ઠંડીની મજા - Sandesh

ઠંડીની મજા

 | 12:04 am IST

મારી કલ્પના ૪૦૫

શીતલને ઠંડી બહુ ગમે. ઠંડીની સીઝન આવે એટલે શીતલ ખુશ ખુશ થઈ જાય. એ કહે છે- ‘ભગવાને મારે માટે ઠંડી મોકલી છે. ઉનાળામાં ગરમીથી ત્રાસી જવાય, તો ચોમાસામાં, માખી-મચ્છર અને ગંદકીનો ત્રાસ, એના કરતાં તો શિયાળાની ઠંડી આપણા સૌના માટે બહુ સારી છે.’

એકવાર રજાના દિવસે બધી જ બહેનપણીઓ ભેગી થઈ. મિષ્ટીનું રંગબેરંગી સ્વેટર, પગે મોજા અને માથે સ્કાપ બાંધેલો જોઈને શીતલ કહેવા લાગી- ‘વાહ રે વાહ! મિષ્ટીબેન તો બહુ જ રૂપાળા લાગે છે!’ પછી તો ઠંડીની વાતો શરૂ થઈ ગઈ. ખુશી કહે- શીતલની જેમ મારી પણ પ્રિય ઋતુ શિયાળો છે. ઠંડી પડે એટલે બધી આળસ મટી જાય. ખાવાનું પણ આ ઋતુમાં સારું ભાવે. વળી એમાંયે મમ્મી ઘરના બધા માટે ખાસ વસાણું બનાવે. બદામપાક, કોપરાપાક અને મેથીપાક ખાવાની આ મજાની મોસમ. આ સિવાય કેળાં, જામફળ અને સફરજન જેવાં ફળો અને લીલી શાકભાજી પણ ઠંડીમાં ખાવાની મજા પડી જાય. ખાસ તો આ મોસમમાં શાળામાં ભણવાની પણ મજા પડી જાય. ભણવામાં થાક કે કંટાળો પણ નહિ આવે. બીજુ ટાઢ પડે એટલે ગાદલામાં લપાઈને સૂઈ જવાનો પણ આનંદ હોય. ખૂબ ઠંડી પડે એટલે ઘર આગળ તાપણું કરીને મમ્મી-પપ્પા સાથે બેસી અલકમલકની વાતો કરવાની પણ મજા પડી જાય.

આ ઉપરાંત સવારે થોડી કસરત કરીએ અને નવરાશના સમયે મેદાન પર રમતો રમીએ તો આપણું શરીર પણ તંદુરસ્ત રહે. ટૂંકમાં વર્ષ દરમિયાન શરીરને નિરોગી અને સ્વસ્થ રાખવું હોય તો ઠંડીનો ભરપૂર ઉપયોગ કરી લેવામાં જ મજા છે.

બાળદોસ્તો, તમે પણ ઠંડીની ભરપૂર મજા જરૂર માણજો, પરંતુ યાદ રાખજો કે આ સીઝનમાં શરદી-ઉધરસ જેવી બીમારીઓથી પણ સાવધ રહેવું જરૂરી છે. એટલે આ ઋતુમાં શરીરની કાળજી રાખીશું તો હરવા-ફરવા અને રમવાની પણ મજા આવશે.

[email protected]