કોરોના સામેના જંગમાં દેશવાસીઓ માટે રૂ. ૧.૭૦ લાખ કરોડનું મેગા રાહત પેકેજ - Sandesh
  • Home
  • India
  • કોરોના સામેના જંગમાં દેશવાસીઓ માટે રૂ. ૧.૭૦ લાખ કરોડનું મેગા રાહત પેકેજ

કોરોના સામેના જંગમાં દેશવાસીઓ માટે રૂ. ૧.૭૦ લાખ કરોડનું મેગા રાહત પેકેજ

 | 2:24 am IST

। નવી દિલ્હી ।

કોરોના વાઇરસ સામે લડવા અને રોગચાળાને પ્રસરતો અટકાવવા લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનના કારણે મુશ્કેલીમાં મૂકાયેલા ગરીબ વર્ગ, સ્થળાંતરી કામદારો, શ્રમિકો અને ખેતમજૂરોને આ કપરા સમયમાં મદદરૂપ થવા માટે મોદી સરકારે રૂપિયા ૧.૭૦ લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. દેશના દરેક વર્ગના નાગરીકોને રાહત આપવા માટે જાહેર કરાયેલ આ પેકેજના લાભ ખાદ્યસુરક્ષાનાં પગલાં અને ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર દ્વારા પહોંચાડવામાં આવશે. પેકેજની જાહેરાત કરતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, અમે લોકડાઉન જાહેર કર્યાના ૩૬ કલાકમાં જ સમાજના નબળા વર્ગો માટે તૈયાર કરેલા રાહત પેકેજનો તાત્કાલિક અસરથી અમલ કરાશે.

સીતારામને જણાવ્યું હતું કે, વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ૮૦ કરોડ લોકોને લાભ થશે. સરકાર નથી ઇચ્છતી કે દેશમાં એકપણ વ્યક્તિને લોકડાઉનના કારણે ભૂખ્યા રહેવું પડે. સરકાર અત્યારે સૌથી પહેલાં સ્થળાંતરી શ્રમિકો, શહેરી અને ગ્રામીણ ગરીબો પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. આ પેકેજનો મુખ્યત્વે લાભ બિનસંગઠિત ક્ષેત્રના કામદારો, રોજમદારો અને ગરીબોને થશે.

મેડિકલપ્રોફેશનલ્સ

કોરોના વાઇરસ સામેની લડાઇમાં અગ્રીમ મોરચે રહી લડત આપી રહેલા ડોક્ટર, નર્સ, આશા સહયોગી અને અન્ય મેડિકલ સ્ટાફને રૂપિયા ૫૦ લાખનો મેડિકલ ઇન્શ્યોરન્સ અપાશે. આ યોજનાનો લાભ ૨૦ લાખ જેટલા મેડિકલ કર્મચારીઓને અપાશે.

ડિસ્ટ્રિક્ટ ફંડ

સરકારે કોરોના વાઇરસના કેસોના સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ માટેની સુવિધાઓ ઊભી કરવા રાજ્ય સરકારોને ડિસ્ટ્રિક્ટ મિનરલ્સ ફંડનો ઉપયોગ કરવાની સૂચના આપી છે. સરકારે જણાવ્યું હતું કે, રાજ્યો આ ફંડનો ઉપયોગ મેડિકલ ટેસ્ટિંગ, સ્ક્રીનિંગ અને અન્ય હેલ્થકેર સુવિધા માટે કરે.

સરકાર EPFમાં કર્મચારી અને નોકરીદાતાનો હિસ્સો ચૂકવશે

ઓર્ગેનાઇઝડ સેક્ટરના કર્મચારીઓ માટે મોટી રાહતની જાહેરાત કરતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, સરકાર વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત આગામી ૩ મહિના સુધી ઇપીએફમાં કર્મચારીનો ૧૨ ટકા અને નોકરીદાતાનો ૧૨ ટકા એમ બંનેનો ૨૪ ટકા હિસ્સો ચૂકવશે. આ રાહત જે કંપનીઓ મહત્તમ ૧૦૦ કર્મચારી ધરાવતી હોય અને જેના ૯૦ ટકા કર્મચારીના પગાર રૂપિયા ૧૫,૦૦૦ પ્રતિ માસથી ઓછા હોય તેમના માટે છે.

સીતારામને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ઇપીએફઓના નિયમોમાં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે જેના કારણે ઇપીએફઓના ૪.૮ કરોડ થાપણદારોને લાભ થશે. નિયમોમાં આ સુધારા પછી ઇપીએફઓ અંતર્ગત આવતા કર્મચારીઓ તેમના નોન રિફંડેબલ એડવાન્સના ૭૫ ટકા અથવા તો ૩ મહિનાના વેતન બેમાંથી જે ઓછું હશે તેનો ઉપાડ કરી શકશે. સીતારામને જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના કારણે સરકાર નિયમોમાં બદલાવ કરવા તૈયાર છે. આ નિર્ણયના કારણેઇપીએફઓના ૪.૮ કરોડ થાપણદારોને લાભ થશે.

પીએમ કિસાન સમ્માનનિધિ અંતર્ગત ખેડૂતોને રૂપિયા ૨૦૦૦ની સહાય મળશે

કોરોના વાઇરસના દેશભરમાં ફેલાતા સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા જાહેર કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન કિસાન યોજના અંતર્ગતના ૮.૬૯ કરોડ લાભાર્થી ખેડૂતોને રૂપિયા ૨૦૦૦નો પ્રથમ હપતો એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ચૂકવી દેવાશે.

દેશવ્યાપી લોકડાઉનના પ્રથમ ૩૬ કલાકમાં જ સામાન્ય જનતા માટે રાહતના પગલાંની જાહેરાત કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, દેશના ૮.૬૯ કરોડ ખેડૂતોને વડાપ્રધાન કિસાન યોજના અંતર્ગત દર વર્ષે રૂપિયા ૨૦૦૦ના ૩ હપતામાં રૂપિયા ૬,૦૦૦ની સહાય અપાય છે. અમે આ મામલાને પ્રાથમિકતા આપીને પહેલો હપ્તો ચૂકવવા જઈ રહ્યાં છે જેથી તેમને નાણાકીય વર્ષની શરૂઆતમાં જ રૂપિયા ૨૦૦૦ મળી શકે. લોકડાઉનની સ્થિતિમાં દેશની ૧૩૦ કરોડની જનતાનું પેટ ભરતા ૮.૬૯ કરોડ ખેડૂતોને તાત્કાલિક લાભ ગણાશે. અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન કિસાન સમ્માનનિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે રૂપિયા ૬,૦૦૦ બે બે હજારના ૩ હપતામાં ખેડૂતોના બેન્ક ખાતામાં સીધા જમા કરાવવામાં આવે છે.

આ ઉપરાંત સરકાર દ્વારા મનરેગાના પ્રતિ શ્રમિક દીઠ ફાળવણીમાં સરેરાશ રૂપિયાબે હજારનો વધારો કરાયો છે. જેના કારણે દેશમાં સર્જાયેલી લોકડાઉનની સ્થિતિમાંમનરેગાના શ્રમિકોની હાલાકીમાં ઘટાડો થઈ શકે.

૨૦ કરોડ મહિલાઓના જન ધન ખાતાઓમાં રકમ જમા કરાશે…

નાણાપ્રધાને પરિવારના ગુજરાનમાં મહિલાઓને મદદરૂપ થવા માટે આગામી ૩ મહિના સુધી પ્રતિ માસ રૂપિયા ૫૦૦ ચૂકવવાની જાહેરાત કરી હતી. ૨૦ કરોડ મહિલાઓના જન ધન ખાતાઓમાં આ રકમ જમા કરાવવામાં આવશે. તે ઉપરાંત સરકારે ૬૩ લાખ મહિલા સેલ્ફ હેલ્પ ગ્રૂપ માટે અપાતી ફ્રી લોન વધારીને રૂપિયા ૨૦ લાખ કરી દીધી છે.

બીપીએલ પરિવારોને વિનામૂલ્યે એલપીજી ગેસ સિલિન્ડર

દેશમાં ગરીબીરેખાની નીચે જીવતા અને ઉજ્જ્વલા યોજના અંતર્ગત આવરી લેવાયેલા ૮.૩ કરોડ પરિવારોને આગામી૩ મહિના સુધી એલપીજી ગેસ સિલિન્ડર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાની કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને જાહેરાત કરી હતી.

રાશન

દેશની બે તૃતીયાંશ વસતી અથવા તો ૮૦ કરોડ લોકોને આગામી ૩ મહિના સુધી જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત પાંચ કિલો ચોખા અથવા ઘઉં વિનામૂલ્યે આપવામાં આવશે. હાલમાં તેમને પાંચ કિલો અનાજ આપવામાં આવે છે. આ સહાય આ પાંચ કિલો અનાજ ઉપરાંતની રહેશે. તે ઉપરાંત તેમને એક કિલો દાળ પણ આપવામાં આવશે. રેશનકાર્ડધારકો બે હપતામાં અનાજ પ્રાપ્ત કરી શક્શે.

શ્રમિક

દેશભરમાં મનરેગા યોજનાનો લાભ મેળવતા પાંચ કરોડ પરિવારો માટે યોજના અંતર્ગત મળતું દૈનિક મહેનતાણું રૂપિયા ૧૮૨થી વધારીને રૂપિયા ૨૦૨ કરાયું છે. જેના કારણે દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ઓછામાં ઓછા ૨૫ કરોડ શ્રમિકોને લાભ મળશે.

આશ્રિત

૬૦ વર્ષથી વધુ વયના ગરીબ સિનિયર સિટિઝન, વિધવા અને દિવ્યાંગોને આગામી ૩ મહિના સુધી બે હપતામાં રૂપિયા ૧૦૦૦ની વધારાની સહાય ચૂકવવાની જાહેરાત કરાઇ છે. ૩ કરોડ ગરીબ સિનિયર સિટિઝન, વિધવા અને દિવ્યાંગોને તેનો લાભ મળશે.

કન્સ્ટ્રક્શન વર્કર્સ

દેશના કન્સ્ટ્રક્શન સેક્ટર સાથે સંકળાયેલા ૩.૫ કરોડ નોંધાયેલા કામદારોને લાભ આપવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને રૂપિયા ૩૧,૦૦૦ કરોડનું કન્સ્ટ્રક્શન વેલ્ફેર ફંડ વાપરવા નિર્દેશ આપ્યો છે.

રાહત પેકેજ : એટ એ ગ્લાન્સ

  • હેલ્થ સેક્ટરમાં કામ કરતા લોકોને આગામી ત્રણ મહિના માટે ૫૦ લાખનો વીમો સરકાર તરફથી આપવામાં આવશે.
  • ૩ કરોડ જેટલા વિધવા, દિવ્યાંગ અને વૃદ્ધોને આગામી ત્રણ મહિના માટે બે હપતામાં ૧,૦૦૦ રૂપિયાના સહાય અપાશે.
  • સ્વસહાયતા મહિલા જૂથ સાથે જોડાયેલા પરિવારોને ૧૦ લાખને બદલે હવે ૨૦ લાખની કોલેટરલ ફ્રી લોન મળશે.
  • નોનરિફન્ડેબલ એડવાન્સના૭૫ ટકા અથવા ૩ મહિનાના પગાર જેટલો ઉપાડ કરી શકાય તે માટે નિયમોમાં સુધારો કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન