કોર્પોરેટ બોન્ડ ટ્રેડિંગ ૨૩% વધીને રૂ.૧૨.૯ લાખ કરોડ 

42

મુંબઇ, તા.૧૦

વર્ષ ૨૦૧૬ દરમિયાન બીએસઇ અને એનએસઇ ખાતે કોર્પોરેટ બોન્ડ ટ્રેડિંગ ૨૩ ટકાના જમ્પમાં રૂ.૧૨.૯ લાખ કરોડ નોંધાયું છે. જ્યારે વર્ષ ૨૦૧૫માં ઉપરોક્ત બંને એક્સ્ચેન્જો ખાતે રૂ.૧૦.૫૦ લાખ કરોડનું કોર્પોરેટ બોન્ડ ટ્રેડિંગ થયું હોવાનું સેબીએ કહ્યું છે.

ગત વર્ષે થયેલ રૂ.૧૨.૯ લાખ કરોડના કોર્પોરેટ બોન્ડ ટ્રેડિંગમાં એનએસઇનો સૌથી વધુ ૮૨ ટકા જેટલો રહ્યો છે. એનએસઇ ખાતે રૂ.૧૦.૫૨ લાખ કરોડનું કોર્પોરેટ બોન્ડોનું ટ્રેડિંગ થયું છે. જ્યારે વર્ષ ૨૦૧૫ દરમિયાન રૂ.૮.૩૬ લાખ કરોડનું ટ્રેડિંગ નોંધાયું હતું. તો બીએસઇ ખાતે વર્ષ ૨૦૧૫માં રૂ.૨.૧૪ લાખ કરોડ અને વર્ષ ૨૦૧૬માં રૂ.૨.૩૮ લાખ કરોડના બોન્ડનું ટ્રેડિંગ થયું હતું.

પ્રાપ્ત ડેટા મુજબ માર્ચ ૨૦૧૬ પછી કોર્પોરેટ બોન્ડના ટ્રેડિંગમાં ઘટાડો થયો હતો. જેનાથી એપ્રિલમાં કોર્પોરેટ બોન્ડ ટ્રેડિંગ રૂ.૧ લાખ કરોડની નીચે જતું રહ્યું હતું. વેલ્યૂની રીતે સપ્ટેમ્બરમાં સૌથી વધુ રૂ.૧.૪૩ લાખ કરોડના કોર્પોરેટ બોન્ડનું ટ્રેડિંગ થયું હતું. તો ડિસેમ્બરમાં રૂ.૧.૪૦ લાખ કરોડના બોન્ડના કામકાજ થયા હતા. કોર્પોરેટ બોન્ડમાં સૌથી ઓછા કામકાજ એપ્રિલમાં રૂ.૮૧,૫૨૦ કરોડ અને ફેબ્રુઆરીમાં રૂ.૮૧,૧૪૨ કરોડના થયા હતા. જ્યારે કોઇ એન્ટિટી બોન્ડની ખરીદી કરે છે ત્યારે કંપની તેને સિક્યુરિટીઝ ઇશ્યૂ કરે છે અને કંપની નિર્ધારિત સમયગાળામાં ચોક્ક્સ વળતરનું વચન આપે છે.