Corona: About 300 Gujarati trapped in Manila, Philippines
  • Home
  • Corona live
  • ફિલિપાઈન્સના મનિલામાં 300 ગુજરાતીઓ ફસાયા, કચ્છના વિદ્યાર્થીએ જણાવી એવી દર્દનાક કહાની..

ફિલિપાઈન્સના મનિલામાં 300 ગુજરાતીઓ ફસાયા, કચ્છના વિદ્યાર્થીએ જણાવી એવી દર્દનાક કહાની..

 | 8:10 am IST

કોરોના વાઈરસના પગલે ફિલિપાઈન્સમાં ૩૦૦ જેટલા ગુજરાતીઓ ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ફિલિપાઈન્સ સરકારે દેશમાં કોવિડ-૧૯ વાઈરસના પગલે પરિસ્થિતિ કથળતાં વતન પરત જવા ઈચ્છતાં લોકોને ૧૯મી માર્ચના રાતના ૧૨ વાગ્યા સુધીની મહેતલ આપી છે અને ત્યારબાદ પાટનગર મનીલા અને તેની આસપાસના ૧૨ કિલોમીટરના એરિયામાં લોકડાઉન જેવી સ્થિતિ અમલમાં મુકાય તેવા સંજોગોમાં ગુજરાતના ૧૨૦ વિદ્યાર્થી સહિત ૩૦૦ જેટલા ગુજરાતીઓ મુસીબતમાં મુકાયા છે.

ફિલિપાઈન્સમાં તબીબી અભ્યાસ કરતાં કચ્છનાં વિદ્યાર્થી પરમિત જોષીએ ‘સંદેશ’ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, ફિલિપાઈન્સ સરકારે ૭૨ કલાકની મુદત આપી છે, પરંતુ ભારત સરકારે તકેદારી માટે ફિલિપાઈન્સથી આવતી ફ્લાઈટને લેન્ડ ન થવા દેવાનો નિર્ણય કર્યો હોવાથી અહીંથી નીકળવું મુશ્કેલ બન્યું છે, જેના પગલે વિદ્યાર્થીઓ અને ફસાયેલા અન્ય લોકો સોશિયલ મીડિયા અને સગા-સંબંધીઓ મારફતે ભારત અને ગુજરાત સરકાર તેમને ૧૯મી માર્ચ પૂર્વે ભારત પરત આવી શકે તેવી વિનંતી કરી રહ્યા છે. પરમિત જોષીએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા સાડા પાંચ વર્ષથી એમ.બી.બી.એસ.ના અભ્યાસ માટે ફિલિપાઈન્સમાં રહે છે. હાલ તેઓ અને તેમની સાથે અભ્યાસ કરતાં અન્ય ગુજરાતી વિદ્યાર્થીઓ તેમજ ૧૫૦૦થી ૨૦૦૦ જેટલા ભારતીયો માટે ખૂબ જ કપરા સંજોગો સર્જાયા છે. આ ઉપરાંત એવી પણ વિગત મળી રહી છે કે, ફસાયેલા લોકોમાં કચ્છના ૧૪થી ૧પ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ રહ્યો છે, જેમાં પરમિત જોષી, પાર્થ ગઢવી, શાહબાઝ પઠાણ અને શહેનાઝ મલ્લા સહિતનો સમાવેશ થાય છે.

ફિલિપાઈન્સમાં કોરોનાથી ૧૪નાં મોત

ફિલિપાઈન્સમાં છેલ્લા એક મહિનાથી કોરોના વાઈરસે ભરડો લીધો છે. અત્યાર સુધીમાં ૧૯૦ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી ૧૪ દર્દીઓનાં મોત થયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. લોકો વાઈરસથી બચવા ઘરમાં પુરાઈ ગયા છે. તો બીજી તરફ બજારો પણ સંપૂર્ણપણે બંધ થતાં આવશ્યક ચીજવસ્તુઓની પણ તંગી સર્જાઈ રહી છે.

મંજૂરી મળે તો સ્વખર્ચે પરત આવવાની તૈયારી

ફસાયેલા ગુજરાતીઓએ સરકારને કરેલી અપીલમાં એમ પણ જણાવ્યું છે કે, તેઓ સરકાર પર કોઈપણ પ્રકારનો આર્થિક બોજ પડવા દેવા માગતાં નથી. ફસાયેલા તમામ લોકો સ્વખર્ચે સ્પેશિયલ ફ્લાઈટથી પણ આવવા તૈયાર છે,

માસ્ક- સેનિટાઈઝરની પણ કારમી અછત

ફિલિપાઈન્સના પાટનગર મનીલામાં શટડાઉનના પગલે કોવિડ-૧૯ વાઈરસથી બચવા માટે ફસાયેલા ભારતીયો પાસે હવે માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર જેવી અનિવાર્ય ચીજવસ્તુઓની પણ અછત સર્જાઈ છે. તો બીજીતરફે ફસાયેલા ગુજરાતીઓ પૈકીના મોટા ભાગના લોકો વેજિટેરિયન હોવાના કારણે ભોજન માટે પણ વલખાં મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ફિલિપાઈન્સમાં ૧ર માર્ચથી બધું બંધ

સરકારને મદદ માટે અપીલમાં જણાવાયું છે કે, ૧૨મી માર્ચથી ફિલિપાઈન્સમાં હોસ્પિટલ સિવાયની તમામ બજારો બંધ છે. જેના પગલે ત્યાં ફસાયેલા લોકોને ભોજન અને દવા સહિત તમામ જરૂરી ચીજવસ્તુઓ માટે ભારે મુશ્કેલી પડી રહી છે. એક પ્રકારે ફિલિપાઈન્સમાં હાલ ભારતીયોની હાલત હોમ અરેસ્ટ જેવી થઈ ગઈ છે.

૫૦ મેડિકલ સ્ટુડન્ટ ફિલિપાઈન્સમાંથી નીકળ્યા પણ કુઆલાલુમ્પુરમાં ફસાયા

દેશના ૨૦૦ મેડિકલ સ્ટુડન્ટ્સ કે જેઓ ફિલિપાઈન્સમાંથી ભારત આવવા માટે નીકળ્યાં હતા. પરંતુ તેમને કુઆલાલુમ્પુરમાં અટકાવી દેવામાં આવ્યાં છે. આમાં ગુજરાતના પણ ૫૦ વિદ્યાર્થીઓ હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. બીજી તરફ ફિલિપાઈન્સ એમ્બેસીએ વિદ્યાર્થીઓને પરત આવવાની ના પાડી હોવાથી ફસાયેલા તમામ વિદ્યાર્થીઓએ ભારતીય એમ્બેસી પાસે મદદ માગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન