Corona virus spreads in Gandhinagar due to local transmission, 7 people positive
  • Home
  • Gandhinagar
  • લોકલ ટ્રાન્સમીશનના કારણે ગાંધીનગરમાં કોરોના વાયરસ પ્રસર્યો, 7 લોકો પોઝિટિવ

લોકલ ટ્રાન્સમીશનના કારણે ગાંધીનગરમાં કોરોના વાયરસ પ્રસર્યો, 7 લોકો પોઝિટિવ

 | 9:54 pm IST

રાજ્યના પાટનગર ગાંધીનગરને સેક્ટર-29ના એક યુવાનના કારણે કોરોનાનું ગ્રહણ લાગી ગયું. આજે યુવાનના કોરોનાના બિછાને પડેલા ફુઆના 80 વર્ષીય માતાનું પણ કોરોના પોઝીટીવ આવતાં આ સાથે ગાંધીનગરમાં કોરોનાના સાત પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે. અને આ તમામ દર્દીઓ એક જ પરિવારના છે. યુવાનના સંપર્કમાં આવેલા તમામ લોકોને સરકારી ફેસેલેટી હેઠળ ક્વોરોન્ટાઈન કરાયા છે. તેમાં આજે વૃધ્ધાનો રિપોર્ટ પણ પોઝીટીવ આવતાં તેમને ગાંધીનગર સિવીલમાં ખસેડવામાં આવ્યા છે.

સેક્ટર-29નો યુવાન ઉમંગ પટેલ પોતાની પત્ની સાથે દુબઈ ચાર દિવસના પ્રવાસે ગયેલો અને પરત આવ્યા પછી તેના સંપર્કના કારણે અત્યાર સુધીમાં કોરોનાના જે સાત કેસો નોંધાયા તે તમામ લોકલ ટ્રાન્સમીશનના કારણે થયા હોવાનું સામે આવ્યું છે.

હવે તો આરોગ્ય તંત્રના પણ ધબકારા વધી ગયા છે. ઉમંગ પટેલ દુબઈથી આવ્યા બાદ હોમ ક્વોરોન્ટાઈન રહેવાને બદલે બધાના સંપર્કમાં રહ્યો અને તેના કારણે ગાંધીનગરમાં સ્થિતી વણસતી દેખાય રહી છે. ઉમંગ પટેલ તેની પત્ની, દાદી, પિતા, ફોઈ-ફુઆ બાદ ફુઆ અશોક પટેલની માતા શારદાબેન પટેલ (ઉ.વ. 80) કોરોનામાં સપડાયા છે. યુવાનના સંપર્કમાં આવેલા 20 જેટલા લોકો ચ-5 પાસે આવેલી સ્ટાફ ટ્રેનીંગ કોલેજ ખાતે ક્વોરોન્ટાઈન ફેસેલિટીમાં ખસેડવામાં આવ્યા છે.

કોરોના સંક્રમિત અશોક પટેલના માતાને પણ આ જગ્યાએ જ એક રૂમમાં અલગથી ક્વોરોન્ટાઈનમાં રખાયા હતા. તેમને કફની ફરિયાદ હતી જેને લઈને ગઈકાલે તેમના સેમ્પલ કોરોના પરીક્ષણ માટે અમદાવાદ સિવીલ ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યાં આજે સવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને તુરત જ ગાંધીનગરની સિવીલમાં આઈસોલેશન વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની સત્તાવાર વિગતો છે.

કોરોનાની મહામારી હોવા છતાં બેદરકારી દાખવવા બદલ ઉમંગ પટેલ સહિત ચાર લોકો સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલી છે. આજે આ એક જ પરિવારના કારણે સમગ્ર ગાંધીનગર શહેર એક દહેશત હેઠળ આવી ગયું છે. ઉમંગ પટેલના સંપર્કમાં આવેલા લોકો પણ કંઈક અંશે અંદરથી ફફડી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ : ગાંધીનગરના ચ-0 સર્કલ પાસે પોલીસ દ્રારા સઘન ચેકિંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન