કોર્પોરેટ ગૃહોએ પારિવારિક કલહથી બચવું જોઈએ - Sandesh
  • Home
  • Columnist
  • કોર્પોરેટ ગૃહોએ પારિવારિક કલહથી બચવું જોઈએ

કોર્પોરેટ ગૃહોએ પારિવારિક કલહથી બચવું જોઈએ

 | 1:25 am IST

કરન્ટ અફે :  આર. કે. સિંહા

જે દેશ પાસે રામ-લક્ષ્મણ જેવા મોટા અને નાના ભાઈ વચ્ચેના સંબંધોનું દાખલો બેસાડી શકે તેવું ઉદાહરણ હોય ત્યાં ભાઈઓ વચ્ચે કડવાશ આમ તો ના જ થવી જોઈએ, પરંતુ રેનબક્સી, રેલિગિયર અને ફોર્ટિસ જેવી ફાર્મા અને હેલ્થ સેક્ટરના ટોચના પ્રમોટર રહેલા ભાઈઓ મલવિંદર મોહનસિંહ અને શિવિંદરસિંહ જાણે કે રામ-લક્ષ્મણના સંબંધોમાંથી કાંઈ શીખ્યા જ નથી. તેમના વચ્ચે કોઈક મુદ્દે મતભેદ કે નારાજગી હતાં તો ઘરની અંદર જ તેનો ઉકેલ આવત તો સારું થાત, પરંતુ કોર્પોરેટવિશ્વમાં ભાઈઓ કે ભાઈ-બેહન વચ્ચેના વિવાદના સમાચારો ઝડપથી વધી રહ્યા છે.

જાહેર છે કે પ્રમોટર્સ વચ્ચેની ખેંચતાણને પગલે કંપનીનું કામકાજ, શાખ અને નફો પણ પ્રભાવિત થતાં હોય છે. કંપની માટે તેનાં દૂરગામી પરિણામો આવે છે. દાખલા તરીકે શેરધારકોને તત્કાળ નુકસાન થવા લાગે છે, કેમ કે કંપનીની બ્રાન્ડ ખરાબ થવા લાગે છે, તે દરમિયાન સ્પર્ધક કંપનીઓ પ્રગતિ સાધવા લાગે છે.

વર્તમાન કેસમાં નાના ભાઈ શિવિંદર મોહનસિંહે પોતાના મોટાભાઈ મલવિંદરસિંહ સામે ફોર્ટિસ કપનીને ડુબાડી દીધાના આક્ષેપ કર્યા છે. શિવિંદર કહી રહ્યા છે કે રેલિગિયર અને ફોર્ટિસમાં કુપ્રબંધનને કારણે કંપની, શેરહોલ્ડર્સ અને કર્મચારીઓને નુકસાન થયું. જોકે મોટાભાઈએ હજી સુધી પોતાનો પક્ષ તો નથી મૂક્યો. દેશનાં કોર્પોરેટ ગૃહોમાં પારિવારિક ક્લેશનો ઇતિહાસ ખૂબ જૂનો રહ્યો છે. મલવિંદર અને શિવિંદરના પિતા ભાઈ પરવિંદરસિંહ પર પણ તમામ આક્ષેપ લાગ્યા જ હતા. રેનબક્સીના સંસ્થાપક ભાઈ મોહનસિંહે પોતાના જ પુત્ર પરવિંદરસિંહ પર રેનબક્સી પર કબજો કર્યો હોવાના આક્ષેપ કર્યા હતા, તેમનાં મૃત્યુ પછી રેનબક્સી મલવિંદર અને શિવિંદરસિંહના કબજામાં આવી ગઈ. તેમણે વર્ષ ૨૦૦૮માં જાપાનની પ્રખ્યાત ફાર્મા કંપની દાઇચીને કંપની મોટો નફો રળીને વેચી દીધી. રેનબક્સી વેચતાં પહેલાં જ બંનેએ દેશવિદેશમાં હોસ્પિટલ ચેન શરૂ કરી દીધી.

ફોર્ટિસ નામે તેમણે શરૂ કરેલી હોસ્પિટલ ચેનની સંખ્યામાં સતત વૃદ્ધિ થઈ રહી હતી. તેમણે દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલ પણ ખરીદી લીધી હતી. તે હકીકત છે કે બંને ભાઈઓએ રેનબક્સીને પોતાનો તમામ ભાગ વેચી દેતાં તેમની ભારે આલોચના થઈ હતી. કોર્પોરેટજગતના જાણકારો તર્ક કરી રહ્યા હતા કે જે જૂથને તેમના દાદા મોહનસિંહે દિવસરાત મહેનત કરીને ઊભું કર્યું હતું તેના પૌત્રોએ રેનબક્સી વેચવાથી બચવું જોઈતું હતું.

ભારતનાં સૌથી મોટાં ઓદ્યોગિક ગૃહ રિલાયન્સ જૂથના સંસ્થાપક ધીરૂભાઈ અંબાણીનું વર્ષ ૨૦૦૨માં અવસાન થયા પછી કુટુંબમાં ભાગ પડયા હતા. તેમના બંને પુત્રો ક્રમશઃ મુકેશ અને અનિલ વચ્ચે વિશાળ સામ્રજ્ય પર વર્ચસ્વની લડાઈ માટે જે કાંઈ થયું તે નહોતું થવું જોઈતું. આરોપ-પ્રતિઆરોપ થયા, આખરે રિલાયન્સ જૂથના વર્ષ ૨૦૦૬માં ભાગલા પડયા. એક ભાગનું સુકાન મુકેશ પાસે અને બીજા ભાગનું સુકાન અનિલ પાસે આવ્યું. મુકેશના ભાગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવી કે જે પેટ્રોકેમિકલ, તેલ અને ગેસ ખનનકાર્ય કરે છે. બીજી તરફ મુકેશે ટેલિકોમ, પાવર અને નાણાકીય સેવાઓ સાથે સંકળાયેલી કંપનીઓનું નેતૃત્વ સંભાળ્યું. સ્વાભાવિક છે કે પુત્રો વચ્ચેના ટકરાવથી માતાને આઘાત લાગ્યો હતો. સારી વાત એ થઈ કે આખરે માતાના પ્રયાસ અને પ્રભાવને કારણે બંને ભાઈ ફરી નજીક આવી ગયા, હવે બંને ભાઈ પોતપોતાનાં જૂથોનું સંચાલન કરે છે.

મુંબઈની રિયલ એસ્ટેટ સેક્ટરની દિગ્ગજ કંપની હીરાનંદાની કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ(એચસીપીએલ)ના વડા નિરંજન હીરાનંદાની અને તેમની પુત્રી પ્રિયા હીરાનંદાની વચ્ચે કડવાશભર્યો સંપત્તિવિવાદ ચાલ્યો. પ્રિયાએ પિતા અને ભાઈ દર્શન પર તેની સાથે નાણાકીય છેતરપિંડી કર્યાના આરોપ લગાવ્યા. તેમના વિવાદને ઉકેલવા બ્રિટનના પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેયરનાં પત્ની ચાર્લી બ્લેયરને મધ્યસ્થી કરવી પડી હતી.

ખેર, જ્યાં ભાઈ ભાઈ સાથે મળીને કામ કરે છે તે પ્રકારનાં ઉદાહરણ તમને હજી મળી જશે. બંને પ્રકારનાં ઉદાહરણ તમને મળી જશે. પિતાનું અવસાન થયા પછી પણ ભાઈ ભાઈ સાથે કામ કરી રહ્યા હોય અને પિતાનાં નેતૃત્વમાં પણ ભાઈ ભાઈ સાથે હોય તેવા બંને પ્રકારનાં ઉદાહરણ મળી જશે. ભારતી એરટેલ સમૂહ સૌથી અલગ છે. તેને સુનીલ ભારતી મિત્તલ, રાકેશ ભારતી મિત્તલ અને રાજન ભારતી મિત્તલ એમ ત્રણ ભાઈ ચલાવે છે. ટેલિકોમ પછી હવે તેઓ રિટેલ અને વીમા સેક્ટરમાં મોટાપાયે સક્રિય છે.

આવી સ્થિતિ એસ્સાર ગ્રૂપની પણ છે. એસ્સાર જૂથનું સમગ્ર સુકાન શશિ અને રવિ રૂઇયાના ખભે છે. આ જૂથ સ્ટીલ, ઊર્જા, શિપિંગ વગેરે ક્ષેત્રમાં મોટી શાખ ધરાવે છે. એસ્સાર જૂથ અંદાજે ત્રણ ડઝન દેશોમાં સક્રિય છે, જોકે હવે શશિ અને રવિનાં સંતાનો પણ જૂથમાં મહત્ત્વની જવાબદારી સંભાળી રહ્યાં છે, પરંતુ એસ્સારમાં ભાગલાને મુદ્દે દૂર દૂર સુધી કોઈ ચર્ચા નથી. આજે જિંદાલ જૂથને પણ આદર્શ જૂથ માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન