Corona Virus Havoc In US Corpses Line In New York Funeral Homes
  • Home
  • Corona live
  • USમાં કોરોનાનો હાહાકાર, ન્યૂયોર્કમાં લાશોના ઢગલા, મૃતદેહો રાત્રે બહાર કઢાય છે જેથી કરીને…

USમાં કોરોનાનો હાહાકાર, ન્યૂયોર્કમાં લાશોના ઢગલા, મૃતદેહો રાત્રે બહાર કઢાય છે જેથી કરીને…

 | 5:25 pm IST

અમેરિકામાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના વાયરસનો ગઢ બની ગયેલા અમેરિકાના ન્યૂયોર્કમાં કોરોના વાયરસ ના સંક્રમણના કારણે છેલ્લા 24 કલાકમાં 1169 લોકોનાં મોત થયા છે. અત્યાર સુધીમાં માત્ર ન્યૂયોર્કમાં જ કોરોના વાયરસના કારણે 2500 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે આખા અમેરિકામાં અત્યાર સુધીમાં અહીં કોવિડ-19 એ 5000થી વધુ લોકોનો ભોગ લીધો છે. જ્યારે બે લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત હોવાના આંકડા સામે આવ્યા છે.

ન્યૂયોર્ક સૌથી વધુ પ્રભાવિત શહેર છે. મૃત્યુઆંક એ હદે વધી રહ્યો છે કે ફ્યૂનરલ હોમ્સમાં મૃતદેહોને રાખવા માટે આકરો સંઘર્ષ કરવો પડી રહ્યો છે. પેટ માર્મો ડેનિયલ શેફર ફ્યૂનરલ હોમનો માલિક છે. તેણે જણાવ્યું કે મૃતદેહોને એટલી હદે ભરાવો થઈ ગયો છે કે અંદર ચાલવાની પણ જગ્યા નથી રહી.

મૃતદેહોને રાત્રે બહાર કઢાય છે

ન્યૂયોર્કની માઉંટ સિનાઈ હોસ્પિટલમાં મૃતદેહોને બહાર કાઢવા માટે મોટી સંખ્યામાં સ્વાસ્થ્યકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તેઓ રાત્રે પોતાનું કામ કરે છે જેથી કરીને લોકોમાં ડર ના ફેલાય. એક તરફ ન્યૂયોર્કમાં સ્વાસ્થ્ય સેવા ખોરવાઈ ગઈ છે જ્યારે બીજી બાજુ કોરોનાથી મોતને ભેટેલાઓના મૃતદેહોને દફનાવવા માટે તેમના પરિજનોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કબ્રસ્તાનો પણ મૃતકોના પરિવારજનોને એક અઠવાડિયા સુધીની તારીખો આપી રહ્યાં છે.

શબઘરમાં પગ મુકવાની પણ જગ્યા નહીં

આ મહામારી વચ્ચે પણ ફ્યૂનરલ હોમના કર્મચારીઓને તમામ દસ્તાવેજોની ચકાસણી અને જરૂરી કાર્યવાહી કરતાં જોવા મળે છે. આ ફ્યૂનરલ હોમ્સમાં મૃતદેહોને તમામ ધાર્મિક સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવે તેની તૈયારી હાથ ધરવામાં આવે છે. ફ્યૂનરલ હોમમાં પગ મૂકવાની જગ્યા ન હોવા છતાંય સતત મૃતદેહો આવી રહ્યા છે તેથી કર્મચારીઓ વધુ કપરી સ્થિતિમાં મૂકાયા છે. પૂરી તકેદારી રાખતાં મૃતદેહોને પ્રોટેક્ટિવ પ્લાસ્ટિકમાં બાંધવામાં આવે છે. ત્યારબાદ ફ્યૂનરલ માટે તેની કતારમાં ગોઠવવામાં આવે છે. ફ્યૂનરલ હોમમાં મૃતદેહોને નજીક-નજીક રાખવા ફરજ પડી રહી છે. ફ્યૂનરલ હોમના કર્મચારીઓને પોતાની જાત સાચવીને આ કપરી પરિસ્થિતમાં પોતાનું કામ પાર પાડવું પડે છે.

અહીં  કોરોનાનો ભોગ બનેલા લોકોના મૃતદેહો જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે ફ્યૂનરલ હોમ 40થી 60 કેસ એક સાથે સંભાળી શકે છે પરંતુ હાલ તે આંકડો 185 સુધી પહોંચી ગયો છે. ફ્યૂનરલ હોમના માલિક પેટનું કહેવું છે કે, અમે અહીં તમામ તકેદારીના પગલાં લઈ રહ્યા છીએ. પરંતુ જે રીતે મૃતદેહો આવી રહ્યા છે તેનાથી અમારી મુશ્કેલી સતત વધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન