કોરોના ઈફેક્ટ કરતાં સાઈડ ઈફેક્ટ વધુ ખતરનાક! - Sandesh
  • Home
  • Business
  • કોરોના ઈફેક્ટ કરતાં સાઈડ ઈફેક્ટ વધુ ખતરનાક!

કોરોના ઈફેક્ટ કરતાં સાઈડ ઈફેક્ટ વધુ ખતરનાક!

 | 11:35 pm IST

આજકાલ આખું વિશ્વ એક મોટી મહામારી સામે લડી રહ્યું છે. આ મહામારી એટલે કે કોરોના વાઇરસની શરૂઆત ચીનથી થઇ છે, પણ આજે આ વાઇરસે દુનિયાના દરેકેદરેક ખૂણાને હાઈ-એલર્ટ પર મૂકી દીધો છે. દરેક દેશમાંથી મૃત્યુના આંકડા દિવસે ને દિવસે વધતા જાય છે. આ મહામારી હાલ આખા વિશ્વને ધ્રુજાવી રહી છે. અસરગ્રસ્તોને તરત આઇસોલેશન વોર્ડમાં બધાથી દૂર લઈ જવાય છે. એમની સારવાર ત્યાં કરવામાં આવે છે, જેથી એમનો ચેપ બીજા કોઈને ન લાગે. રોગ પ્રસરે નહીં. તમામ તકેદારી છતાં વિશ્વના દરેક દેશમાં ચેપ લાગવાના અને મૃત્યુના આંકડા વધી રહ્યા છે.

કોરોનાને કારણે આંકડા વધી રહ્યા છે તેમ ઘટી પણ રહ્યા છે. ઘટતા આંકડા વિશ્વબજારના છે. વિશ્વના બજારમાં વર્તાઈ રહેલા ઘટાડાના આંકડા પણ ડરામણા છે. શેરબજારની વાત કરીએ તો અમેરિકાનું ડાઉજોન્સ શેરબજાર બે વખત લોઅર સર્કિટ નોંધાવી ચૂક્યું છે. આપણું બજાર પણ એક વખત લોઅર સર્કિટ અનુભવી ચૂક્યું છે. એ સમય દરમિયાન બજાર ૪૫ મિનિટ સુધી સદંતર બંધ રહી ચૂક્યું છે. છેલ્લા ૧૦ દિવસમાં આપણું શેરબજાર પૂરઝડપે ૩૫% જેટલું નીચે આવી ગયું છે.

આપણા જેવા સામાન્ય માણસને પ્રશ્ન થાય કે આ લોઅર સર્કિટ એટલે શું? જાણકારોના મત અનુસાર લોઅર સાથે સર્કિટ એટલે ખરીદનારા કરતાં વેચનારાની સંખ્યા ખૂબ વધુ થઈ જાય. આ સ્થિતિમાં બજારમાં જબરજસ્ત ગભરાટનો માહોલ સર્જાય છે. વેચનારાઓને ખરીદનાર ન મળતાં હતાશા વ્યાપવા લાગે છે. અને શેરબજાર બધા જાણે છે એમ લાગણીથી દોરવાઈને જ કામ કરે છે. ભયની લાગણી પ્રસરે તો આખું બજાર કડડભૂસ થઈ શકે. એને રોકવા લોઅર સર્કિટ લગાવવામાં આવે છે. અપર સર્કિટમાં ખરીદનારાની સંખ્યા વેચનારાથી ખૂબ વધી જાય છે. એવામાં અણધારી રીતે શેરના ભાવ અનહદ વધી શકે છે. એને રોકવા માટે અપર સર્કિટ લગાવવામાં આવે છે. આ ઘટના શેરબજારમાં અનેક શેરો સાથે રોજ બનતી હોય છે. અત્યારે આવું કોઈ એક-બે શેર સાથે નથી થયું, આખું માર્કેટ લોઅર સર્કિટ પર આવી બંધ થઇ ગયું. એમ થાય તો સમજો કે સમસ્યા અતિ ગંભીર છે.

આવી ઘટના મૂળભૂત રીતે યુદ્ધ અથવા વૈશ્વિક સ્તરની કટોકટીના સમયે સર્જાય છે. બીજા વિશ્વયુદ્ધનું ઉદાહરણ લઈએ તો એમાં પાયમાલ થયેલા જાપાન, જર્મની જેવા ઘણા એવા દેશો હતા જેમને ફ્રીથી બેઠા થવામાં દાયકા લાગી ગયા હતા.

શું ખરેખર આવી જ હાલત કોરોના વાઇરસની મહામારીથી થશે? હાલપૂરતું તો ચિત્ર ડર લાગે એવું છે. આખા વિશ્વના લગભગ દરેક ઉદ્યોગ પર તાળાં લાગ્યાં છે. સૌથી વધુ અસર પ્રવાસન ઉદ્યોગ પર થઈ છે. ફ્લાઈટથી લઇ હોટલનાં બુકિંગ ધડાધડ કેન્સલ થઇ રહ્યાં છે. લોકો ભયના કારણે પોતાની બચત ભલે તે પેપરમની સ્વરૂપમાં હોય કે ગોલ્ડ કે પછી શેર્સના રૂપમાં હોય તેને સિક્યોર (સલામત) બનાવવા મથી રહ્યા છે. વિવિધ સંપત્તિ સ્વરૂપની બચતને લોકો એનકેશ કરી રહ્યા છે. એમાં પણ ખરીદનાર નથી મળતા! વૈશ્વિક મંદીનો માહોલ વિશ્વના આકાશમાં છવાઈ જ રહ્યો હતો. એ માહોલ વચ્ચે આ મહામારીએ લોકોની કમર તોડી નાખી છે.

આપણા દેશની સમસ્યા એક અલગ લેવલની છે. ડીમોનિટાઇઝેશન પછી આપણે ત્યાંના સૌથી મોટા સેક્ટર એટલે કે અનઓર્ગેનાઈઝ્ડ સેક્ટરની ખરીદશક્તિની કમર તૂટી ગઇ છે. જો ઉત્પાદનક્ષમતા વધી પણ જાય તો આપણા બજારમાં ખરીદનાર નથી. મોટાભાગનાં ઉદ્યોગ ગૃહો બેન્ક પાસેથી ધિરાણ લઈને બેઠા છે. અત્યારની સ્થિતિના કારણે આવનારા સમયમાં એ પરત કરવાની ક્ષમતા ગુમાવી રહ્યાં છે. આ પરિસ્થિતિના કારણે બેંકો તળિયે આવી ગઇ છે. થોડા સમય અગાઉ આપણા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંઘે આપણા દેશની આ હાલત પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો આર્થિક હાલત પ્રત્યે યોગ્ય પગલાં તંત્ર દ્વારા ન લેવાય તો દેશમાં આ મંદીની પરિસ્થિતિ આવનાર ૧૫ વર્ષ સુધી આમ જ બની રહેશે.

હાલની સરકાર પાસે આર્થિક સમસ્યા સામે લડી શકાય તેવી લાંબાગાળાની આર્થિક નીતિનો અભાવ જણાવા લાગ્યો છે. આ સ્થિતિમાં આપણા ખિસ્સાનું પ્લાનિંગ આપણે પોતે જ કરવું પડશે, કેમ કે મહામારીના સમયમાં દેશની આર્થિક હાલત ભગવાન રામના ભરોસે છે.

વાત વિશેષ : પરવેઝ મલેક

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન