Coronavirus : Indian People Help On Japan Ship
  • Home
  • Featured
  • કોરોનાનો ભય: જાપાનમાં ક્રૂઝમાંથી મુંબઇની સોનાલી ઠક્કરે મોદી સરકારને આજીજી કરતાં કહ્યું…

કોરોનાનો ભય: જાપાનમાં ક્રૂઝમાંથી મુંબઇની સોનાલી ઠક્કરે મોદી સરકારને આજીજી કરતાં કહ્યું…

 | 10:24 am IST

જાપાનના યોકોહામા બંદર પર ફસાયેલા ડાયમંડ પ્રિસંજે ક્રૂઝ પર કોરોના વાઈરસના કુલ કેસ 175 થઈ ગયા છે. જહાજ પર આવેલા ભારતીય સુરક્ષા અધિકારીઓએ બુધવારે ભારત સરકાર પાસે મદદની અપીલ કરી છે. ચીનમાં કોરોના વાયરસના કારણે એક દિવસમાં મૃતકોની સંખ્યા 242 થઈ ગઈ છે અને અત્યાર સુધી કુલ મોતનો આંક 1365 થયો છે. જ્યારે 59 હજારથી વધારે લોકોને કોરોના વાઈરસનું ઈન્ફેક્શન થયું હોવાનું સામે આવ્યું છે. જાપાનના બંદરે ઉભેલા જહાજમાં 3711 લોકો સવાર છે, જેમાંથી 132 ક્રૂ મેમ્બર્સ સહિત 138 ભારતીય છે. ક્રૂમાં સામેલ બે ભારતીયોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. આ લોકો ખૂબ જ ડરી ગયા છે અને મોદી સરકાર પાસે મદદ માંગી રહ્યા છે.

બ્રિટિશ ક્રૂઝમાં સવાર ભારતીય સિક્યોરિટી ઓફિસર 24 વર્ષની સોનાલી ઠક્કર મૂળ મુંબઈની છે. એક ન્યૂઝ ચેનલ દ્વારા વીડિયો શેર કરીને તેણે ભારત સરકારને મદદ કરવાની અપીલ કરી છે. સોનાલીએ કહ્યું છે કે, ઈન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમને ડર છે કે, અમે પણ તેના ઝપટામાં ન આવી જઈએ. અમે ઘરે પરત આવવા માંગીએ છીએ. સોનાલી ઠક્કરને પણ તાવ અને અન્ય લક્ષ્ણો જોવા મળ્યા બાદ સોમવારથી આઇસોલેશનમાં છે.

સોનાલીએ મદદ માંગતા કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ભારત સરકાર અમને દેશમાં લઇ જાય અને ત્યાં અલગ રાખે અથવા તો કમ સે કમ કેટલોક મેડિકલ સ્ટાફ મોકલો જે ઝડપથી ટેસ્ટ કરીને મદદ કરી શકે. અમે ઘરે આવવા માંગીએ છીએ. તેમણે તેમના મિત્રો અને પરિવારને પણ સ્થિતિ અંગે જણાવી દીધું છે. તેમણે કહ્યુંકે તેઓ વાસ્તવમાં મારા માટે ચિંતિત છે, તેઓ મને ઘરે પાછા લાવવા માંગે છે. તેઓ દિવસ રાત મારા માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેઓ પોતાની તરફથી જ આ જ કરી શકે છે. હું મારા પેરેન્ટસને માત્ર એટલું જ કહેવા માંગીશ કે મજબૂત બની રહો, સકારાત્મક રહો. તમારી દીકરી ઝડપથી પાછી આવશે.

જહાજમાં ભારતીય શેફ વિનય કુમારે એક નવા વીડિયોમાં પોતાના સુપરવાઇઝરની સાથે કહે છે કે પહેલાં તેઓ સંદેશો રજૂ કરવા માંગતા નહોતા કારણ કે તેનાથી તેમની નોકરી ખતરામાં પડી શકે છે પરંતુ જો જિંદગી બચી તો બીજી નોકરી મળી જશે. તેમણે મોદી સરકાર અને જાપાનની સરકાર પાસેથી મદદની અપીલ કરતાં કહ્યું કે અત્યાર સુધીમાં માત્ર 500 લોકોની જ તપાસ થઇ છે. જે લોકો વાયરસના ઝપટમાં છે તેમને આ જહાજમાં રાખવામાં આવે અને જે લોકો હજુ સુધી ઝપટમાં આવ્યા નથી તેમને અહીંથી નીકાળવામાં આવે, નહીં તો તમામ સંક્રમિત થઇ જશે.

આની પહેલાં પણ જહાજના ભારતીય ક્રૂ મેમ્બર્સે વીડિયો શેર કરીને મોદી સરકાર પાસેથી મદદ માંગી હતી. થોડાંક દિવસ પહેલાં ઉત્તર બંગાળના રહેવાસી વિનયકુમારે સરકારને સોશિયલ મીડિયા દ્વારા અપીલ કરી હતી. તેમણે વીડિયોમાં કહ્યું કે પ્લીઝ કોઇપણ રીતે અમને લોકોને જેટલું ઝડપથી શકયો હોય તેમ બચાવી લેજો. હું ભારત સરકાર, મોદીજીને કહેવા માંગીશ કે પ્લીઝ અમને અહીંથી હટાવીને સુરક્ષિત ઘરે લઇ જાઓ.

આ બધાની વચ્ચે ટોક્યો સ્થિત ભારતીય દૂતાવાસે વિશ્વાસ વ્યકત કર્યો છે કે તેઓ સતત સ્થિતિ પરનજર બનાવીને બેઠા છે. આ જહાજ ગયા સપ્તાહની શરૂઆતમાં જાપાનના બંદરે પહોંચ્યું હતું. જહાજમાંથી હોંગકોંગમાં ઉતરનાર એક પેસેન્જરને કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થયા બાદ જાપાને ક્રૂઝને બંદર પર જ રોકી દીધું છે. જહાજ પર કુલ 138 ભારતીય સવાર છે, જેમાંથી પેસેન્જર અને ચાલક દળના સભ્ય સામેલ છે.

દૂતાવાસે એક નિવેદનમાં કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણની શંકામાં જાપાની અધિકારીઓએ જહાજને અલગ રાખ્યું છે. અત્યાર સુધીમાં ચાલક દળના બે ભારતીય સભ્યો સહિત 174 લોકોને કોરોના વાયરસ સંક્રમિત થયાની પુષ્ટિ થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન