'કોરોના' : સમાજશાસ્ત્ર, રાજનીતિ, યુદ્ધની વ્યાખ્યાઓ બદલી નાખી - Sandesh
  • Home
  • Columnist
  • ‘કોરોના’ : સમાજશાસ્ત્ર, રાજનીતિ, યુદ્ધની વ્યાખ્યાઓ બદલી નાખી

‘કોરોના’ : સમાજશાસ્ત્ર, રાજનીતિ, યુદ્ધની વ્યાખ્યાઓ બદલી નાખી

 | 1:39 am IST

અનુસંધાન :-  દેવેન્દ્ર પટેલ

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસે દુનિયાભરના લોકોના સમાજશાસ્ત્ર, રાજનીતિ શાસ્ત્ર, મનોવિજ્ઞાન, યુદ્ધશાસ્ત્ર, આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરી અને અર્થશાસ્ત્રની પરિભાષા જ બદલી નાખી છે. આ વાતને સમજતાં પહેલાં ‘કોરોના’ વિશે એક મહત્ત્વની વાત જાણી લેવી જેવી જરૂર છે. કોરોના વાઇરસ તો પહેલેથી હતો જ જેનાથી લોકોને શરદી, ખાંસી કે તાવ જેવી તકલીફ થાય. કોરોના એક ગ્રૂપ ઓફ વાઇરસ છે, પરંતુ હાલ જે સ્વરૂપ દેખાઈ રહ્યું છે તે કોરોના વાઇરસે તેનું બદલેલું સ્વરૂપ છે જે ‘COVID-૧૯’ તરીકે ઓળખાય છે અને કોવિડ-૧૯નું પૂરું નામ COVID ૨૦૧૯ છે. તબીબી પરિભાષામાં કોઈ પણ વિષાણુ પોતાના મૂળ આનુવંશિક સ્વરૂપને બદલી નાખે છે ત્યારે તે વધુ જીવલેણ બની શકે છે જેને તબીબી પરિભાષામાં મ્યુટેશન કહે છે. આ રીતે COVID -૧૯ એ કોરોનાનું બદલાયેલું જીવલેણ સ્વરૂપ છે. હવે આ ખતરનાક વાઇરસે દુનિયાને કેવી રીતે બદલી નાખી તે જુઓ.

યુદ્ધની પરિભાષા

કોરોના-કોવિડ-૧૯ વાઇરસ જો એક જીવાણુ શસ્ત્ર છે તો એ સાબિત કરે છે કે, સામૂહિક માનવસંહાર માટે હવે અણુબોમ્બ કે હાઇડ્રોજન બોમ્બ જેવાં અત્યંત ખર્ચાળ અને જટિલ શસ્ત્રો બનાવવાની જરૂર નથી. કોરોના-કોવિડ-૧૯ જો જૈવિક હથિયાર છે તો તે સસ્તામાં બની શકે છે અને કોઈને ખબર ના પડે તે રીતે કોઈ પણ દેશમાં તેને ઘુસાડી શકાય છે. કોરોના જો જૈવિક શસ્ત્ર નથી તો પણ વિશ્વના યુદ્ધખોર દેશોને આવું બાયોલોજિક વેપન બનાવવાનો વિચાર આવી શકે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરે જર્મનીમાં રહેતા યહૂદીઓના ખાત્મા માટે શીતળાના દર્દીઓને ઓઢાડેલ ચેપી બ્લેન્કેટ્સ યહૂદી છાવણીઓમાં વહેંચી લોકોને બીમારીમાં ધકેલી દીધા હતા. એ જ રીતે ગરીબ દેશો છે અને જેમની પાસે અણુબોમ્બ, અણુબોમ્બને ફેંકવા યુદ્ધ વિમાનો, મિસાઇલો કે સબમરીન્સ નથી તેવા દેશો પણ જીવાણુ શસ્ત્રો જેવાં પ્રમાણમાં સસ્તાં હથિયારો બનાવવા વિચારી શકે છે. યુદ્ધશાસ્ત્રમાં જીવાણુશસ્ત્રોને ગરીબ માણસોનો બોમ્બ કહેવામાં આવે છે.

અર્થતંત્ર

કોરોના વાઇરસે વિશ્વની અર્થશાસ્ત્રની વ્યાખ્યા પણ બદલી નાખી છે. કોરોના વાઇરસના કારણે વિશ્વનો મોટાભાગનો આર્થિક વ્યવહાર અટકી ગયો છે. વિશ્વનાં મોટાં મોટાં શહેરો લોકડાઉન છે. ફેક્ટરીઓ બંધ છે. કર્મચારીઓ અને કામદારો બેકાર છે. લોકોની આવક બંધ થઈ ગઈ છે. મોટાભાગની વિદેશથી આવતી ફ્લાઇટ્સ બંધ છે. વિમાનો ગ્રાઉન્ડેડ છે. પાઇલટ્સ અને લાખો એરલાઇન્સ કર્મચારીઓ ઘરે બેસી ગયા છે. વિમાની કંપનીઓની આવક બંધ થઈ જતાં હવે તેઓ પોતાના કર્મચારીઓને વેતન કેવી રીતે ચૂકવશે તે એક પ્રશ્ન છે. કોરોનાના આ ખતરનાક વાઇરસે વિશ્વને મંદીમાં ધકેલી દીધું છે. અમેરિકા પણ એમાંથી બાકાત નથી. જો અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવોરનો આ એક ભાગ છે તો એક વાઇરસ પણ મહાસત્તાને કેટલી બધી આર્થિક મંદીમાં ધકેલી દઈ શકે છે તેનો આ એક દાખલો છે.

આંતરરાષ્ટ્રીય કૂટનીતિ

ચીન ના પાડે છે, પરંતુ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો આરોપ છે કે કોરોના વાઇરસ તે ચીને પેદા કર્યો છે અને તે ચાઈનીઝ વાઇરસ છે જે આખી દુનિયામાં ફેલાયો છે. આ આરોપ સાચો હોય કે ખોટો પણ કોરોનાનું ઉદ્ભવ સ્થાન ચીન છે તે તો બધાં જાણે છે. હવે ચીન આ મહામારી માટે જવાબદાર હોય તો બની શકે કે આખી દુનિયાના દેશો ચીન સામે એક થઈ આંતરરાષ્ટ્રીય રાજનીતિના નવાં સમીકરણો રચી શકે છે. ચીને ૧૯૬૨માં ભારત પર આક્રમણ કરી ભારતની હજારો ચોરસ કિલોમીટર જમીન હજી ભારતને પાછી આપી નથી. ચીનનો આ વિસ્તારવાદ હવે સ્થગિત થઈ શકે છે અથવા વધુ વકરી શકે છે. આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં નવા મિત્રો બની શકે છે. મોટાભાગના દેશોએ તેમની આંતરરાષ્ટ્રીય બોર્ડર્સ સીલ કરી પોતાના દેશની પ્રજાને બચાવવાના મુદ્દાને પ્રાધાન્ય આપ્યું.

સમાજશાસ્ત્ર

કોરોના વાઇરસે લોકોના સામાજિક જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છે. કોરોના-કોવિડ-૧૯ વાઇરસને અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે કે શહેરોને લોકડાઉન કરો. લોકોને સેલ્ફ આઇસોલેશન એટલે ઘરના એકાંતવાસમાં ધકેલી દો જેથી આ ખતરનાક ચેપ સમાજમાં ફેલાય નહીં. ભારત જેવા દેશમાં લોકોને મોટી મોટી સભાઓ, સમારંભો, મેળાવડા, મોટાં સરઘસો અને મોટા લગ્ન સમારંભો યોજવાની ઘેલછા હોય છે. કોરોનાના ભયના કારણે ડાહ્યા માણસો આવા મોટા સમારંભો કે લગ્ન સમારંભો યોજતાં સો વાર વિચારશે અને છતાંયે કેટલાક લોકો આવા સમારંભો યોજશે તો ડાહ્યા માણસો તેમાં જવાનું ટાળશે. ગઈ તા. ૨૨મીને રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માન આપી આખા ગુજરાતનાં તમામ શહેરો અને ગામડાંની પ્રજાએ જડબેસલાક જનતા કરફ્યૂ પાળ્યો ત્યારે અમદાવાદમાં ખાડિયાના કેટલાક અતિઉત્સાહી લોકોએ રોડ પર આવીને સરઘસ કાઢયું. આવા લોકોને પ્રશસ્તિ નહીં પણ તિરસ્કાર જ મળ્યો. સમાજ હવે ડાહ્યો થતો જાય છે. તેની આ નિશાની છે. જનતા કરફ્યૂ દરમિયાન વર્ષો બાદ બાળકો તેમનાં માતા-પિતા કે દાદા-દાદીના સાંનિધ્યમાં રહ્યાં અને દાદા-દાદીની સાથે બેસીને વાતો કરવાનો લહાવો માણ્યો જે આજથી ૫૦ વર્ષ પહેલાંના આ દેશના સમાજની કુટુંબ ભાવનાની યાદ અપાવે છે. કોરોના વાઇરસે લોકોના જીવન જીવવાની પદ્ધતિ બદલી નાખી. શોખથી માંસાહારી થયેલા કેટલાક લોકોને શાકાહાર તરફ પાછા વળવાની પ્રેરણા પ્રાપ્ત થઈ. કોરોના વાઇરસથી બચવા માટે બધું સરકાર જ કરે એવું નહીં પણ સમાજની પણ પોતાની કેટલીક જવાબદારી છે તે વાત સમાજ સમજતો થયો.

મનોવિજ્ઞાન

કોરોના વાઇરસના કેરના કારણે લોકોના જ્ઞાનમાં વધારો થયો. કોરોના શું છે, તે કેવી રીતે પેદા થયો, વાઇરસ શું છે, તે જીવાણું શસ્ત્ર છે કે અન્ય કંઈ, કોરોનાથી બચવા શું કરવું એ બધું જ જ્ઞાન લોકોએ અખબારો અને ન્યૂઝ ચેનલ્સ દ્વારા પ્રાપ્ત કરી લીધું. દિવસમાં અનેક વાર હાથ ધોવાનું પણ ઘણાં લોકોને કોરોનાએ જ શીખવ્યું. સામાજિક અંતર જાળવવાનું મનોવિજ્ઞાન પણ કોરોનાએ જ શીખવ્યું. કોરોના-કોવિડ-૧૯ એ ખતનરાક વાઇરસથી લોકો એટલા તો ભયભીત થઈ ગયા કે મોટાભાગના લોકો સ્વચ્છતાના તમામ નિયમો પાળવા લાગ્યા. કોરોના વિશે જ્ઞાન વધવાની સાથે લોકોની માનસિકતા પણ બદલાઈ ગઈ. બની શકે કે કોઈ કોઈ કેસમાં લાંબા સમયે સાથે રહેવાનો મોકો મળતાં પતિ-પત્ની વચ્ચેનાં અબોલા પણ દૂર થયા હોય. સ્કૂલનાં બાળકોને કોરોના જેવી બીમારીઓ વિશે શિક્ષકોને શીખવતાં લાંબોય સમય જાય તે જ્ઞાન કોરોના વાઇરસના ભયને કારણે ઝડપથી પ્રાપ્ત થયું. શહેરો લોકડાઉન થતાં પાનના ગલ્લા બંધ રહ્યા તેથી પાન, બીડી, સિગરેટ, તમાકુ કે ગુટકાના બંધાણીઓને એ બધા વગર પણ જીવી શકાય છે તેવું મનોબળ પ્રાપ્ત થયું.

દેશની રાજનીતિ

ભારતમાં પણ પ્રવેશેલા કોરોના વાઇરસના કારણે કેટલાક વખતથી ટી.વી. અને અખબારોમાં બહુ જ ચર્ચાતા મુદ્દા નેપથ્યમાં ચાલ્યા ગયા. દા.ત. સીએએના વિરોધનાં દેખાવો, ધરણાં નેપથ્યમાં ચાલ્યા ગયા. શાહીનબાગમાં ધરણાં પર બેઠેલી બહેનોએ જનતા કરફ્યૂના દિવસે શાહીનબાગ છોડી દીધું. મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકારનું પતન કોરોનાની મહામારીના સમાચારોમાં પાછળ ચાલ્યું ગયું. તા. ૨૨મીને રવિવારે કોરોના સામે લડવા દેશની પ્રજાને વડા પ્રધાનની જનતા કરફ્યૂ પાળવાની અને સમગ્ર દેશને લોકડાઉન કરવાની યોજનાને સમગ્ર દેશની જનતાએ,  વિપક્ષોએ પણ સમર્થન આપ્યું.

કોરોનાએ દેશને હાલપૂરતો તો એક કરી જ દીધો છે, ભવિષ્યની ખબર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન