કોરોનાથી તો બચી જશો પણ મોંઘવારીથી બચી શકશો? - Sandesh

કોરોનાથી તો બચી જશો પણ મોંઘવારીથી બચી શકશો?

 | 1:25 am IST

સમયની આરપાર : નરેન વઢવાણા

શક્ય છે જ્યારે તમે આ વાંચી રહ્યો હશો ત્યારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવોમાં સતત થઈ રહેલો વધારો તેની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હોય. છેલ્લાં ત્રણ અઠવાડિયાંમાં સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં એટલો વધારો કરી ચૂકી છે, જેટલો એપ્રિલ ૨૦૦૨માં આ ઇંધણોની કિંમતને સરકારી નિયંત્રણમાંથી બહાર કરવાના નિર્ણય પછી કોઈ એક અઠવાડિયામાં નથી વધ્યો.

એવું લાગે છે કે આફતમાં અવસરનું સૂત્ર આપનાર સરકારને પહેલાં જ ખ્યાલ આવી ગયો હતો કે આફ્ત આવવાની છે અને તે કમાણીનો મોટો અવસર હોઈ શકે છે. એટલે કોરોના વાઇરસનો ચેપ રોકવા માટે લોકડાઉન લાગુ થયાના દસ દિવસ પહેલાં ૧૪ માર્ચે ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલમાં ત્રણ-ત્રણ રૂપિયા એક્સાઈઝ ડયૂટી વધારી દીધી હતી. આ વધારા પછી સરકાર એક્સાઈઝ ડયૂટી વધારવાની એ મર્યાદા સુધી પહોંચી ગઈ જેની મંજૂરી તેને સંસદમાંથી મળી હતી. એટલે બરાબર સંસદનું બજેટસત્ર પૂરું થાય તે પહેલાં ૨૩ માર્ચે સરકારે એક દરખાસ્ત દ્વારા એક્સાઈઝ ડયૂટીમાં વધારો કરવાની મંજૂરી લઈ લીધી. ત્યારે તેને રૂટિન કામ માનવામાં આવ્યું. તેને ભવિષ્યના ઉપાય તરીકે જોવામાં આવી અને મોટાભાગના જાણકારોનું માનવું હતું કે સરકાર જરૂર પડયે ધીરેધીરે એક્સાઈઝ ડયૂટીમાં વધારો કરશે. મેના પહેલા અઠવાડિયામાં જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ પાણીના ભાવે મળી રહ્યું હતું અને તેની કિંમત ૨૦ ડોલર પ્રતિ બેરલ આસપાસ હતી, જે ૧૯૯૯ પછીનું સૌથી નીચલું સ્તર હતું, ત્યારે કેન્દ્ર સરકારે ૬ મેએ અચાનક પેટ્રોલ ઉપર ૧૦ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ઉપર ૧૩ રૂપિયા પ્રતિ લિટર એક્સાઈઝ ડયૂટી વધારી દીધી. એ રીતે કાચું તેલ સસ્તું થવાનો જે લાભ સામાન્ય માણસને મળવાનો હતો તે સરકારે લઈ લીધો. એ પછી વધીઘટી કસર રાજ્ય સરકારોએ પૂરી કરી દીધી. તેમણે કોરોના વાઇરસને કારણે ખજાનો ખાલી હોવાની દુહાઈ આપીને પેટ્રોલ, ડીઝલ પર વેટ વધારી દીધો. પેટ્રોલિયમ કંપનીઓને પણ સામાન્ય માણસનું લોહી ચૂસવાની છૂટ મળી ગઈ.

અને તેમણે ૦૭ જૂનથી ભાવની દૈનિક સમીક્ષા શરૂ કરી દીધી. અહીં દૈનિક સમીક્ષાનો અર્થ એ નથી કે કોઈ દિવસ ભાવ વધે અને કોઈ દિવસ ઘટે. તેમણે સતત ૧૮ દિવસ ભાવ વધાર્યા અને સરકારે એક્સાઈઝ ડયૂટી વધારીને તેમની પાસેથી જે વસૂલી કરી હતી તે તેમણે સામાન્ય માણસને ખંખેરીને વસૂલ કરવા માંડી. દિલ્હીમાં લોકો ૮૦ રૂ. પ્રતિ લિટરમાં જે પેટ્રોલ ખરીદી રહ્યા છે તેમાં ૫૧ રૂપિયા એટલે કે ૬૪ ટકા હિસ્સો કેન્દ્ર અને રાજ્ય સરકારોનો ટેક્સ છે. કેન્દ્ર સરકાર ૩૩ રૂપિયા અને રાજ્ય સરકાર ૧૮ રૂપિયા ટેક્સ વસૂલી રહી છે. એક લિટર ડીઝલ ઉપર ૫૦ રૂપિયા એટલે કે અંદાજે ૬૩ ટકા હિસ્સો ટેક્સનો છે, જેમાં કેન્દ્રના ૩૨ રૂપિયા અને દિલ્હી સરકારનો ભાગ ૧૮ રૂપિયા છે.

૬ વર્ષ પહેલાં ૧૬ મે, ૨૦૧૪ના દિવસે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ૧૦૮ ડોલર પ્રતિ બેરલ હતી ત્યારે પેટ્રોલનો ભાવ ૭૧.૪૧ રૂપિયા હતો, જેમાં કેન્દ્ર સરકારનો ટેક્સ ૯.૨૦ પૈસા હતો, આજે કાચું તેલ ૪૦ ડોલર પ્રતિ બેરલ છે અને પેટ્રોલનો ભાવ ૮૦ રૂપિયા પ્રતિ લિટર છે જેમાં સરકારનો ટેક્સ ૩૩ રૂપિયા છે. ૧૬ મે, ૨૦૧૪માં દિલ્હીમાં ડીઝલનો ભાવ ૫૫.૪૯ રૂપિયા હતો, જેમાં કેન્દ્ર સરકારનો ટેક્સ માત્ર ૩.૪૬ રૂપિયા હતો. આજે ડીઝલનો ભાવ ૭૯ રૂપિયા છે, જેમાં કેન્દ્ર સરકારનો ટેક્સ ૩૨ રૂપિયા છે. ડીઝલ ઉપર કેન્દ્રનો ટેક્સ છ વર્ષમાં ૮૨૦ ટકા વધ્યો છે.

કોઈપણ લોકહિતકારી સરકાર પાસેથી આશા રાખવામાં આવે છે કે તે મુશ્કેલીના સમયમાં પોતાના નાગરિકોની મદદ કરે, તેમની સમસ્યાઓને ઉકેલવાના પ્રયત્નો કરે અને આપી શકાય તેટલી રાહત આપે. પણ વર્તમાન સરકારે ઊલટાનું લોકોની મુશ્કેલીઓ વધારી છે. રાહતના નામે જે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તે મૂળે તો લોન સ્કીમ નીકળી. વિપક્ષો અને તમામ આર્થિક નિષ્ણાતોનો મત ફગાવીને ધરાર લોકોનાં બેંક ખાતાંમાં રૂપિયા ન નાખ્યા. ઊલટાનું લોકો પર મોંઘવારીનો બોજો નાખતી ગઈ.

આવું દુનિયાના કોઈ દેશમાં નથી થઈ રહ્યું. કોઈ દેશે આફ્તને આ રીતે અવસર નથી બનાવી. દુનિયાના સભ્ય દેશોમાં કોરોના વાઇરસની તપાસ મફ્ત થઈ રહી છે, સારવારની સુવિધાઓ સરકાર આપી રહી છે, લોકોના હાથમાં રોકડ રકમ મૂકવામાં આવી રહી છે, સરકારો કંપનીઓને રૂપિયા આપી રહી છે જેથી તે પોતાના કર્મચારીઓનો પગાર ન કાપે કે તેમની છટણી ન કરે, પરંતુ ભારતમાં આ બધાંથી તદ્દન ઊલટું થઈ રહ્યું છે. કોરોના ટેસ્ટના નામે લૂંટની છૂટ સ્વયં સરકારે દઈ રાખી છે. એક પછી એક મોંઘી દવાઓને સરકાર મંજૂરી આપતી જઈ રહી છે. દર્દીઓની સતત વધતી જતી સંખ્યા છતાં ખાનગી હોસ્પિટલોને ટેકઓવર નથી કરવામાં આવતી. તેમની મનફવે તેવી ફી પર પણ નિયંત્રણ લાદવામાં નથી આવતું.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન