Coronation is not the only marriage atmosphere in Vaisakha
  • Home
  • Ahmedabad
  • લગ્નને કોરોનાનું ગ્રહણ, વૈશાખમાં ધામધૂમથી લગ્નનો માહોલ જ નથી, જાણો હવે કયારે આવશે સમય

લગ્નને કોરોનાનું ગ્રહણ, વૈશાખમાં ધામધૂમથી લગ્નનો માહોલ જ નથી, જાણો હવે કયારે આવશે સમય

 | 8:00 am IST

કોરોના વાઇરસની ગંભીર અસર સમાજ જીવન પર પડી છે. આગામી વૈશાખમાં સંખ્યાબંધ લગ્નો લેવાયા છે તે હવે દિવાળી પછી જ યોજાય તેવા સ્થિતિ સર્જાઈ છે. ૧૪મીએ મિનારક કમુરતા ઊતર્યા બાદ ૧૫મીથી લગ્નગાળો શરૂ થશે. પરંતુ જૂજ સંખ્યામાં જ લગ્ન લેવાય તેવી સ્થિતિ છે. આ વર્ષે ધામધૂમથી લગ્ન કરવાનો માહોલ જ નથી. લોકો માનસિક રીતે ડરી ગયા છે. લોકડાઉન ખૂલે છતાં પણ લગ્ન જેવા પ્રસંગો માટે છૂટ મળશે કે કેમ ? તે અંગે પણ લોકોમાં અનેક શંકા છે. ગોર મહારાજો પાસે હાલમાં કોઈ સામેથી લગ્નના મુહૂર્ત કઢાવવા આવતા નથી.

અમદાવાદ શહેર અને જિલ્લામાં આશરે ૧૦થી ૧૫ હજાર જેટલાં બ્રાહ્મણો કર્મકાંડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વૈશાખ, જેઠ અને અષાઢમાં છેલ્લું લગ્નનું મુહૂર્ત આવે છે. ત્યારબાદ દિવાળી પછી જ લગ્નના મુહૂર્ત નીકળે. ત્રણ માસ દરમિયાન એટલે કે ચોમાસા પહેલાં શહેર-જિલ્લામાં પાંચેક હજાર લગ્નો લેવાતા હોવાનો અંદાજ છે. પરંતુ કોરોનાના કારણે પરિવારો લગ્નના મુહૂર્ત રદ કરાવવા માંડયા છે. એક ભૂદેવે જણાવ્યું કે આજ સુધીમાં મારા બે લગ્ન દિવાળી પછી ગયા છે. બાકીના મુહૂર્તો પણ દિવાળી પછી જાય તેવી શક્યતા છે.

કોરોનાના કારણે લોકો હાથ મિલાવવાથી દૂર ભાગી રહ્યાં છે ત્યાં ગળે ભેટવાની તો વાત જ ક્યાં આવે ? લગ્નમાં બંને વેવાઈ અને વેવાણ ગળે મળે નહીં ત્યાં સુધી હરખ કર્યો કહેવાય નહીં. કોરોનાના કારણે ગળે મળવાનું તો શક્ય જ નહીં બને. લગ્નમાં એક કરતા અનેક પ્રશ્નો નડે તેમ છે. વળી ભોજન માટે જેને પણ આમંત્રણ આપવામાં આવે તે આવે કે કેમ તે મોટો પ્રશ્ન છે. જો કદાચ સગાંવહાલાં આવે તો પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય નહીં. દીકરાની જાન કેવી રીતે લઈ જવી ? બસમાં બાજુબાજુમાં જ બેસવાનું આવે.

લગ્નપ્રસંગ આવે એટલે વાડી-હોલનું સૌપ્રથમ બુકિંગ કરવા માટે માતા-પિતા દોડધામ કરે છે. પરંતુ આ વર્ષે જે પરિવારોએ વૈશાખ માસના લગ્ન માટે વાડી-હોલ બુક કરાવ્યા છે તે કેન્સલ કરાવવા પડે તેમ છે. ઘણા પરિવારોમાં એવી સમસ્યા પેદા થઈ છે કે પરિવારના કોઈ સભ્ય વિદેશ રહે છે. હવે સગાઈ કે લગ્નમાં તેને તેડાવવા જ પડે. જો તે આવે તો હોમ ક્વોરન્ટાઈન કરવા પડે, તંત્રને જાણ કરવી પડે. આ બધા પછી તેનાથી કોરોના ફેલાવાનો ભય તો રહે જ છે. કોરોનાના કારણે એટલી બધી ગૂંચવણો ઉભી થઈ છે કે મોટાભાગના પરિવારો દિવાળી પછી લગ્ન લેવાનું વિચારતા થઈ ગયા છે.

લગ્ન સાથે આટલા વ્યવસાયને વિપરિત અસર થાય 

લગ્ન લેવાય એટલે ગોર મહારાજ, વાડી, હોલ, પાર્ટીપ્લોટ, હોટેલ, વર-વધૂના કપડાં, સોના-ચાંદીના આભૂષણો વેચતા વેપારીઓ, કંકોત્રી વેચનારા-છાપનારા, પૂજાપો, વાસણો, મંડપવાળા, ડેકોરેશનવાળા, કેટરર્સવાળા, રસોઈયા, ભાડે કાર આપનારા, લક્ઝરી બસ ભાડે આપનારા, ફૂલવાળા, બેન્ડવાજા, ઢોલ, ડીજેવાળા, ફોટો અને વીડિયોવાળા, કરિયાણાવાળાને ધંધો મળવો બંધ થશે.

ચાણોદ ઠપ, NRIના લગ્નો વિશે શંકા 

પિતૃકાર્ય માટે વિખ્યાત ચાણોદમાં હાલ કોઈ યજમાન આવતા નથી. પિતૃકાર્ય, તર્પણ, નારણબલી સહિતના તમામ ધાર્મિક કાર્યો હનુમાન જયંતી પછી શરૂ થતા હોય છે પરંતુ આ વર્ષે તે રડયા-ખડયા થાય તો થાય. કોઈ સામેથી કરાવતું નથી. એનઆરઆઈની લગ્નસિઝન નવેમ્બર-ડિસેમ્બરમાં શરૂ થાય પરંતુ આ વર્ષે તેની સિઝન શરૂ થવા વિષે જ શંકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન