૭ રને આઉટ કર્યો હતો. કૂક અને રૂટ આઉટ થયા બાદ બેરસ્ટો ૧૮ રન અને બટલર ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. ટી બ્રેક બાદ સ્ટોક્સના ૩૭ રનઅને સેમ કુરેનના ૨૧ રન તેમજ આદિલ રશીદના ૨૦* રનની મદદથી આઠ વિકેટે ૩૨૩ રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. ઇંગ્લેન્ડને પ્રથમ દાવના આધારે ૪૦ રનની લીડ મળી હતી જે ઉમેરાતાં જીત માટે ૪૬૪ રનનો લક્ષ્યાંક મળ્યો હતો.

પ્રથમ અને અંતિમ ટેસ્ટમાં સદી નોંધાવનાર કૂક પાંચમો ખેલાડી

પોતાની અંતિમ ટેસ્ટમેચની અંતિમ ઇનિંગમાં ૧૪૭ રન બનાવનાર એલેસ્ટર કૂકે પોતાની પદાર્પણ અને અંતિમ ટેસ્ટમાં સદી ફટકારી હતી અને તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પાંચમો અને ઇંગ્લેન્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો. પ્રથમ અને અંતિમ ટેસ્ટમાં સદી ફટકારનાર ખેલાડીઓમાં ભારતના મોહંમદ અઝહરુદ્દીનની સાથે ઓસ્ટ્રેલિયાના ગ્રેગ ચેપલ, રેઝિનાલ્ડ ડફ અને વિલિયમ પોન્સફોર્ડ સામેલ છે. કૂકે ભારત સામે વર્ષ ૨૦૦૬માં એકથી પાંચ માર્ચ દરમિયાન નાગપુરમાં મેચ રમાઈ હતી જેની પ્રથમ ઇનિંગમાં કૂકે ૬૦ અને બીજી ઇનિંગમાં અણનમ ૧૦૪ રન બનાવ્યા હતા.

સંગાકારાને પાછળ છોડયો

કૂકે ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક રન બનાવવાના મામલે કુમાર સંગાકારાને પાછળ છોડયો હતો. કૂકના ૧૬૧ ટેસ્ટ મેચની ૨૯૧ ઇનિંગમાં ૧૨,૪૭૨ રન થઈ ગયા છે જ્યારે સંગાકારા ૧૩૪ ટેસ્ટની ૨૩૩ ઇનિંગમાં ૧૨,૪૦૦ રન છે. આ ટેસ્ટ પહેલાં કૂકના ૧૨૩,૨૫૪ રન હતા. તેને સંગાકારાને પાછળ છોડવા માટે ૧૪૭ રનની જરૂર હતી. કૂકે પ્રથમ ઇનિંગમાં ૭૧ રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં ૭૬મો રન લીધો ત્યારે સંગાકારાથી આગળ નીકળી ગયો હતો.

સૌથી વધુ સતત ટેસ્ટ રમવાનો રેકોર્ડ

કૂકે પ્રથમ ટેસ્ટ ૨૦૦૬માં ભારત સામે રમી હતી. કૂક ત્યારબાદ બીમાર હોવાને કારણે બીજી ટેસ્ટમાં નહોતો રમ્યો પરંતુ તે પછી તેણે સતત ૧૫૯ ટેસ્ટ મેચ રમી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. કૂકને સાત એશિઝ સિરીઝમાં રમવાની તક મળી જે પૈકી ચારમાં ઇંગ્લેન્ડનો વિજય થયો હતો. ૨૦૧૨માં કૂકને કેપ્ટન બનાવાયો હતો. તેણે ઇંગ્લેન્ડને ૨૪ ટેસ્ટ મેચમાં વિજય અપાવ્યો હતો. માત્ર વોને જ તેનાથી વધુ ૨૬ ટેસ્ટ મેચ પોતાની કેપ્ટનશિપમાં જીતાડયા હતા. આ ઉપરાંત તે ટેસ્ટમાં ૧૦,૦૦૦થી વધુ રન બનાવનાર ઇંગ્લેન્ડનો પ્રથમ ખેલાડી બન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન