કોરોના વાઇરસ વિશ્વભરના એથ્લેટ્સનું સ્વપ્ન ચકનાચૂર કરશે - Sandesh
  • Home
  • Corona live
  • કોરોના વાઇરસ વિશ્વભરના એથ્લેટ્સનું સ્વપ્ન ચકનાચૂર કરશે

કોરોના વાઇરસ વિશ્વભરના એથ્લેટ્સનું સ્વપ્ન ચકનાચૂર કરશે

 | 11:25 pm IST

જીવલેણ કોરોના વાઇરસના કારણે વિશ્વભરના લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. કોરાનાના કારણે વિશ્વમાં લગભગ છ હજાર કરતાં વધારે લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા છે. આ વાઇરસની રમતજગત ઉપર ઘણી મોટી અસર પડી છે. ઓલિમ્પિકના વર્ષમાં લગભગ બે મહિનાના ગાળામાં અનેક ચેમ્પિયનશિપ તથા ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ સતત રદ કરવામાં આવી છે. ઘણી ટૂર્નામેન્ટને રિશિડયૂલ પણ કરવામાં આવી છે. કોરોનાની અસર જુલાઈમાં યોજાનારી ટોક્યો ઓલિમ્પિક ઉપર પણ પડી શકે છે. વાઇરસના ફેલાવાના કારણે જાપાનના લોકો ઘરઆંગણે યોજાનારા રમતોના મહાકુંભનો સતત વિરોધ કરી રહ્યા છે તો જાપાનીઝ પ્રાઇમ મિનિસ્ટર ટોક્યો ગેમ્સ નિર્ધારિત સમયે યોજાશે તેવી જીદ પકડીને બેઠા છે. જો ઓલિમ્પિક રદ થાય તો જાપાનને તો નાણાકીય રીતે મોટો ફટકો તો પડશે પરંતુ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ (આઇઓસી)ને પણ પડશે.

ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ને શરૂ થવામાં હવે પાંચ મહિના કરતાં પણ ઓછો સમય રહી ગયો છે અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું કોરોનાના ભય હેઠળ ગેમ્સ નિર્ધારિત સમયે શરૂ થઈ શકશે કે કેમ ? કોરોનાના કારણે ગ્લોબલ સ્પોર્ટિંગ કેલેન્ડરને પણ ઘણી મોટી અસર પડી છે અને આ કારણથી ઓલિમ્પિક ક્વોલિફિકેશન ઇવેન્ટ રદ કે સ્થગિત કરવામાં આવી છે. ગેમ્સ રદ થાય તો સૌથી મોટી અસર જાપાન તથા આઇઓસીને તો પડશે પરંતુ સાથે સાથે વિશ્વભરના એથ્લેટ્સને પણ સૌથી મોટો ફટકો પડશે. જો રદ થાય તો છેલ્લા ચાર વર્ષની તેમની મહેનત માથે પડશે. ટેનિસના ગ્રાન્ડસ્લેમ, ક્રિકેટના વર્લ્ડ કપ કે ફૂટબોલની ચેમ્પિયન્સ લીગ કે અન્ય મેજર ઇવેન્ટ પ્રત્યેક વર્ષ યોજાય છે તેથી ખેલાડીઓને કોઈ પ્રોબ્લેમ થતો નથી પરંતુ ઓલિમ્પિક ગેમ્સ પ્રત્યેક ચાર વર્ષે આવતી હોવાના કારણે ઘણા એથ્લેટ્સ આગામી ઓલિમ્પિકમાં ભાગ લઈ શકશે કે નહીં અથવા તો તે સમયે તેઓ પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં હશે કે નહીં તે સૌથી મોટો પ્રશ્ન છે.

ભારતના ઘણા એથ્લેટ્સ પોતાની તમામ ક્ષમતા દાવ પર લગાવીને ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવા સતત એક પછી એક ચેમ્પિયનશિપમાં ભાગ લઈને ક્વોલિફાય થઈ રહ્યા છે. કેટલીક ક્વોલિફિકેશન ઇવેન્ટ રદ થતાં ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવાનું તેમને સ્વપ્ન ધીમે ધીમે નજરો આગળથી ઓઝલ થઈ રહ્યું છે. ક્રિકેટ, ટેનિસ, ફૂટબોલના ખેલાડીઓને જલદીથી પ્રસિદ્ધિ મળી જાય છે પરંતુ ઓલિમ્પિકની ઇવેન્ટમાં ભાગ લેનારને ઘણી જલદીથી નામના મળતી નથી તેથી તેમના માટે આ સમય સૌથી કપરો છે તેમાં કોઈ શંકા નથી. ભારતના એથ્લેટ્સ ખાસ કરીને આર્ચરી, રેસલિંગ, એથ્લેટિક્સના જે રમતવીરો છે તેઓની સૌથી મોટી આશા ઓલિમ્પિક ઉપર છે કારણ કે તેઓ પણ આગામી ઓલિમ્પિકમાં ભાગ લઈ શકે તેવી નહિવત્ સંભાવના છે.

કોરોના વાઇરસના કારણે વિશ્વક્રિકેટની સૌથી પૈસાદાર ટી૨૦ લીગ પણ એપ્રિલની લગભગ મધ્ય સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. દેશના ઘણા યુવા ક્રિકેટર્સ માટે આઇપીએલ આવકનું સાધન છે કારણ કે આ લીગમાં તેમને પુષ્કળ નાણાં મળી રહ્યા છે જે તેમને લીગ રદ થાય તો મળશે નહીં. ટોક્યો ગેમ્સની વાત કરીએ તો આયોજકોએ ૩૦૦ કરોડ ડોલરના સ્થાનિક સ્પોન્સર શોધી કાઢયા છે અને હવે આ સ્પોન્સર પણ ધીમે ધીમે ચિંતિત થઈ રહ્યા છે. આ ઉપરાંત બ્રોડકાસ્ટર કંપનીએ મિલિયન્સ ઓફ ડોલરની ડીલ કરીને ઓલિમ્પિકના ટેલિકાસ્ટ રાઇટ હાંસલ કર્યા છે અને છેલ્લા ત્રણ મહિનાથી ઓલિમ્પિક અંગેની વિવિધ જાહેરખબર પણ શરૂ કરી દીધી છે. ઓલિમ્પિકના ઉદ્ઘાટન તથા સમાપન સમારોહની તમામ ટિકિટો વેચાઈ ચૂકી છે. જો ગેમ્સ રદ થાય તો આયોજકોને તમામ નાણાં પાછા આપવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ જશે. કરોડો ડોલર્સમાં આ ટિકિટો ખરીદવામાં આવી છે અને વિશ્વભરના રમતપ્રેમીઓ જુલાઈમાં ટોકિયો જવા માટે થનગની રહ્યા હતા પરંતુ કોરોના વાઇરસના ગ્રહણના કારણે હાલપૂરતું તો ટોક્યો ઓલિમ્પિક્સના આયોજન ઉપર પ્રશ્નાર્થ થયો છે તે હકીકત છે.

કવર પોઈન્ટ : રિપ્પલ એન. ક્રિસ્ટી

ripple18765gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન