કોરોના વાઇરસનાં લક્ષણ ન હોય તો પણ ચેપ કેમ લાગે? - Sandesh
  • Home
  • Kids Corner
  • કોરોના વાઇરસનાં લક્ષણ ન હોય તો પણ ચેપ કેમ લાગે?

કોરોના વાઇરસનાં લક્ષણ ન હોય તો પણ ચેપ કેમ લાગે?

 | 2:10 am IST

જ્ઞાન-વિજ્ઞાન : માખન ધોળકિયા

કોરોના વાઇરસ પોતાનું રૂપ બદલીને વધુ કાતિલ બનેલો ફ્લૂ જાતિનો વાઇરસ છે. એ આપણા શરીરમાં શ્વાસ દ્વારા મોટેભાગે પ્રવેશ કરે છે. આંખ દ્વારા પણ એ શરીરમાં ઘૂસણખોરી કરે છે. એટલે જ કોરોનાથી બચવા માટે ડોક્ટરો કહે છે કે હાથ-પગ-મોં સાબુથી બરાબર ધોઈને કોઈ જાતનું સેનિટાઈઝર લગાવ્યા વગર તમારા હાથ આંખ, નાક કે મોંમાં નાંખવા નહીં.

અત્યારે તો જેને શરદી-ફ્લૂ ન હોય તેવા માણસની પણ નજીક ન જવું, કારણ કે કોરોના વગર પણ સામાન્ય રીતે ઉધરસ કે છીંક બધાને આવતાં જ હોય છે. એમાં ખબર શી રીતે પડે કે એ માણસની ઉધરસ કે છીંકમાં કોરોના વાઇરસ છે કે નહીં !

મોટેભાગે નાક દ્વારા કે મોં દ્વારા શ્વાસ ખેંચાય ત્યારે કોરોના હવા સાથે આપણા શરીરમાં ઘૂસી આવે છે. નાક અને મોં વાટે આવી કોઈ ઘૂસણખોરી ન થઈ જાય એટલા માટે આપણા નાકમાં બારીક વાળની ઝાડી હોય છે. એમાં થઈને જ શ્વાસ પસાર થતો હોય છે. આ ઝાડીના વાળ પર ચીકણું પ્રવાહી સતત આવતું રહે છે. જેથી વાઈરસ આવે તો પણ વાળ પર ચોંટી જાય. આપણા શરીરના શ્વેતકણ અને રસાયણો મારીમારીને ખતમ કરવા માંડે.

આવું જ ચીકણું પ્રવાહી આપણા ગળામાં શ્વાસનળીના પ્રવેશદ્વાર ઉપર પણ હોય છે. કોઈપણ રસ્તે અંદર ઘૂસી આવેલો વાઇરસ આખરે આપણાં ફેફસાંમાં પહોંચવા માગતો હોય છે. ત્યાંના કોષમાં એ અડ્ડો જમાવે છે અને ફેફસાંના કોષને બરબાદ કરતો જાય છે.

આપણે જોયું એમ ફેફસાંમાં ઘૂસણખોરી કરવી સહેલી નથી. એટલે નાક-મોંમાં ઘૂસી આવેલો વાઇરસ નાક અને ગળા વચ્ચે સાઇનસમાં અડ્ડો જમાવે છે. સાઇનસની રચના એકબીજામાં ગૂંથાયેલા પાર વગરનાં બોગદાં જેવી હોય છે. કોરોના વાઇરસ અહીં અડ્ડો જમાવે છે. અહીં વસતી વધારો કરવા પ્રયાસ કરે છે. આ દરમિયાન આપણા શરીરનું લશ્કર તેને બહાર ફેંકી દેવા ઉધરસ અને છીંકના આંચકા આપતું રહે છે.

વાઇરસ ફેફસાંમાં પહોંચ્યા પછી તો છીંક અને ઉધરસ ખૂબ વધી જાય છે.

છીંક અને ઉધરસની આ ક્રિયા ચેપ લાગ્યાના થોડા કલાકમાં જ ચાલુ થઈ જાય છે અને ત્યારથી જ વાઇરસ છીંક અને ઉધરસના સૂક્ષ્મ, અત્યંત બારીક જળકણો સાથે બહાર ફેંકાવા લાગે છે. હજી જેને ચેપ લાગ્યો છે એને માંદગીનાં કોઈ લક્ષણ જણાતાં નથી. ચેપ લાગ્યા પછી બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ કે ૧૧ દિવસમાં લક્ષણો દેખાય છે. ત્યાં સુધી એ અજાણતાં જ પોતાની છીંકો અને ઉધરસ વડે આસપાસના લોકોમાં કોરોના વાઇરસ ફેલાવતો રહે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન