Corona Virus May Kill 34000 People in India Till August : Study
  • Home
  • Corona live
  • … તો ભારતમાં 34,000 લોકોના મોત, કોરોનાનું આ રિસર્ચ એકદમ ડરામણું

… તો ભારતમાં 34,000 લોકોના મોત, કોરોનાનું આ રિસર્ચ એકદમ ડરામણું

 | 12:43 pm IST

કોરોના વાયરસના કારણે બે પાડોશી દેશો ભારત અને પાકિસ્તાનમાં કોહરામ મચી ગયો છે. ભારતમાં ચોથી વખત લોકડાઉન લાગ્યા બાદ પણ કોરોના વાયરસના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. બીજી તરફ પાકિસ્તાન પણ કોરોના વાયરસથી બેહાલ છે. હવે એક સંશોધનનો અંદાજો છે કે જો કોરોના વાયરસ બંને દેશોમાં સમાન દરે વધતો રહ્યો તો ઓગસ્ટ સુધીમાં ભારતમાં મોતનો આંકડો 34000 અને પાકિસ્તાનમાં 5000નો આંક વટાવી જશે.

અમેરિકાના યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના સંક્રમક રોગ નિષ્ણાત ફહીમ યુનુસના મતે ભારત અને પાકિસ્તાનમાં કોરોના વાયરસના કેસો ખૂબ જ ઝડપી દરે વધી રહ્યા છે. જો બંને દેશોના આંકડા આ જ રીતે વધતા રહેશે તો 4 ઓગસ્ટ સુધીમાં કોરોના વાયરસના લીધે મોતનો આંકડો અનેકગણો વધી જશે. તેમણે અનુમાન લગાવ્યું કે 4 ઓગસ્ટ સુધીમાં ભારતમાં કોરોના વાયરસથી 34155 લોકોના મોત થઇ જશે.

હાલની પરિસ્થિતિ જોઈએ તો ભારતમાં લોકડાઉન 4 માં કોરોનાના નવા કેસે જોર પકડ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી દરરોજ 4 હજારથી વધુ નવા કેસો સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોના પીડિતોની સંખ્યા 1,18,447 છે જ્યારે 48,534 લોકો આ જીવલેણ રોગથી સાજા થયા છે. કોવિડ -19 એ 3583 લોકોના જીવ લઇ લીધા છે.

કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 334,680 લોકોનાં મોત

યુનુસે કહ્યું કે 4 ઓગસ્ટ સુધીમાં પાકિસ્તાનમાં કોરોના વાયરસના લીધે 5332 લોકોનાં મોત થઇ શકે છે. પાકિસ્તાનમાં હાલના સમયમાં કોરોના વાયરસના 50,694 કેસ સામે આવ્યા છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસથી 1066 લોકોનાં મોત થયા છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસો સિંધ પ્રાંતમાં આવ્યા છે. ત્યારબાદ પંજાબનો નંબર આવે છે. આખી દુનિયાની વાત કરીએ તો કોરોના વાયરસને કારણે 334,680 લોકોનાં મોત નીપજ્યાં છે.

બ્રાઝિલ આ મહામારીનો નવો ગઢ બનીને સામે આવ્યો છે. બ્રાઝિલમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 20,000 વટાવી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં 24 કલાકમાં સૌથી વધુ મોત થયા છે. આ દેશ લેટિન અમેરિકામાં કોરોના વાયરસનું કેન્દ્ર છે અને એક દિવસમાં 1188 લોકોના મોતની સાથે કુલ આંક 20,047 પર પહોંચી ગયો છે. બ્રાઝિલમાં સંક્રમણના 3,10,000 થી વધુ કેસ છે.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદમાં વિસ્તાર પ્રમાણે પોઝિટીવ કેસની સંખ્યા વિશે જાણીએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન