કોરોનાનો કેર : ભાવનગરમાં એક મોત સાથે ગુજરાતમાં મૃતાંક ત્રણ - Sandesh
  • Home
  • Gujarat
  • કોરોનાનો કેર : ભાવનગરમાં એક મોત સાથે ગુજરાતમાં મૃતાંક ત્રણ

કોરોનાનો કેર : ભાવનગરમાં એક મોત સાથે ગુજરાતમાં મૃતાંક ત્રણ

 | 1:33 am IST

। ગાંધીનગર ।

અમદાવાદમાં વિદેશથી પરત આવેલા કોરોના પોઝિટિવ વૃદ્ધ મહિલાનું બુધવારે રાતે મૃત્યુ થયાના ગણતરીના કલાકમાં ગુરુવારે સવારે ભાવનગરમાં ૭૦ વર્ષના વૃદ્ધ પુરુષનું આ જ કારણોસર મૃત્યુ થયું છે. સુરતમાં ડાયમંડના વેપારી પછી ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે અત્યાર સુધીમા કુલ ત્રણ મૃત્યુ થયા છે, આ ત્રણેય દર્દીઓ ૬૦ વર્ષથી વધુ ઉંમરના હતા. આ સાથે ૧૯મી માર્ચથી અત્યાર સુધીના આઠ દિવસમાં ગુજરાતમાં કોવિડ-૧૯થી ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૪૪એ પહોંચી છે.

આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતી રવિએ બુધવારે રાતે ગુજરાતના ૬ જિલ્લાઓમાં કુલ ૪૦ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયાનું જણાવ્યું હતું. ગુરુવારે સવારે મેડિકલ બુલેટીન જાહેર કરતા તેમણે આ છ જિલ્લાઓ ઉપરાંત ભાવનગરમાં દિલ્હીથી પરત આવેલા ૭૦ વર્ષના વૃદ્ધ દર્દીમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ સાથે ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં  એક- એક એમ કુલ ૫ નવા કેસ ઉમેરાતા રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૩૯થી વધીને ૪૪ અને તે પૈકી ૩નાં મૃત્યુ થયા છે. ૬ જિલ્લાઓ પૈકી ગાંધીનગરમાં લોકલ ટ્રાન્સમિશનને કારણે ઝડપથી કોવિડ-૧૯નો ચેપ પ્રસરી રહ્યો છે. દુબઇથી આવેલા યુવાનને કારણે ગાંધીનગરમાં એક જ પરિવારના ક્લસ્ટર પાંચમી વ્યક્તિના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય સચિવે કહ્યું કે, સુરતમાં જયપુરથી આવેલા વૃદ્ધ લોકલ ટ્રાન્સમિશન થયા અને સારવાર દરમિયાન તેમનું નિધન થયું તેવી જ રીતે ભાવનગરમાં પણ દિલ્હીથી આવેલા વૃદ્ધ દર્દીને ૨૪મી માર્ચે એડમિનિસ્ટ્રેશન થયા બાદ તેમના સેમ્પલ લેવાયા હતા. જેનો રિપોર્ટ ૨૬મીએ ગુરુવારે પોઝિટિવ આવ્યો અને તેના ત્રણેક કલાકમાં જ મૃત્યુ પામ્યા હતા. તેઓ ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર અને હૃદયની બીમારીથી પીડાતા હતા. આથી, રાજ્યના તમામ વૃદ્ધો અને રોગ પ્રતિરોધક શક્તિનો અભાવ ધરાવતા તમામ નાગરિકોને બને એટલા આઇસોલેશન રહેવા સરકારની અપીલ છે. આ પ્રકારના નાગરિકોને હેલ્પ લાઇન ૧૦૪ ઉપર સંપર્ક કરી તત્કાળ મેડિસિન સારવાર મેળવવા તેમજ ઇમરજન્સી ૧૦૮ હેલ્પલાઇન દ્વારા મેડિકલ સારવાર મેળવવા તેમણે અનુરોધ કર્યો હતો.

શરદી, ખાંસી એ ‘કોરોના’ નથીઃ ખોટો ‘હાઉ’ ન રાખો 

કોરોનાનો કેર વર્તાઈ રહ્યો હોવાને પગલે સામાન્ય શરદી, ખાંસી અને તાવને કારણે લોકો ગભરાટના માર્યા ડોક્ટર પાસે જતા હોય છે. પરંતુ શરદી, ખાંસી અને તાવ એ કોરોનાના શંકાસ્પદ લક્ષણો નથી અને તેના કારણે લોકોએ મનમાં ખોટો ‘હાઉ’ રાખવાની જરૂર નથી. COVID- ૧૯નો વાવર ફેલાવાને કારણે શરદી, ખાંસી હોય તે અંગે લોકોમાં ગેરસમજ પ્રવર્તે છે. શ્વસનતંત્રના નિષ્ણાત તબીબોના સર્વસંમત અભિપ્રાય મુજબ, કોરોના અંગે ખોટી માન્યતા કે ‘ડર’ રાખવાની જરૂર નથી. સામાન્ય શરદી, ખાંસી અને ‘કોરોના’ના શંકાસ્પદ લક્ષણો વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરીને ગેરસમજ દૂર કરવા તબીબોએ સૌને અપીલ કરી છે.

સૂકી ખાંસી + છીંક = વાયુ પ્રદૂષણ

ખાંસી + કફ + છીંક + વહેતું નાક = સાધારણ શરદી

ખાંસી + કફ + વહેતું નાક + શરીરમાં કળતર + કમજોરી + હળવો તાવ = ફ્લૂ

સૂકી ખાંસી + શરીરમાં દર્દ + કમજોરી + ખૂબ વધારે તાવ + શ્વાસ લેવામાં તકલીફ = કોરોના

ગુજરાતમાં ૩૪,૪૦૫ ક્વોરન્ટાઇન હેઠળ, સુરત- અમદાવાદમાં સૌથી વધુ નાગરિકો  

ગુજરાતમાં બે દિવસમાં ક્વોરન્ટાઇન હેઠળ રહેલા નાગરિકોની સંખ્યા ૧૧,૧૦૮થી વધીને ૩૪,૪૦૫એ પહોંચી છે. સુરતમાં માર્કેટના વેપારી તેમજ રાજકોટ- ગાંધીનગરમાં દુબઇથી આવેલા પ્રવાસીઓની ઘોર બેદરકારીને કારણે આરોગ્ય વિભાગે કોરોના પોઝિટિવ દર્દીઓના સગાં- સંબધી અને પડોશીઓ સહિતના ક્લસ્ટર રહેલા નાગરિકોને ફ્ટાફ્ટ ક્વોરન્ટાઇન હેઠળ રહેલા આ દેશો કર્યા છે. ક્વોરન્ટાઇનને ભંગ ન થાય તેના માટે સ્થાનિક પોલીસને રિપોર્ટિંગ કરવા તેમજ શરદી, ખાંસી, તાવના લક્ષણો જાણવા મેડિકલ ઓફ્સિર દ્વારા ટેલિફેનથી અપડેટ મેળવવા આદેશ કરવામાં આવ્યા છે. હોમ ક્વોરન્ટાઇન ઉપરાંત સરકારી વ્યવસ્થા હેઠળ ૬૧૩ને સ્પેશિયલ આઇસોલેશન રાખવામાં આવ્યા છે તેમના સેમ્પલ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં આ પ્રકારના આઇસોલેશનમાંથી એક વૃદ્ધાને કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ પ્રાપ્ય થયો છે. જ્યારે ખાનગીમાં ક્વોરન્ટાઇન હેઠળ રહેલા નાગરિકો, વિદેશી મુલાકાતીઓની સંખ્યા ૪૮થી વધીને ૧૨૪એ પહોંચી છે.

અમદાવાદમાં શાકભાજી અને અનાજ વેચવા માટે ૬,૦૦૦ને પરમિશન અપાઈ

શહેરમાં શાકભાજી અને અનાજની સ્થિતિને સામાન્ય બનાવવા, સપ્લાય ચેઈન તૂટે નહીં તે માટે કલેક્ટર કચેરી દ્વારા બુધવારે આખી રાત કચેરી ચાલુ રાખી વેપારીઓને પરમિશન આપી હતી. તે આજે પણ આખો દિવસ ચાલુ રહેતા સાંજ સુધીમાં ૬,૦૦૦ પરમિશન આપવામાં આવી હતી. કલેક્ટર કે.કે.નિરાલાએ કહ્યું કે ફાર્માસ્યૂટિકલ, ફૂડ પ્રોસેસિંગ, લેબોરેટરી, જથ્થાબંધ અનાજ, મેડિકલના વેપારીઓને પાસે ઈસ્યૂ કરાયા છે. માધવપુરા માર્કેટમાં શાકભાજી બજાર શરૂ કરવા મંજૂરી અપાઈ છે.

કયા જિલ્લામાં કેટલા પોઝિટિવ કેસ અને મોત 

જિલ્લો          પોઝિટિવ       મૃત્યુ  

અમદાવાદ     ૧૫             ૦૧

સુરત           ૦૭             ૦૧

રાજકોટ         ૦૫             ૦૦

વડોદરા                ૦૮             ૦૦

ગાંધીનગર      ૦૭             ૦૦

ભાવનગર      ૦૧             ૦૧

કચ્છ           ૧              ૦૦

કુલ            ૪૪             ૦૩

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન