ચાર દેશોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે તેમાં ભારતનો પણ નંબર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ચાર દેશોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે તેમાં ભારતનો પણ નંબર

ચાર દેશોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે તેમાં ભારતનો પણ નંબર

 | 12:48 am IST
  • Share

સ્નેપ શોટ

છેલ્લા ૨૪ કલાકમાં દુનિયામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧ લાખ ૬ હજાર નોંધાઈ છે. જે એક નવો રેકોર્ડ છે. અત્યાર સુધી કોરોના પોઝિટિવના આટલી મોટી સંખ્યામાં દર્દીઓ નોંધાયા નથી. આવનારા દિવસો માટે આ આંકડો એક ચેતવણી સમાન છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના પ્રમુખ ડેટ્રોસ એડહેનોમ ગેબ્રિયેસોસે બુધવારે જ કહ્યુ હતું કે કોરોના વાયરસના દર્દીઓનો ગ્રાફ હવે નીચે ઊતરી રહ્યો છે એવું સમજવાની જરૂર નથી. હકીકત એ છે કે હજુ આ ગ્રાફ ઉપરની તરફ જ વધી રહ્યો છે. જેમ જેમ સમૃદ્ધ અને વિકસિત દેશો લોકડાઉનમાંથી બહાર આવી રહ્યા છે તેમ તેમ કોરોનાનો ચેપ ગરીબ દેશોમાં ફેલાઈ રહ્યો છે. WHO ના પ્રમુખે કહ્યુ હતું કે આપણે હજુ બહુ લાંબી સફર કરવાની છે. એઈડ્સ જેવા બીજા વાયરસોની જેમ કોરોના વાયરસ પણ દુનિયામાં લાંબા સમય સુધી રહેવાનો છે.

દુનિયાભરમાં અત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૫૧ લાખથી વધારે  થઈ ગઈ છે. આ વાયરસને કારણે દુનિયાભરમાં ૩.૩૦ લાખથી વધારે લોકોના મોત નિપજી ચૂક્યા છે. દુનિયાનો સૌથી સમૃદ્ધ અને વિકસીત દેશ અમેરિકા અત્યારે કોરોના વાયરસની ઝપેટમાં નંબર ૧ પર છે જે એક આૃર્યની વાત છે. અત્યાર સુધી એવું જોવામાં આવ્યુ હતું કે કોઈપણ રોગ ગરીબ દેશોમાં જલદી ફેલાય છે પરંતુ કોરોનાના કિસ્સામાં દુનિયાના સમૃદ્ધ અને વિકસિત દેશોમાં સૌથી વધુ ઝડપે આ રોગ ફેલાઈ રહ્યો છે. કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં દુનિયાના ટોપ-૧૦ દેશોમાં અમેરિકા, રશિયા,, બ્રાઝિલ, સ્પેન, બ્રિટન, ઈટલી, ફ્રાન્સ, જર્મની, તુર્કી અને ઈરાનનો નંબર આવે છે.

ભારત માટે ચિંતાની વાત એ છે કે કોરોના કેસોના ટોપ-૧૦ દેશો પછી ૧૧ મો નંબર સીધો ભારતનો આવે છે. WHO નો રિપોર્ટ કહે છે કે છેલ્લા ૨૪ કલાકમાં જે કોરોના પોઝિટિવના ૧ લાખ ૬ હજાર કેસો નોંધાયા છે તેમાંથી બે તૃતિયાંશ કેસો માત્ર ભારત, અમેરિકા, રશિયા અને બ્રાઝિલમાં નોધાયા છે. WHOના રિપોર્ટ પ્રમાણે દુનિયામાં કોરોના પોઝિટિવના કેસો ભારતમાં ઝડપથી વધી રહ્યા છે એ વાત આપણા માટે ખતરારૂપ છે અત્યારે ભારતમાં દરરોજ ૫ હજારથી વધારે કેસો નોંધાઈ રહ્યાં છે. ૨૧મી મે એ દેશમાં કોરોના પોઝિટિવ ૫૬૦૯ નોંધાયા છે અને છેલ્લા ૨૪ કલાકમાં મોતનો આંકડો ૧૩૨ નો છે. દેશમાં ટોટલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧,૧૨,૩૫૯ ની છે. જેમાંથી ૪૫,૨૯૯ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા ૬૩,૬૨૪ છે. દેશમાં કોરોનાના કારણે મૃત્યુઆંક ૩,૪૩૫ નોંધાયો છે.

આકંડાની વાત છે ત્યારે અમેરિકા કોરોનાના મામલમાં નંબર ૧ છે દુનિયામાં કોરોના પોઝિટિવના ૫૧ લાખ દર્દીઓમાંથી ૧૬ લાખ જેટલા દર્દીઓ માત્ર અમેરિકામાં છે અને મોતનો આંકડો પણ ૯૪૯૮૮ નોંધાયો છે. જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના પોઝિટિવના આંકડાને સન્માનની વાત તરીકે જોઈ રહ્યા છે. તેમનું કહેવું છે જ્યારે લોકો કહે છે અમેરિકા કોરોનાના ઈન્ફેક્શનમાં ટોપ પર છે તો અમે આ વાતને ખરાબ રીતે જોતાં નથી. તેનો સીધો મતલબ એ છે કે અમે દુનિયાના બીજા દેશો કરતાં વધારે ટેસ્ટિંગ કર્યુ છે. અત્યારે અમેરિકામાં રોજ ૩ થી ૪ લાખ લોકોનું કોરોના ટેસ્ટિંગ થઈ રહ્યુ છે.

જોકે અમેરિકાના ટેસ્ટિંગના મામલે સારા રેકોર્ડની વાત ઓક્સફોર્ડ યુનિ.ના વૈજ્ઞાનિકો નકારે છે. આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અમેરિકામાં ટેસ્ટિંગના મામલે દુનિયામાં ૧૬ મા નંબરનું સ્થાન ધરાવે છે. આઈસલેન્ડ, ન્યુઝીલેન્ડ, રશિયા અને કેનેડા જેવા દેશો ટેસ્ટિંગના મામલે અમેરિકા કરતા આગળ છે. ટેસ્ટિંગના મુદે હાર્વર્ડ ગ્લોબલ હેલ્થ ઈન્સ્ટિટયૂટે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે જો અમેરિકાએ દેશની અર્થવ્યવસ્થા પાટા પર લાવવી હોય તો રોજ ઓછામાં ઓછા ૫૦ લાખ લોકોના ટેસ્ટ કરવાની જરૂર છે. આ ઈન્સ્ટિટયુટનું માનવું છે કે જેટલા વધારે ટેસ્ટિંગ થશે તેટલા વધારે લોકોને બચાવી શકાશે. કારણ કે કોરોના વાયરસ ઝડપથી લોકોની જાન લઈ રહ્યો છે તે સંજોગોમાં કોરોના પોઝિટિવ દર્દીઓને જાણ જેટલી વહેલી થાય તેટલી વહેલી સારવાર મળી શકશે અને તેટલા જલદી લોકો સ્વસ્થ થઈ શકશે અને પાછા કામ પર લાગી શકશે.

ટેસ્ટિંગના આ આંકડાઓ ભારત માટે સ્વપ્ન સમાન છે. અમેરિકાની ૩૦ કરોડની વસતીમાં જો રોજના ૩ થી ૪ લાખ લોકોનું ટેસ્ટિંગ થતું હોય અને જાણકારો આ ટેસ્ટિંગને ઓછું ગણાવતા હોય ત્યારે ભારતમાં તો ટેસ્ટિંગનો દર ખૂબ જ ઓછો છે . ભારતમાં ૧૩૦ કરોડની વસતી સામે રોજ માત્ર ૧ લાખ લોકોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે.  આ વાત ખૂબ જ ખતરારૂપ છે. અત્યારના દિવસોમાં હવે જ્યારે સરકારે લોકડાઉનમાં છૂટછાટ આપી છે ત્યારે સ્વાભાવિક રીતે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધવાની છે. આ દર્દીઓનું જો ટેસ્ટિંગ નહીં થાય તો આ દર્દીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં સ્વસ્થ લોકોને કોરોનાનો ચેપ લગાડી શકે છે. પરંતુ અત્યારે એ હાલત છે કે ટેસ્ટિંગ સાવ ઓછું કરાયુ છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સામે ચાલીને જે લોકો હોસ્પિટલમાં જાય છે તેવા લોકોનું જ ટેસ્ટિંગ અત્યારે થઈ રહ્યુ છે. વડોદરામાં તો એવા કિસ્સા પણ બહાર આવ્યા છે કે જે ડોક્ટરો અમદાવાદમાં ફરજ બજાવીને પાછા આવ્યા છે તેમનું ટેસ્ટિંગકરવા માટે પણ ના પડાઈ છે. આ એક ખૂબ જ ગંભીર બાબત છે.

જ્યારે WHOના પ્રમુખે કહ્યું છે કે કોરોનાનું ઈન્ફેક્શન હજુ ઘટવા તરફ નથી અને કેસોની સંખ્યા વધવાની છે ત્યારે દેશમાં કોરોના માટે વધારે પ્રિકોશન્સ રાખવાની જરૂરિયાત છે. દેશમાં નિશ્ચિતરૂપે આવનારા દિવસોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાની છે. તેનો કોઈ ઈનકાર કરી શકે તેમ નથી. આ સંજોગોમાં હવે લોકડાઉનમાં બહાર નીકળેલા લોકો કેટલી સાવચેતી રાખી રહ્યા છે તેના ઉપર મોટો આધાર છે. દુનિયાના વિકસિત દેશો કોરોનાને કાબૂમાં રાખી શક્યા નથી તે એક હકીકત છે. ત્યારે ભારત સામે હવે એક મોટી કસોટી છે કે તે કેવી રીતે કોરોનાના કેસોની સંખ્યા કાબૂમાં રાખી શકે છે. આવનારા દિવસો હવે ખૂબ જ વિકટ છે સાવચેતી નહીં રખાય તો લોકડાઉનમાં મળેલી છૂટછાટો પાછી ખેંચી લેવાશે. તે સંજોગોમાં હવે સાવચેતી જ સલામતી બનવાની છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન