કોરોના વાઇરસ દુનિયાના ૧૬ કરોડ લોકોનો ભોગ લેશે ? - Sandesh
  • Home
  • Columnist
  • કોરોના વાઇરસ દુનિયાના ૧૬ કરોડ લોકોનો ભોગ લેશે ?

કોરોના વાઇરસ દુનિયાના ૧૬ કરોડ લોકોનો ભોગ લેશે ?

 | 12:41 am IST

સ્નેપ શોટ : મયૂર પાઠક

કોરોના વાઇરસે તેનું વિકરાળ સ્વરૂપ ચીન પછી યુરોપનાં દેશો ઇટલી, સ્પેન તથા ઇરાન, અમેરિકા, યુકેને બતાવી દીધું છે. આ દેશોની હાલત ખૂબજ ખરાબ છે. હકીકતમાં તો દુનિયાભરના દેશોની હાલત અત્યારે બગડી રહી છે. દુનિયામાં ૨૮ માર્ચે ૬,૧૪,૪૫૪ કોરોના વાઇરસના પોઝિટિવ કેસો નોંધાયા છે. દુનિયામાં મોતનો આંકડો હવે ૨૮,૨૪૪ પર પહોંચી ગયો છે. કોરોના વાઇરસ કેટલી ઝડપે દુનિયામાં ફેલાઇ રહ્યો છે તે એ વાત પરથી ખબર પડે છે કે જાન્યુઆરીની ૨૦મી તારીખે કોરોના વાઇરસના કારણે દુનિયામાં એકપણ મોત નોંધાયું ન હતું. ત્યારબાદના ૬૮ દિવસોમાં જ એટલે કે માર્ચની ૨૮મી તારીખે દુનિયામાં મોતનો આંકડો ૨૮,૨૪૪ પર પહોંચી ગયો છે. આવનારા દિવસોમાં આ મોતનો આંકડો કેટલો વધશે તેની કોઇને કલ્પના નથી. પરંતુ જે પ્રકારનો ગ્રાફ બની રહ્યો છે તે જોતાં દુનિયાના કોરોના કેસ પર સંશોધન કરનાર તજજ્ઞાોને ભયંકર ચિંતા થઇ રહી છે. જાણકારો કહે છે કે, કોરોના વાઇરસને કારણે આગામી દિવસોમાં અમેરિકામાં દસ લાખથી વધારે અને યુકેમાં અઢી લાખથી વધારે લોકોની મોત થઇ શકે છે. આવી વાત કોઇ પેનિક ફેલાવવા માટે નથી લખાઇ રહી પરંતુ બ્રિટનનાં એપિડેમિક નિષ્ણાતો દ્વારા કરાયેલા એક રિસર્ચમાં આવી વાત કરવામાં આવી છે.

દુનિયાભરમાં કોરોના કેવો આતંક ફેલાવવાનો છે તેની વાતો હવે વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે. લંડનની ઇમ્પિરિયલ કોલેજની  કોરોના વાઇરસ રિસ્પોન્સ ટીમ દ્વારા એક રિસર્ચ પેપર બહાર પાડવામાં આવ્યું છે. આ રિસર્ચ પેપરમાં જ  દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાઇરસના પ્રકોપને તેજીથી રોકવાને બદલે તેને ધીમો કરવાની સરકાર દ્વારા જે કોશિશ થઇ રહી છે તેના કારણે યુકેની હોસ્પિટલોમાં બેડની સંખ્યા ઓછી પડશે તેટલા પેશન્ટ્સ આવશે. યુકેમાં અંદાજે અઢી લાખ અને અમેરિકામાં દસ લાખથી વધારે વ્યક્તિઓના મોત નીપજી શકે છે. આ રિસર્ચ પેપરમાં કોરોના એપિડેમિકની સામે લડવાની રણનીતિની પણ માહિતી આપવામાં આવી છે. યુકેના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વોલેન્સે મંગળવારે એ વાતને સમર્થન આપ્યું છે કે,ઇમ્પિરિયલ કોલેજ દ્વારા યુકેની સરકારને એક રિસર્ચ પેપર અભ્યાસ માટે આપવામાં આવ્યું છે અને તેનો સરકાર અભ્યાસ કરી રહી છે.

યુકેથી આવેલી આ ચોંકાવનારી વાત કરતાં પણ વધુ ખતરનાક વાત એક અમેરિકી વૈજ્ઞાનિકે કરી છે. લૈરી બ્રિલિયન્ટ નામના આ વૈજ્ઞાનિકે આજથી ચૌદ વર્ષ પહેલાં ૨૦૦૬માં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે , હવે આવનારાં વર્ષોમાં એક મહામારી દુનિયાની લગભગ ૧૦૦ કરોડની વસતીને પોતાની ઝપેટમાં લેશે અને તેના કારણે દુનિયાના ૧૬ કરોડ લોકોનાં મોત નીપજશે. આ મહામારીને કારણે દુનિયાની અર્થવ્યવસ્થા પર પણ ગંભીર અસરો પડશે અને લોકોની નોકરીઓ પણ જતી રહેશે. જેના કારણે દુનિયાભરમાં ડિપ્રેશનનો ગાળો શરૂ થશે.

વૈજ્ઞાનિક લૈરી બ્રિલિયન્ટ એ કોઇ સાધારણ વ્યક્તિ નથી. દુનિયામાં સ્મોલપોક્સ (શીતળા)ની બીમારીને હરાવવામાં આ વૈજ્ઞાનિકનું મહત્વનું યોગદાન છે. અત્યારે લૈરી એન્ડિંગ એપિડેમિક્સના ચેરમેન છે અને WHOની સાથે ઇન્ફેક્ટેડ ડિસિસીઝ પર કામ કરી રહ્યાં છે. આવા તજજ્ઞા વૈજ્ઞાનિક લૈરીનો ઇન્ટરવ્યૂ તાજેતરમાં લેવામાં આવ્યો હતો અને તેમાં તેમણે ઘણી બધી માહિતી આપી છે.

લૈરીને જ્યારે પૂછાયું કે ૨૦૦૬માં તમે ચેપીરોગને કારણે ૧૬ કરોડ લોકોના મોત થવાની આગાહી કરી ત્યારે કોઇએ તમારી વાતને ગંભીરતાથી લીધી ? લૈરીએ કહ્યું કે, દુનિયાભરનાં વૈજ્ઞાનિકો આ બીમારી અંગે જવાબદારોને સાવચેત કરવા પ્રયત્ન કરી રહ્યાં હતાં. એ નક્કી હતું કે બીમારી આવવાની છે પરંતુ ક્યારે આવવાની છે તેની જાણકારી અમારી પાસે ન હતી. લોકોને સમજાવવાનું મુશ્કેલ હતું. પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પ જેવી વ્યક્તિ પણ સમજી ના શક્યાં અને તેમણે રાષ્ટ્રિય સુરક્ષા પરિષદમાંથી એડમિરલને જ આઉટ કરી દીધાં. ત્યારબાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે દુનિયાના ગરીબ દેશોને ફળવાતું ફંડ પણ અટકાવી દીધું. આ બતાવે છે કે આપણે એપિડેમિક માટે તૈયાર નથી.

લૈરીને પૂછાયું કે કોરોના વાઇરસને NOVEL કેમ કહેવામાં આવે છે ? ત્યારે વૈજ્ઞાનિક લૈરીએ કહ્યું કે, કોરોના વાઇરસ કોઇ કાલ્પનિક વાર્તામાંથી આવ્યો નથી. આ વાઇરસને નોવેલ એટલા માટે નામ આપ્યું છે કે આ વાઇરસ નવો છે. આખી દુનિયામાં એકપણ વ્યક્તિ એવી નથી કે આ વાઇરસ માટે તેની અંદર ઇમ્યૂનિટી હોય. કોઇપણ રોગ સામે ઇમ્યૂનિટી ત્યારે ડેવલોપ થાય છે કે જ્યારે એ બીમારીની સામે આપણું શરીર એક વખત લડી ચૂક્યું હોય, એટલે કોરોના વાઇરસ અત્યારે દુનિયાના ૭૮૦ કરોડ લોકો માટે ખતરારૂપ છે.

લૈરીને જ્યારે પૂછાયું કે અત્યારે જે ઘરમાં રહેવાની અને લોકોથી છ ફૂટ દૂર રહેવાની સલાહ અપાઇ રહી છે તે સાચી છે ? વૈજ્ઞાનિક લૈરીએ કહ્યું કે, કોરોના વાઇરસનું આ એપિડેમિક આપણા જિંદગીનું સૌથી ખતરનાક એપિડેમિક છે. અત્યારે ઘરમાં રહેવાની અને લોકોથી અલગ રહેવાની સલાહ આપવામાં આવે છે તે બિલકુલ સાચી દિશામાં સલાહ છે. આપણું નસીબ ખરાબ છે કે કોરોનાની મહામારી દુનિયામાં શરૂ થઇ તેના ૧૨ અઠવાડિયા સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકામાં આવી કોઇ જાહેરાત કરી નહી અને હજુ સુધી ઘણા અમેરિકનો કોરોનાને કારણે ગભરાતા નથી. મારી જિંદગીમાં અત્યાર સુધી કોઇ નેતા આ પ્રકારની ગેરજવાબદારીવાળી વાત કરે તેવું મેં જોયું નથી. અત્યારે અમે લોકો આ રોગની ગતિ ઓછી કરવાની કોશિશ કરી રહ્યાં છે. વિજ્ઞાનની ભાષામાં Flattening The Curve કહીએ છે. જેનાથી અમે આ રોગને ફેલાતો અટકાવી શકીશું. આ દરમિયાન વાઇરસની દવા શોધી શકાશે. પરંતુ તેમાં ૧૨ થી ૧૮ મહિનાનો સમય લાગશે.

લૈરીને પૂછાયું કે, આટલા સમય સુધી દવા નહીં શોધાય તેનો મતલબ શું છે ? ત્યારે લૈરીએ કહ્યું કે, એનો અર્થ એ છે કે ત્યાં સુધી દુનિયાનો બહુજ લોકો આ બીમારીનો ભોગ બની ચૂક્યા હશે અને ઇમ્યૂન પણ થશે ત્યાં સુધી ડોક્ટરો પાસે આ રોગની રસી હશે અને તેથી આ બીમારી સામે લડવા આપણે ૮૦ ટકા જેટલા તૈયાર થઇ ગયા હોઇશું. હું આશા રાખું છું કે ત્યાં સુધી અમને COVID-૧૯ માટે એન્ટિવાઇરલ મળશે તેનાથી અમે લોકોની સારવાર કરી શકીશું. જો કે આ વાત વિવાદાસ્પદ છે. ઘણા બધા લોકો મારી સાથે સહમત નથી. પરંતુ મારી બે શોધો તેને સમર્થન આપે છે જે Nature અને  Science મેગેઝિનમાં ૨૦૦૫માં પ્રસિધ્ધ થઇ હતી. મને આશા છે કે COVID-૧૯ને હરાવવા માટે વૈજ્ઞાનિકો લાગેલા છે અને  તેની વેક્સિન તૈયાર થઇ જશે પરંતુ ત્યાં સુધી દુનિયા પર ખતરો છે અને મોટા પ્રમાણમાં લોકો મોતને ભેટશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન