Corona Virus infection through By Air
  • Home
  • Featured
  • કોરોના વાયરસને લઇને થયો અત્યાર સુધીનો સૌથી મોટો ડરામણો ખુલાસો થતા ફફડાટ

કોરોના વાયરસને લઇને થયો અત્યાર સુધીનો સૌથી મોટો ડરામણો ખુલાસો થતા ફફડાટ

 | 6:50 am IST

। બેઈજિંગ ।

ચીન સહિત આખી દુનિયામાં હાહાકાર મચાવનાર જીવલેણ કોરોના વાઇરસ અંગે ચીનના અધિકારીઓએ કરેલા ચોંકાવનારા ખુલાસાએ વિશ્વભરના મેડિકલ જગતની ઊંઘ ઉડાડી મૂકી છે. શાંઘાઈના અધિકારીઓએ જણાવ્યું છે કે કોરોના વાઇરસ હવા દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે ફેલાય છે અને માનવીઓમાં ચેપ ફેલાવી રહ્યા છે. હવાના સૂક્ષ્મ રજકણો સાથે કોરોના વાઇરસ ભળીને અન્ય સ્થળે સંક્રમણ કરે છે. આ પ્રોસેસને એરોસોલ ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. અત્યાર સુધી કોરોનાના ડાયરેક્ટ સંક્રમણ કે કોન્ટેક્ટ ટ્રાન્સમિશનની પુષ્ટિ થઈ હતી પણ હવા દ્વારા તેનાં સંક્રમણના ખુલાસાથી વિશ્વના તમામ દેશોમાં ફફડાટ ફેલાયો છે.

શાંઘાઈ સિવિલ એફેર્સ બ્યૂરોના ડેપ્યુટી હેડે કહ્યું હતું કે એરોસોલ ટ્રાન્સમિશનનો મતલબ એવો થાય કે કોરાના વાઇરસ હવામાં હાજર રહેલા સૂક્ષ્મ કણો સાથે મળીને એરોસોલ બનાવે છે. મેડિકલ નિષ્ણાતોના મતે આને કારણે વ્યક્તિને ચેપ લાગે ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આથી લોકોને આનાં સંક્રમણથી સજાગ રહેવા અપીલ કરાઈ છે. ડાયરેક્ટ ટ્રાન્સમિશનમાં જેને ચેપ લાગ્યો હોય તે વ્યક્તિ છીંક ખાય અથવા તો ખાંસી ખાય ત્યારે તેની નજીક રહેલી વ્યક્તિમાં કોરોના વાઇરસ હવા દ્વારા પ્રવેશ કરે છે અને ફેલાય છે.

૧૫ જાન્યુઆરી પછી ચીન ગયેલા વિદેશીઓને ભારતમાં પ્રવેશબંધી

ભારત સરકારે ૧૫ જાન્યુઆરી પછી ચીન ગયેલા વિદેશીઓને ભારતમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે એર ક્રૂને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. પાંચ ફેબ્રુઆરી પહેલા ચીનના નાગરિકોને આપવામાં આવેલા તમામ વિઝા રદ કરાયા છે. ભારતે નેપાળ, ભુતાન, બાંગ્લાદેશ, મ્યાન્મારની બોર્ડર સહિત હવાઈ માર્ગે કે બંદર ખાતેથી ચીન ગયેલા વિદેશીઓને ભારતમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

ચીનથી આયાતી ખાદ્યચીજોના વપરાશ કરનાર મુંબઈની ચાઇનીઝ રેસ્ટોરાં પર તવાઈ

મુંબઈ સહિત દેશનાં મોટાં શહેરોમાં આવેલી ચાઇનીઝ રેસ્ટોરાંમાં ચીનથી આયાતી ખાદ્યચીજોનો વપરાશ કરાય છે કે કેમ તેની હવે લોકો પૂછપરછ કરી રહ્યા છે. કોરોના વાઇરસ પછી ભારતનાં સ્વાદનાં શોખીનો પોતાનું આરોગ્ય જાળવવા માટે વધુ જાગૃત બન્યા છે અને ચાઇનીઝ ડિશ કે વાનગીઓ ખાવાનું બંધ કર્યું છે. ચાઇનીઝ રેસ્ટોરાંમાં ભોજન લેવા જનારાઓ પહેલા તપાસ કેર છે કે ત્યાં કોઈ ચાઇનીઝ ચીજોનો ઉપયોગ થતો નથી ને? લોકોએ ચાઇનીઝ વાનગીઓના ઓર્ડર આપવાનું બંધ કર્યું છે.

વિશ્વમાં ૩૭,૫૦૦થી વધુ લોકો પ્રભાવિત

ચીનનાં જીવલેણ કોરોના ઔવાઇરસને કારણે ૮૧૨ લોકોનાં મોત થયાં છે. આમ સાર્સ કરતા કોરોનાથી મોતનો આંકડો વધી ગયો છે. હુબેઈમાં જ ૭૮૦ લોકોનાં મોત થયાં છે. ચીનમાં જ ૩૭,૧૯૮ લોકોને તેનો ચેપ લાગ્યો છે જ્યારે આખા વિશ્વમાં ૩૭,૫૦૦થી વધુ લોકોને તેની અસર થઈ છે. યુએઈમાં કોરોનાના બે નવા કેસ નોંધાયા છે. હોંગકોંગમાં એકનું મોત થયું છે. મકાઉમાં ૧૦ કેસ નોંધાયા છે. બીજી તરફ ચીનમાં ફસાયેલા ૧૭૧ નાગરિકોને ત્યાંથી બચાવીને પાછા લાવવાની યોજના બાંગ્લાદેશે પડતી મૂકી છે. બાંગ્લાદેશની એરલાઇન્સના ક્રૂ મેમ્બર્સ દ્વારા ચીની લોકોને પાછા લાવવાનો ઇનકાર કરાયો હતો.

કોરોના થી ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી પર ખતરો,  અત્યાર સુધીમાં ૩,૫૦૦ કરોડનાં નુકસાનની આશંકા

કોરોના વાઇરસના કારણે ઓટો પાર્ટની અછતના એક તરફ સાઉથ કોરિયામાં વિશ્વનો સૌથી મોટો ઓટો પ્લાન્ટ બંધ કરી દેવો પડયો છે ત્યારે બીજી તરફ કોરોના વાઇરસના ચેપની અસર ટૂરિઝમ સેક્ટરને પણ પડી છે. ભારતીય ટૂર ઓપરેટરોને આ ચેપના કારણે આશરે ૫૦૦ મિલિયન ડોલર (આશરે ૩,૫૦૦ કરોડ રૂપિયા)નું નુકસાન થઈ શકે છે. જો ચેપની પરિસ્થિતિ આખું વર્ષ બની રહે તો ટૂર ઓપરેટરોને ૨,૦૦૦ મિલિયન ડોલર (આશરે ૧૪,૦૦૦ કરોડ રૂપિયા)નું નુકસાન થઈ શકે છે. કોરોના વાઇરસના કારણે ચીન અને અન્ય દેશોથી આવનારા ટૂરિસ્ટો ટિકિટ કેન્સલ કરાવી રહ્યા છે અને એથી ટૂરિઝમ અને હોટેલ ઈન્ડસ્ટ્રીને મોટું નુકસાન થઈ રહ્યું છે. ચીન અને હોંગકોંગ માટે એર ઇન્ડિયાએ તમામ ફ્લાઇટો રદ કરી દીધી છે, ઇન્ડિગોએ ૨૦ ફેબ્રુઆરી સુધીની ફ્લાઇટો કેન્સલ કરી દીધી છે.

દક્ષિણ ભારતનાં બુકિંગ રદ

ભારતમાં કોરોના વાઇરસના ત્રણ કેસ કેરળમાં નોંધાયા છે અને તેથી વિદેશી પર્યટકો કેરળ અને બીજાં દક્ષિણનાં રાજ્યોમાં જવા તૈયાર નથી. આના પગલે હોટેલ બુકિંગ કેન્સલ કરાવાઈ રહ્યાં છે. સ્થાનિક ટૂરિસ્ટો પણ દક્ષિણ ભારતનાં રાજ્યો માટે કરાવાયેલાં અગાઉનાં બુકિંગ રદ કરાવી રહ્યાં છે.

ચીનના ૨.૮ લાખ ટૂરિસ્ટ 

ભારતમાં આવીને વધારે ખર્ચ કરતા ટોપ-૧૦ વિદેશી પ્રવાસીઓમાં ચાઇનીઝનું પણ સ્થાન છે. ટૂર ઓપરેટરોનું કહેવું છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ભારતમાં આશરે ૫૦,૦૦૦ ચાઇનીઝ ટૂરિસ્ટ આવવાના હતા પણ તેમનાં બુકિંગ રદ થયાં છે.

રશિયાના મીડિયાએ કોરોના વાઇરસના ફેલાવા માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું

રશિયાનાં મીડિયાએ વિશ્વમાં અને ખાસ કરીને એશિયાના દેશોમાં કોરોના વાઇરસના ફેલાવા માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું છે. રશિયાના મીડિયા અધિકારીઓએ દાવો કર્યો હતો કે અમેરિકાએ જ્યોર્જિયામાં એક પ્રયોગશાળા બનાવી હતી જેમાં માનવીઓ પર જૈવિક હથિયારોનું પરીક્ષણ કરાયું હતું. કોરોના શબ્દનો અર્થ લેટિન અને રશિયન ભાષામાં શાસક એવો થાય છે.

કોરોનાના ફફડાટથી બેઇજિંગ, શાંઘાઈમાં ભૂતિયા શહેર જેવો સન્નાટો

કોરોનાના ફફડાટથી લોકોની અવરજવર અને વાહનવ્યવહારથી ભીડથી વ્યસ્ત રહેતા ચીનનાં શહેરો બેઇજિંગ અને શાંઘાઈ ભૂતિયા શહેરમાં ફેરવાઈ ગયાં છે. આ બંને શહેર સહિત ચીનના અનેક શહેરમાં આશરે ૬ કરોડથી વધુ લોકો પોતાનાં ઘરમાં જ ભરાઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન