કોરોના સામે જંગ : સાર્ક દેશો ભારત પર વિશ્વાસ શા માટે મૂકે છે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • કોરોના સામે જંગ : સાર્ક દેશો ભારત પર વિશ્વાસ શા માટે મૂકે છે

કોરોના સામે જંગ : સાર્ક દેશો ભારત પર વિશ્વાસ શા માટે મૂકે છે

 | 2:17 am IST

કરન્ટ અફેર :-  આર. કે. સિંહા

કહેવાય છે કે સંકટના સમયમાં પાડોશીઓએ એક બીજા સાથે ઊભા રહેવું જોઈએ. સંકટના સમયમાં જૂની ફરિયાદો ભૂલી જવી જોઈએ. વિશ્વમાં ભયનો પર્યાય બની રહેલા કોરોના વાઇરસે સાર્ક દેશોને ફરી એકવાર સાથે ઊભા કરી દીધા. ચાલો કોરોના વાઇરસને બહાને સાઉથ એશિયન એસોસિયેશન ફોર રિજિયનલ કોર્પોરેશન (સાર્ક)ના સભ્ય દેશો ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, ભુતાન અને માલદીવ સાથે તો આવ્યા.

કોરોનાના પડકારનો સામનો કરવા માટે હવે તમામ સાર્ક દેશો સાથે મળીને એક એક્શન પ્લાન ઘડવા જઈ રહ્યા છે. સારી વાત એ છે કે આ પહેલાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ પહેલ કરી હતી. સાર્કના તમામ દેશોએ આ પહેલનું સ્વાગત પણ કર્યું. તેઓ ભારત સાથે એટલા માટે ઊભા રહેવા માગે છે કે કોરોના વાઇરસ સામે લડવા માટે ભારત સરકારે જે અભૂતપૂર્વ પગલાં લીધા છે તે બાબતે વિશ્વ સમક્ષ સાબિત કરી દીધું છે કે દેશ તેની સામે લડત આપવા પૂરી રીતે તૈયાર છે. હા, સરકારે જનતાને તમામ પ્રકારની સાવધાની રાખવા આગ્રહ જરૂરથી કર્યો છે. ખૂબ જરૂરી ના હોય ત્યાં સુધી કોરોના પ્રભાવિત દેશોનો પ્રવાસ ના ખેડવા પણ અનુરોધ કર્યો છે. કોરોના વાઇરસથી ગભરાવાનું કોઈ કારણ નથી. સાવધાની રાખવાની જરૂર છે. ચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસ મુદ્દે વિશ્વ આરોગ્ય સંગઠને ગ્લોબલ કટોકટી જાહેર કરી, તે પહેલાં જ ભારત એલર્ટ મોડમાં આવી ગયું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને કોરોના વાઇરસ સામે દિવસરાત લડી રહી છે. તમામ હોસ્પિટલનું ચોવીસે કલાક મોનિટરિંગ થઈ રહ્યું છે. દેશના ૨૧ એરપોર્ટ પર ૧૭ જાન્યુઆરીથી ૫,૮૯,૪૩૮ પ્રવાસીઓનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. સ્ક્રીનિંગ ચોવીસે કલાક ચાલુ છે. દેશની ભીતર અંદાજે ૬૫ નાના ૧૨ મોટા બંદરગાહ છે. ત્યાં પણ ગયા શનિવાર સુધીમાં ૧૫,૪૧૫ પ્રવાસીના સ્ક્રીનિંગ થઈ ચૂક્યા છે.

સ્પષ્ટ છે કે કોરોના વાઇરસના ખતરા સામે ભારત જે રીતે લડી રહ્યું છે તેને સાર્ક દેશો ધ્યાનથી જોઈ રહ્યા છે. તેમને વિશ્વાસ છે કે ભારતના નેતૃત્વમાં તેઓ સુરક્ષિત છે. નેપાળમાં જ્યારે પ્રથમ કેસ સામે આવ્યો ત્યારે જ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, સિક્કિમ અને નેપાળ સરહદ નજીક આવેલા સ્થાનો પર ૧૦ લાખથી વધુ લોકોનું સ્ક્રીનિંગ થઈ ચૂક્યું હતું.ભારત સરકારે કોરોના વાઇરસને મુદ્દે ગ્રામસભામાં પણ જાગ્રતિ અભિયાન ચલાવ્યું છે. દેશની અંદર ૧૫ મોટી લેબની સ્થાપના થઈ ચૂકી છે. તેની સંખ્યા વધારીને વહે ૧૯ થઈ રહી છે.  સમગ્ર વિશ્વના દેશો પોતાના પાડોશી દેશો સાથે પરસ્પર સહયોગના મહત્ત્વને સમજી રહ્યા છે. આ મોરચે દક્ષિણ એશિયાના દેશો સુધરી રહ્યા હોય તેમ લાગે છે. કોરોનાએ સાર્ક દેશોને એક સાથે ઊભા રહેવાની તક આપી છે. સાર્ક દેશોમાં નિરાશાજનક સ્થિતિ માટે એકલું પાકિસ્તાન મુખ્યરૂપે દોષિત છે. પાકિસ્તાન આતંકવાદીઓને આશરો આપતું હોવાથી જ ભારત, ઇરાન અને અફઘાનિસ્તાન તેનાથી નારાજ રહે છે.

જોકે હાલમાં પાકિસ્તાને વડા પ્રધાન મોદીની દરખાસ્ત પર હકારાત્મક પ્રતિક્રિયા આપીને એક બહેતર સંદેશો તો આપ્યો જ છે. ભારતે તેના માટે સહિયારું ભંડોળ ઊભું કરીને ભારત તરફથી તેમાં એક કરોડ અમેરિકી ડોલર પણ જમા કર્યા છે. તમામ સાર્ક દેશોએ એ વાતનો સ્વીકાર પણ કર્યો કે ઘાતક કોરોના વાઇરસને કારણે ઉત્પન્ન ખતરાને ઘટાડવા સમન્વય સાધીને પગલાં લેવાની જરૂર છે. કોરોનાને સાથે મળીને સામનો કરવાના ક્રમમાં સાર્ક દેશોએ સૌ પ્રથમ તો દેશની જનતાને આ બીમારીથી જાગ્રત રહેવા સમજાવવી પડશે. હાલમાં તો આ મહામારીથી બચવા તે જ મોટો ઉપાય છે. હવે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, ભુતાન અને માલદીવે પણ પોતાને ત્યાં આવેલી હોસ્પિટલની સ્થિતિ સુધારવાની દિશામાં કામ કરવું પડશે. આ દેશોમાં તાલીમબદ્ધ તબીબોની અછત છે. નર્સો અને હોસ્પિટલની અછત છે. સારવાર માટે જરૂરી ઉપકરણોની અછત છે. દવાઓની અછત નથી પણ દવાઓ એટલી મોંઘી છે કે સામાન્ય માનવીની પહોંચ બહાર છે.શું એ વાત સાચી નથી કે નવઉદારીકરણની આંધીએ દરેક સેક્ટરની જેમ હેલ્થ સેક્ટરની કમર પણ તોડી પાડી છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, અને માલદીવમાં કોર્પોરેટ અને ખાનગી હોસ્પિટલ છે. પરંતુ તેમાં સારવાર એટલી મોંઘી છે કે ગરીબ તો ઠીક સામાન્ય મધ્યમવર્ગ પણ સારવાર લેતાં પહેલાં વિચારે છે. હાલમાં તો કોરોના વાઇરસને કારણે લોકો ગભરાયેલા છે. ખાંસી કે છીંક આવતાં પણ લોકો વિચારવા લાગે છે કે તેમને કોરોના વાઇરસની અસર તો નથી. મુશ્કેલી એ છે કે કોરોના વાઇરસ માટે હજી કોઈ દવા નથી બની. તેને કારણે તેની કોઈ સારવાર પણ નથી મળી રહી. ભારત વસતીના પ્રમાણમાં આ રોગને રોકવામાં સફળ રહ્યું છે. તેને કારણે યુરોપ, ચીન, ઇટાલી, ઇરાન, સ્પેન અને અમેરિકાની તુલનામાં ભારતને આ વાઇરસ રોકવામાં સફળતા મળી છે. તેથી ગભરાવાની જરૂર નથી. ચીનનો આંકડો જુઓ તો ૮૦ ટકા લોકો એવા છે કે જેમને કોરોના વાઇરસનું હળવું ઇન્ફેક્શન લાગ્યું છે. સામાન્ય દવાઓ લેતા અને ઘરમાં બંધ થતાં તેઓ ઠીક થઈ જાય છે. તે સાથે એ સમજવાની પણ જરૂર છે કે આ બીમારી એટલી ખતરનાક બીમારી નથી. માત્ર સાવધાન રહેવાની જરૂર છે. ભારતની વાત કરીએ તો કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે, પણ તેની ગતિ ઓછી છે. વિદેશથી આવીને તપાસ ના કરાવનારા લાપરવા લોકોને કારણે જ આમ થઈ રહ્યું છે. આ વચ્ચે સાર્ક દેશોના તબીબી ક્ષેત્રના તજજ્ઞોએ એ વાતે પણ વિચાર કરવો પડશે કે કોરોના વાઇરસનો ખાતમો બોલાવવામાં શા માટે મુશ્કેલી પડી રહી છે? આ મહામારીને કઈ રીતે રોકી શકાય? કોરોનાને માત આપ્યા પછી દક્ષિણ એશિયાના દેશોએ સાથે મળીને ગરીબી, નિરક્ષરતા કટ્ટરવાદ જેવા મુદ્દા હાથ ધરવા જોઈએ. સાર્ક દેશોએ સાથે મળીને આતંકવાદનો પણ સામનો કરવો પડશે. સાર્ક દેશો અત્યારસુધી પોતાના દેશમાં આતંકવાદને કચડવા પણ સાથે નથી ઊભા રહ્યા. આતંકવાદ સામે લડાઈ અને તેને કચડવાના સવાલ પર સાર્કની બેઠકોમાં પરંપરાગત રીતે માત્ર દરખાસ્ત તો પસાર થાય છે પરંતુ કાર્યવાહી શૂન્ય હોય છે. તેમાં એ કહેવામાં આવે છે કે તમામ સાર્ક દેશ આતંકવાદી પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા લોકોની ધરપકડ, તેમની સામેની કોર્ટ કાર્યવાહી,  તેમના પ્રત્યર્પણમાં મદદ કરશે, તમામ પ્રકારના આતંકવાદના સફાયા અને તેનો સામનો કરવા સહયોગ મજબૂત કરશે. સાથે એમ પણ કહેવામાં આવે છે કે દેશ પોતાની જમીનનો ઉપોયગ આતંકવાદી ગતિવિધિ માટે નહીં કરવા દે. પ્રસ્તાવમાં આતંકવાદ, હથિયારોની દાણચોરી , બનાવટી નોટ, માનવ તસ્કરી વગેરેનો સામનો કરવા પ્રાદેશિક સહયોગની પણ વાત થાય છે. કુલ મળીને વાત પ્રસ્તાવથી આગળ નથી વધતી. સાર્ક દેશો વચ્ચે વેપાર ક્ષેત્રે સહયોગ વધારવાની જરૂર છે. દક્ષિણ એશિયામાં આર્થિક વૃદ્ધિમાં ઝડપથી વધારો કરવા માટે વેપાર સૌથી મહત્ત્વનું ઓજાર છે. કુલ મળીને એટલું કહી જ શકાય કે દક્ષિણ એશિયામાં કોરોનાથી માંડીને આતંકવાદ વિરુદ્ધ લડાનારા જંગનું નેતૃત્વ ભારત જ કરેશે.

( લેખક રાજ્યસભાના સભ્ય છે)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન