ભારતમાં કોરોનાનું સંક્રમણ ટોચની સપાટીને પાર કરી ગયું : સરકાર - Sandesh
  • Home
  • India
  • ભારતમાં કોરોનાનું સંક્રમણ ટોચની સપાટીને પાર કરી ગયું : સરકાર

ભારતમાં કોરોનાનું સંક્રમણ ટોચની સપાટીને પાર કરી ગયું : સરકાર

 | 12:10 am IST

। નવી દિલ્હી ।

કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી વૈજ્ઞાનિકોની સમિતિએ રવિવારે દાવો કર્યો હતો કે, ભારતમાં કોરોનાનું સંક્રમણ ટોચની સપાટી વટાવી ગયું છે અને હવે કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સંભાવના છે કે ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં કોરોના મહામારીનો અંત આવી શકે છે. પ્રોફેસર એમ વિદ્યાસાગરના નેતૃત્વ હેઠળની સમિતિએ જણાવ્યું છે કે, ભારતમાં કોરોના સંક્રમણના કેસ ૧ કરોડ ૬ લાખથી વધે તેવી કોઇ સંભાવના દેખાતી નથી. પરંતુ જો તહેવારોની સિઝનમાં લાપરવાહી રાખવામાં આવશે તો કોરોના સંક્રમણ વકરી શકે છે અને મહિનાના ૨૬ લાખથી વધુ કેસ નોંધાઇ શકે છે.

દેશમાં લોકડાઉન લાગુ કરાયું ન હોત તો કોરોના મહામારીનો મૃતાંક ૨૫ લાખ સુધી પહોંચ્યો હોત.  સમિતિએ એવો પણ દાવો કર્યો છે કે દેશની ૩૦ ટકા વસતીમાં  કોરોનાના એન્ટીબોડી જોવા મળ્યાં છે જે દર્શાવે છે કે તેઓ  કોરોનાના વાઇરસથી સંક્રમિત થઇ ચૂક્યાં છે.

શિયાળામાં કોરોના સંક્રમણનો બીજો તબક્કો શરૂ થવાનું જોખમ : નીતિ આયોગ

નીતિ આયોગના સભ્ય ડો. વી કે પોલે જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા ૩ સપ્તાહમાં કોરોનાના કેસ અને મોતના આંકડામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. મોટાભાગનાં રાજ્યોમાં કોરોના મહામારી સ્થિર બની છે. જોકે, કેરળ, કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ અને પિૃમ બંગાળ તથા ૩-૪ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હજુ કોરોનાના કેસ વધી રહ્યા છે. પરંતુ આગામી શિયાળામાં કોરોના સંક્રમણનો બીજો તબક્કો શરૂ થવાનું જોખમ તોળાઇ રહ્યું છે. વિશ્વમાં ભારત સારી સ્થિતિમાં છે પરંતુ હજુ ૯૦ ટકા લોકો કોરોના સંક્રમણના જોખમ સામે લડી રહ્યા છે. શિયાળાની શરૂઆત થતાં જ યુરોપના દેશોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેથી ભારતમાં પણ કોરોનાના સંક્રમણનો બીજો તબક્કો નકારી શકાય નહીં. દેશમાં કોરોના મહામારીને નિયંત્રિત કરવાના પ્રયાસ કરતી નિષ્ણાતોની પેનલના વડા વી કે પોલે જણાવ્યું હતું કે, એકવાર કોરોનાની રસી તૈયાર થતાં નાગરિકોને સરળતાથી મળી રહે તે માટેના પૂરતા સ્ત્રોત સરકાર પાસે હશે.

ભારતમાં વાઇરસનું મ્યુટેશન થયું નથી : આરોગ્યમંત્રી

કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને રવિવારે જણાવ્યું હતું કે, ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના મ્યુટેશનનો કોઇ કેસ સામે આવ્યો નથી. આઇસીએમઆર આ વિષયમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહી છે. ડો. હર્ષવર્ધને કોરોના વાઇરસ વિશ્વના અન્ય દેશમાંથી ઉદભવ્યો છે તેવા ચીનના દાવાને નકારી કાઢતાં જણાવ્યું હતું કે, ચીની દાવાને પુરવાર કરતો કોઇ નક્કર પુરાવો ઉપલબ્ધ નથી. તેમણે તહેવારોમાં સાવચેતી રાખવા ચેતવણી આપી કેરળમાં વધેલા સંક્રમણનું ઉદાહરણ આપ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન