Coronavirus uncontrollably created an atmosphere of chaos in Surat city
  • Home
  • Gujarat
  • સુરત શહેરમાં કોરોના વાયરસ બેકાબૂ બનતાં અરાજકતાનો માહોલ સર્જાયો

સુરત શહેરમાં કોરોના વાયરસ બેકાબૂ બનતાં અરાજકતાનો માહોલ સર્જાયો

 | 10:11 pm IST

સુરત શહેરમાં કોરોના બેકાબૂ બનતાં અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની આશંકા સાથે દરરોજ અંદાજે 500 જેટલા લોકો આવી રહ્યા છે, જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આ સંખ્યા 150થી 200ની વચ્ચે રહે છે. બીજી બાજુ શહેરમાં 42 જેટલી ખાનગી હોસ્પિટલોને કોરોનાના દર્દીની સારવાર કરવા માટે મંજૂરી અપાઈ છે. તે પૈકી મોટાભાગની હોસ્પિટલો ફુલ થઈ ગઈ છે. આમ, કોરોના શકમંદોની સંખ્યા વધતા ખાનગી લેબોરેટરીમાં કરાવાતા તેમના રિપોર્ટ બે-બે દિવસ મોડા આવી રહ્યા હોવાની બૂમ ઉઠી છે. જેને પગલે હોસ્પિટલમાં દાખલ દર્દીના સ્વજન સતત ચિંતિત રહે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલમાં દરરોજ 700થી 800 વચ્ચે કોરોના શકમંદોના રિપોર્ટ થાય છે. આજ રીતે સ્મીમેર હોસ્પિટલમાં 200થી 300 વચ્ચે ટેસ્ટિંગ થઈ રહ્યાં છે. જોકે, ખાનગી લેબોરેટરીમાં થતા ટેસ્ટિંગના રિપોર્ટ મોડા આવી રહ્યા હોવાની હાલ શહેરભરમાંથી બૂમ સંભળાઈ રહી છે. હાલ શહેરમાં ચારેક ખાનગી લેબોરેટરીમાં કોવિડ-19ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જે પૈકી ત્રણેક લેબોરેટરીના સેમ્પલ ટેસ્ટિંગ માટે અમદાવાદ મોકલાય છે. આમ ટ્રાન્સપોર્ટેશન પાછળનો સમય તથા સેમ્પલિંગ માટે 12થી 18 કલાકનો સમય લાગે છે, તદુપરાંત પોઝિટિવ કેસ આવે તો રિપીટ ટેસ્ટ કરાય છે.

ઘણી વખત રિપીટ ટેસ્ટ ફેલ થાય તો ફરી ટેસ્ટ કરવો પડે છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે લેબોરેટરીની ક્ષમતા કરતાં વધુ સેમ્પલ આવી રહ્યાં હોય કેટલીક લેબમાંથી સંબંધિત હોસ્પિટલોને ચોક્કસ સંખ્યામાં જ સેમ્પલ મોકલવા માટે સૂચના આપી દેવાઈ છે. મોટી હોસ્પિટલ હોય તો દરરોજ 10થી 12 અને નાની હોસ્પિટલ હોય તો ફક્ત ૨ સેમ્પલ જ (ઇમર્જન્સી કેસને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે) મોકલાવા માટે કહેવાયું છે. જેને પગલે સેમ્પલ લેવાયા પછી પણ તેનો રિપોર્ટ આવતા મોડું થઈ રહ્યું છે. કેટલાક દર્દીને રજા મળી ગયા પછી રિપોર્ટ આવ્યા હોવાની પણ વાતો સાંભળવા મળી રહી છે.

તબીબી સૂત્રોના કહેવા મુજબ જો કોરોનાને લઈ લોકો હજી પણ ગંભીરતા નહીં દાખવે તો પરિસ્થિતિ હજી ગંભીર થવાની દહેશત નકારી શકાય નહી. જે રીતે શહેરમાં કોરોનાના દર્દીઓ વધવાની આશંકા સાથે કોમ્યુનિટી હોલ કે સમાજની વાડીઓમાં તથા સરકાર દ્વારા નવી હોસ્પિટલ જેવી વ્યવસ્થા કરવા તૈયારી કરાઈ રહી છે, તે આવનારા દિવસોમાં કોરોનાની ભયાનકતાની આગાહી કરી રહી છે.

આ વીડિયો પણ જુઓ: સુરત સ્મીમેર હોસ્પિટલની ગંભીર બેદરકારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન