કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન ભારતમાં શરૂ થયાના પુરાવા નથી - Sandesh
  • Home
  • India
  • કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન ભારતમાં શરૂ થયાના પુરાવા નથી

કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન ભારતમાં શરૂ થયાના પુરાવા નથી

 | 1:50 am IST

। નવી દિલ્હી ।

આરોગ્ય વિભાગના અધિકારીઓએ એક રૂટિન પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોરોના વાઇરસનો ફેલાવો ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્ટેજ પર પહોંચ્યો હોવાના કોઈ નક્કર પુરાવા મળતા નથી. વધુમાં સરકારે જણાવ્યું કે રોગના ફેલાવાને બ્રેક લાગી રહી હોય એમ લાગે છે. સાથે જ ઉમેર્યું હતું કે હજી કોરોનાનો ચેપ લાગવાના કેસ વધી તો રહ્યા જ છે, પરંતુ કેસ વધવાની ઝડપ ઓછી થઈ રહી છે. જોકે આ ખૂબ જ પ્રાથમિક તબક્કાના સંકેત છે.

સરકારના આરોગ્ય વિભાગ તરફથી પહેલી જ વખત અધિકૃત રીતે કહેવામાં આવ્યું હતું કે કોરોના વાઇરસ સામેની સરકાર દ્વારા જાહેર કરાયેલી લડતનાં સારાં પરિણામ મળી રહ્યાં છે. જે તબક્કામાં કોરોના વાઇરસનો ચેપ ભયાનક હદે ફેલાવા લાગે છે એ કોમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્ટેજ સુધી આપણો દેશ પહોંચ્યો હોવાના કોઈ નક્કર પુરાવા જોવા મળતા નથી.

કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો તબક્કો ખૂબ જ ડરામણો અને પીડાદાયક હોય છે. તેમાં કોને ક્યાંથી ચેપ લાગ્યો એ શોધી જ શકાતું નથી. દરમિયાન અચાનક રોજના હજારો કેસ નોંધાવા લાગે છે. જો આટલા બધા કેસ એકસાથે આવી પડે તો ઈટાલીની જેમ દેશની આરોગ્ય વ્યવસ્થા કડડભૂસ થઈ જાય છે.

સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે અધિકૃત રીતે પહેલી જ વખત જણાવ્યું કે અત્યાર સુધીમાં કોરોના વાઇરસ ૬૪૯ નાગરિકોને ચેપ લગાડી ચૂક્યો છે અનેે ૧૩ નાગરિકોનો ભોગ લઈ ચૂક્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૨ નવા કેસ નોંધાયા છે અને ૪ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;