કોરોના આજના સંજોગોમાં શિક્ષકની નૈતિક ફરજ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • કોરોના આજના સંજોગોમાં શિક્ષકની નૈતિક ફરજ

કોરોના આજના સંજોગોમાં શિક્ષકની નૈતિક ફરજ

 | 2:28 am IST

કેળવણીના કિનારે :- ડો. અશોક પટેલ

અત્યારે આખી દુનિયામાં કોરોનાનો કેર છે, કુલ ૧૯૨ જેટલાં દેશ તેના ભરડામાં આવી ગયા છે. તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આપણા દેશ કરતા આર્થિક અને મેડિકલમાં સમૃદ્ધ એવા દેશોમાં પણ કોરોનાનો ફેલાવો ભયંકર પણે ફેલાઈ ગયો છે અને હજુ આગળ વધી રહ્યો છે. આપણા સદ્નસીબે ભારતમાં એટલા પ્રમાણમાં ફેલાયો નથી, પણ ફેલાવાની પૂરેપૂરી શક્યતા છે. આ રોગની કોઈ ચોક્કસ વિશ્વાસપાત્ર દવા નથી, માટે તે વધુ ભયંકર છે. ત્યારે તેનાથી બચવાનો એક માત્ર ઉપાય તેને ફેલાતો અટકાવવાનો છે. તેને ફેલાતો અટકાવવા માટે અત્યારની પરિસ્થિતિમાં આપણા દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જેથી કોઈ વ્યક્તિ બીજાના સંપર્કમાં આવે નહીં અને રોગ ફેલાતો અટકાવી શકાય. આ માટે આપના વડા પ્રધાને બે હાથ જોડીને પગે લાગીને બધાને વિનંતી કરી છે. પરિણામે લોકો જાગ્રત બન્યા છે, સૌ જાણે છે કે આ પરિસ્થિતિમાં શું કરવું અને ના કરવું. આમ છતાં આજે ઘણાં લોકો અત્યારની અને ભવિષ્યની પરિસ્થિતિને ગંભીરતાથી લેતા નથી. બધું જ જાણતા હોવા છતાં કરવા જેવો અમલ કરતા નથી. અત્યારે સૌએ પોતાના ઘરમાં જ રહેવાનું છે. જેથી બીજાના સંપર્કમાં ના આવીએ. પણ ઘણાં લોકો આજે પણ રોડ પર ઢોરની જેમ રખડવા નીકળે છે, સામાન્ય જરૂરિયાત હોય તો પણ શોખ ખાતર, માઇન્ડ ફ્રેશ કરવાના બહાને બહાર નીકળે છે. વળી તેઓ બીજાને સલાહ આપશે, મોટી મોટી વાતો કરશે. પણ પોતાને જે કરવાનું છે, સરકારે જે અપીલ કરી છે તેનો અમલ નહીં કરે. ત્યારે જો તે અમલ ૧૦૦ ટકા કરવામાં નહીં આવે તો આપણે સૌએ ભોગવવાનું આવશે જ.

ઉપરોક્ત પરિસ્થિતિમાં શિક્ષક શું કરે તો એ સાચા અર્થમાં પોતાનું શિક્ષકત્વ સાબિત કરી શકે? અત્યારે ડોક્ટર, પોલીસ અને સૈનિક પોતાના જીવના જોખમે પણ પોતાની ફ્રજ બજાવી રહ્યા છે. ત્યારે તેમાંથી શિક્ષક કેવી રીતે બાકાત રહી શકે? આજે વાત કરવી છે શિક્ષકોને કે, ડોક્ટર કે પોલીસ જીવના જોખમે પોતાની ફ્રજ બજાવે છે, તો શિક્ષકો જીવના જોખમ વગર પોતાના ઘરમાં રહીને એક ફ્રજ બજાવે તો તેઓ પણ દેશસેવા કરીને સાચા શિક્ષક તરીકેની પોતાની ઓળખ સમાજને આપી શકે. અને તે ફ્રજ છે કે, તમે તો ઘર બહાર ના જ નીકળો અને તમારા ઘરના સભ્યને પણ ના નીકળવા દો. સાથે દરેક શિક્ષકે પોતાના પડોશીને અને પોતાના સગાંને અને વિદ્યાર્થીઓને આ બાબતે સમજાવવાના છે કે તેઓ પણ સરકારની છૂટ ના મળે ત્યાં સુધી ઘર બહાર ના નીકળે. બસ આ જ આપેક્ષા શિક્ષકો પાસે છે કે, તેઓ શક્ય તેટલા વધુ લોકોને સમજાવે કે તેઓ ઘર બહાર ના જ નીકળે.

શિક્ષક એ ડોક્ટર કે સૈનિક કરતા સહેજ પણ ઊતરતો નથી, તે સાબિત કરવાનો આ સમય છે. ડોક્ટર કે સૈનિક તો જીવના જોખમે ફ્રજ બજાવે છે, શિક્ષકે તો જોખમ અને ખર્ચ વગર પોતાના ઘરમાં બેસીને ફ્રજ બજાવવાની છે. બસ જરૂર છે માત્ર નિષ્ઠાની. ડોક્ટરને જણાવો કે તમે હોસ્પિટલ સંભાળો, સૈનિકને કહો કે તમે સરહદ સંભાળો, પોલીસને કહો કે તમે ગુનેગારને સંભાળો અને અમે સમાજને સંભાળીશું. અમે પણ તમારા જેટલી જ નિષ્ઠાથી ફ્રજ બજાવીશું. ડોક્ટર, પોલીસ અને સૈનિક તો પોતાના કામમાં ગળાડૂબ છે, ત્યારે સમાજને રાહ ચીંધવાનું નેતૃત્વ દરેક શિક્ષકે લેવું પડશે. તેમ કરીને સમાજ અને સરકારને બતાવી દો કે, તમે સાચા અર્થમાં માત્ર શિક્ષક જ નહીં સમાજ સેવક અને દેશ સેવક છો. દરેક શિક્ષકે વિચારવાનું છે કે, આજના સંજોગોમાં જો ડોક્ટર રજા પર ઊતરે તો? સૈનિક કે પોલીસ રજા પર ઊતરે તો? ના જ ચાલે. તો આપણે રજા પર રહીને પણ ધારીએ તો ફ્રજ બજાવી શકીએ. આપણે જ વિદ્યાર્થીઓને નાગરિકતાના પાઠ શીખવીએ છીએ, તો શું આપણે એ જ નાગરિકતાને ભૂલી જઈશું? આ જ કોલમમાં કેટલાક દિવસ પહેલા કહેલું કે, શિક્ષકની ફ્રજ માત્ર વર્ગખંડ પૂરતી નથી. વર્ગખંડ બહાર પણ છે, જે આજના સંજોગોમાં તમે બજાવીને પોતાની જાતને ગૌરવતા અપાવો.

આજે પણ ઘણાં લોકો ઘર બહાર નીકળીને ડોક્ટર અને પોલીસના કામમાં વધારો કરે છે. ત્યારે એક નાગરિક તરીકેની ફ્રજ છે કે, તમે બીજી મદદ ના કરો તો વાંધો નથી, પણ જે કરે છે તેના કામમાં વધારો તો ના કરો. આમ કરશો તો પણ દેશ સેવા કરી ગણાશે. આજે ઘણાં લોકો નાની નાની જરૂરિયાતના ભાગરૂપે ઘર બહાર નીકળે છે. કહે છે કે, શાકભાજી નથી કે ફ્લાણું નથી કે કોઈ ચોક્કસ વાનગી ખાવી છે, ત્યારે એવા લોકોને સમજાવો કે ભાઈ આવી પરિસ્થિતિમાં ચલાવતા શીખો. શાકભાજી વગર પણ રસોઈ બનાવીને ખાઈ શકાય છે. હકીકતમાં બહાર નીકળતા ઘણાં લોકો સામાન્ય જરૂરિયાતના ભાગરૂપે કે લટાર મારવાના મોહમાં જ નીકળતા હોય છે. જે ચલાવી શક્ય તેમ હોય છે. ઘરમાં પત્નીને કહ્યું કે, કોઈ વાનગી બનાવો. પત્ની કહે કે, ફ્લાણી વસ્તુ નથી. તરત જ ભાઈ કહે કે, હું લઈ આવું છું. પોલીસ પકડે તો દવા કે બીજા ખોટા બહાના કાઢવાના. શું આવું ખાવું કે કરવું જરૂરી છે? આવા લોકોને સરકાર, પોલીસ અને મીડિયા સમજાવીને થાક્યા, પણ ઘણાં લોકો નથી સમજતા. ત્યારે એક શિક્ષક તરીકે આપણે આપણી ભૂમિકા ભજવીને આવા લોકોને સમજાવીને ઘરમાં જ રહે તેમ કરી ડોક્ટર, પોલીસ અને સૈન્યની હરોળમાં આવવાનું છે. આજે ડોક્ટર, પોલીસ, સૈન્ય, મીડિયા કર્મચારી અને અન્ય ઘણાં ઘણાં લોકો પોતપોતાની રીતે ફ્રજ બજાવે છે ત્યારે આપણે ઘરમાં બેસીને પણ ઘણું કરી શકીએ.? શિક્ષકે એવું માનવાની જરૂર નથી કે બીજાનું નથી માન્યા તો અમારું કેમ માને? તો એવો અવિશ્વાસ તમારી પર ના રાખો. બીજા લોકો એ રૂબરૂ કહ્યું નથી. તમે રૂબરૂ કહેશો તો ૧૦૦ ટકા અસર થશે. ગુજરાતમાં ચાર લાખ શિક્ષકો છે, ત્યારે દરેક શિક્ષક આવા રોડ પર ઢોરની જેમ રખડતાં પાંચ વ્યક્તિને રોકશે તો પણ વીસ લાખ લોકો રોકાશે. જો આમ બને તો શિક્ષકે આ પરિસ્થિતિમાં બજાવેલી ફ્રજની નોંધ માત્ર આપણો સમાજ કે રાજ્ય કે દેશ જ નહીં, આખી દુનિયા લેશે. આજે વિશ્વના તમામ દેશની નજર ભારત પર છે કે, ગીચ વસતી, ગરીબી અને નિરક્ષરતા વચ્ચે પણ ભારત કોરોનાથી ક્યારે, કેવી રીતે અને કેટલો છુટકારો મેળવે છે? ત્યારે આપણે બચીને, આપણા પાડોશી, સગાં અને વિદ્યાર્થીને સમજાવી બચાવીને દેશની આબરૂને બચાવવાની છે. માત્ર એટલું જ કે બધું જ જાણતા હોવા છતાં કોરોના સામેની લડતમાં સાથ નહીં આપતા વ્યક્તિને સમજાવીને તેઓ સરકારની તમામ સૂચનાનું પાલન કરે, ઘરમાં રહે તેવા પ્રયત્નો દરેક શિક્ષકે કરવાના છે.

અત્યારે સમય પસાર કરવાનું એક માત્ર સાધન સોશિયલ મીડિયા બની ગયું છે, ત્યારે તેની ટેવ ના પડી જાય તેની સંભાળ શિક્ષકોએ રાખવાની જરૂર છે. નહીં તો સ્કૂલ કોલેજમાં પણ તેના વગર નહીં ચાલે. એમાંથી કેટલાક અંશે બહાર આવવા આ એકવીસ દિવસની રોજનીશી લખજો. તમને ખ્યાલ આવશે કે તમે તમારો મોટાભાગનો સમય ક્યાં પસાર કર્યો ? વાંચન કરો, થોડું લખો. પડોશી અને વિદ્યાર્થીઓ અને સગાંને પણ વાચવાની પ્રેરણા આપો. શક્ય હોય તો શાળામાં રહેલા પુસ્તકો લઈ આવો અને તેમને આપો. અથવા ઇન્ટરનેટ પર મફ્તમાં વાંચવા મળતા પુસ્તકો જણાવો. હજુ કેટલાક દિવસ આ રીતે પસાર કરવાથી એકલતા કે પ્રવૃત્તિ વગર કંટાળી જશો. માનસિક અસર થશે. તેવા સમયે મનોવિજ્ઞાનનો આશરો લો અને બીજાને આપી સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરજો.

અશોકી : દેશસેવા માત્ર સરહદ પર જવાથી જ થાય છે એમ નથી ઘરમાં બેસીને પણ કરી શકાય. જે સેવા આજના સંજોગોમાં શિક્ષકોએ ઉઠાવવાની છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા, તે સાબિત કરી બતાવી સમાજ અને સરકારની સેલ્યૂટના હકદાર બનીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન