કોરોનાના કારણે બંગાળમાં ચૂંટણીપ્રચાર સામે ઊઠતા સવાલો - Sandesh
  • Home
  • Columnist
  • કોરોનાના કારણે બંગાળમાં ચૂંટણીપ્રચાર સામે ઊઠતા સવાલો

કોરોનાના કારણે બંગાળમાં ચૂંટણીપ્રચાર સામે ઊઠતા સવાલો

 | 2:01 am IST
  • Share

એકસ્ટ્રા કોમેન્ટ :- કૃષ્ણકાંત ઉનડકટ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પાંચમા તબક્કાનું આજે મતદાન છે. આજે મતદાન પતે એ પછી ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. તારીખ ૨૨, ૨૬ અને ૨૯ એપ્રિલે જ્યાં મતદાન થવાનું છે ત્યાં અત્યારે જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે. એક બાજુ નેતાઓની જાહેરસભાઓ અને રોડ શો થઇ રહ્યા છે ત્યારે બીજી તરફ કોરોના વધુ ને વધુ લોકોને પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને તૃણમૂલ કોંગ્રેસનાં વડા અને બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ ચૂંટણીપંચને એવી વિનંતી કરી કે, બાકીની ચૂંટણીનું મતદાન એક સાથે કરવામાં આવે. ચૂંટણીપંચે આવું કરવાનો ઇન્કાર કરી દીધો. બધી વ્યવસ્થા ગોઠવાઇ ગઇ હોય ત્યારે તેમાં બદલાવ કરવો અઘરો છે. કોરોના ગાઇડલાઇનની જે રીતે ઐસીતૈસી કરીને પ્રચાર ચાલી રહ્યો છે એ જોઇને હાઇકોર્ટે ચૂંટણીપંચનો કાન આમળ્યો. કોર્ટે લાલ આંખ કરી એ પછી શુક્રવારે ચૂંટણીપંચે દરેક પક્ષની બેઠક બોલાવી અને ચર્ચાવિચારણા કરી. ચૂંટણીપંચે વધુ એક વખત કહી દીધું કે ચૂંટણી તો  જે તબક્કા નક્કી થયા છે તે મુજબ જ થશે. પ્રચારમાં કોરોનાની ગાઈડ લાઈન વિશે પંચે કંઈ ન કહ્યું. ચૂંટણીપંચ કંઈ કહે એ પહેલાં જ માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ એવી જાહેરાત કરી દીધી હતી કે, કોરોનાના કારણે અમે જાહેરસભાઓ કે રેલીઓ નહીં કરીએ. બીજા પક્ષો વર્ચ્યુઅલ પ્રચાર માટે વિચારતા હતા, જોકે કોઈએ કંઈ નિર્ણય ન કર્યો. મતલબ કે હજુ કોરોના ગાઈડલાઈનની ઐસીતૈસી જ કરવામાં આવશે. લોકોનું જે થવાનું હોય એ થાય.

આખા દેશમાં કોરોનાએ ફ્રીથી હાહાકાર મચાવ્યો છે. કોરોનાના કેસોનો આંકડો રોજેરોજ વધતો જ જાય છે. કોરોનાએ જૂના દરેક રેકોર્ડ તોડી નાખ્યા છે. વાતો તો એવી જ આવી રહી છે કે, સ્થિતિ હજુ ખરાબ થવાની છે. દેશનાં કેટલાંયે શહેરોમાં રાત્રિ કરફ્યૂ અને વીકએન્ડ લોકડાઉન ડિકલેર કરવામાં આવ્યું છે. ધર્મસ્થાનો બંધ કરી દેવાયાં છે. જે પરીક્ષાઓ રદ કરી શકાય એમ છે એ રદ કરીને માસ પ્રમોશનની જાહેરાત કરી દેવામાં આવી છે. જે પરીક્ષાઓ લેવી જ પડે એમ છે એ મુલતવી રાખવામાં આવી છે. આખા દેશમાં બિહામણું વાતાવરણ ખડું થયું છે. કોરોનાના દર્દીઓને હોસ્પિટલોમાં બેડ મળતા નથી. ગરીબ અને મધ્યમવર્ગની હાલત તો ખરાબ છે જ, જે લોકો પૈસેટકે સુખી માણસો છે એને પણ સારવાર માટે ફંફં મારવાં પડે છે. હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સોની લાઇનો લાગે છે. સ્મશાનગૃહમાં અંતિમસંસ્કાર માટે પણ રાહ જોવી પડે છે. સરકાર આમ કરીએ છીએ અને તેમ કરીએ છીએ એવી વાતો કરીને જાતજાતના દાવા કરી રહી છે પણ સ્થિતિ કંટ્રોલમાં આવવાને બદલે વણસતી જાય છે. આભ ફટયું છે ત્યારે થીંગડાં મારવાં જેવી વાતો થઇ રહી છે. કોરોના વોરિયર્સ રાતદિવસ જોયા વગર પોતાના જીવના જોખમે લોકોને બચાવવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ચૂંટણીપ્રચાર સહિત અનેક પ્રસંગો પર કડક વલણ જરૂરી બને છે.

બંગાળમાં જે રીતે ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો એ જોઇને નિષ્ણાતો ખુદ એવું કહેવા લાગ્યા હતા કે, આવા સંજોગોમાં તો કોરાના ન ફેલાય તો જ નવાઇ! વાત માત્ર બંગાળની નથી, ઉત્તર પ્રદેશના હરદ્વારમાં યોજાયેલા કુંભ મેળામાં લાખો લોકો ભેગા થયા અને ગંગાસ્નાન કર્યું. પરિણામ શું આવ્યું? ૨૫૦૦થી વધુ લોકો કોરોના પોઝિટિવ થયા. પચાસથી વધારે સંતો કોરોનાગ્રસ્ત થયા. શું આ રોકી શકાયું ન હોત? ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંત સમાજમાંથી આવે છે, તેમણે સાધુસંતોના સ્વાસ્થ્યને બદલે કુંભમેળાને વધુ મહત્ત્વ આપ્યું! હવે મુખ્યમંત્રી યોગીએ રવિવારે યુપીમાં લોકડાઉનની જાહેરાત કરી છે. દેશમાં કોરોના ફેલાયો ત્યારે લોકડાઉન લાદવું કે ન લાદવું તેનો નિર્ણય કરવાનો અધિકાર સરકારે પોતાના પાસે રાખ્યો હતો. ઉપરથી જે નિર્ણયો આવતા હતા એ જ આખા દેશને લાગુ પડતા હતા. વાતાવરણ સુધર્યું એ પછી કેન્દ્ર સરકારે લોકડાઉન, આંશિક લોકડાઉન કે રાત્રિ કરફ્યૂનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડી દીધો. દરેક રાજ્ય સરકાર હવે પોતાની મુનસફી મુજબ નિર્ણયો કરી રહી છે. દેશનાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે વર્લ્ડ બેંકના ગ્રૂપ પ્રેસિડેન્ટ ડેવિડ માલપાસ સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં એવું કહ્યું કે, દેશમાં લોકડાઉન લાદવાની શક્યતાઓ નથી. સરકાર હવે સંપૂર્ણ લોકડાઉન લાદવાનું જોખમ લેવા માંગતી હોય એવું લાગતું નથી. લોકડાઉનના કારણે અર્થતંત્રને ઓલરેડી ફ્ટકો લાગેલો છે. સાચી વાત એ પણ છે કે, આખા દેશમાં લોકડાઉન લગાવવાની જરૂર પણ નથી. જ્યાં સ્થિતિ ગંભીર છે એવાં શહેરો અને શહેરોમાં પણ મોસ્ટ સેન્સેટિવ સ્પોટને લોકેટ કરીને ત્યાં વધુ સખત બનવાની જરૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે પહેલી વખત દેશજોગ વાયુ પ્રવચન કરીને લોકડાઉન જાહેર કર્યું હતું ત્યારે એમ કહ્યું હતું કે, આગામી ૨૧ દિવસ સાચવી લેજો. આપણે કોરોનાની ચેઇનને તોડવાની છે. ૨૧ દિવસનું લોકડાઉન નહીં લગાવીએ તો દેશ ૨૧ વર્ષ પાછો ધકેલાઇ જશે. એ સમયે સરકારમાં પણ એક ગજબનું કમિટમેન્ટ દેખાતું હતું. આ વખતે વાતાવરણ સ્ફેટક હોવા છતાં ઘણું બધું મિસિંગ લાગે છે. સરકારે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ચૂંટણીઓ, મેળાવડા અને જાહેર કાર્યક્રમો થવા દીધા. જે થઇ રહ્યું છે એ ખોટું અને જોખમી છે એવી નિષ્ણાતોની ચેતવણીઓને પણ ધ્યાને લેવામાં ન આવી. હજુ પણ એવું કહેવાઇ રહ્યું છે કે, હવે તો ચેતી જાવ!

દેશની આજે જે હાલત છે એના માટે માત્ર સરકારને દોષ દેવો પણ વાજબી નથી. લોકો પણ કોરોનાને બહુ લાઇટલી લેવા માંડયા હતા. એમાંયે વેક્સિનેશન શરૂ થયું એ પછી તો લોકો સાવ બેપરવા થઇ ગયા હતા. કોરોના ચાલ્યો ગયો છે એવું જ બધાએ માની લીધું હતું. ન્યૂ નોર્મલને લોકો ઘોળીને પી ગયા હતા. જે થવાનું હતું એ થઇ ગયું, હવે જો નહીં જાગીએ તો જેની કલ્પના પણ થઇ શકે નહીં એવી હાલત થઇ જશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આખી દુનિયાને કહી રહ્યું છે કે, કોરોના વિશે કોઇએ કંઈ ભ્રમમાં રહેવાની જરૂર નથી. ખતરો હજુ એવો ને એવો બરકરાર છે. સરકાર અને લોકો પાસે વધુ સતર્ક રહેવા સિવાયનો કોઇ વિકલ્પ જ નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો