ભ્રષ્ટાચારની ગર્લફ્રેન્ડનું નામ 'સહકારી ભાવના' છે! - Sandesh
  • Home
  • Columnist
  • ભ્રષ્ટાચારની ગર્લફ્રેન્ડનું નામ ‘સહકારી ભાવના’ છે!

ભ્રષ્ટાચારની ગર્લફ્રેન્ડનું નામ ‘સહકારી ભાવના’ છે!

 | 1:34 am IST

રિવરફ્રન્ટની પાળેથી :-  હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

અમુક રાજકારણીઓને આપણે માનીએ છીએ એટલા સ્વાર્થી નથી હોતા. આવું કહેવા પાછળનો ગૂઢાર્થ એવો નથી કે આપણે માનીએ છીએ એના કરતાં પણ એ વધારે સ્વાર્થી હોય છે! ના, એવું નથી. ખરેખર તો આપણે માનીએ છીએ એના કરતાંય ઓછા સ્વાર્થી હોય છે. જુઓને, જનતાના… સોરી, મતદારોનાં હિત ખાતર, સવર્ણોને આપવામાં આવતા દસ ટકા અનામત બિલને મંજૂર કરવામાં સરકારને વિપક્ષોએ કેવો ઉદાર સાથ અને સહકાર આપ્યો! આપ્યો કે નહીં? તો પછી! એવું નથી, કે આવો ઉદાર સાથ માત્ર મતદારોનાં હિત ખાતર જ આપે છે, અરે સાહેબ, પોતાના પગારભથ્થાંના વધારા માટે પણ રજૂ કરવામાં આવતા બિલને દિલસે સાથ સહકાર આપવામાં એ બધા ક્યારેય પાછી પાની નથી કરતા. માત્ર સત્ય જ નહીં, અમુક પ્રકારની એકતા પણ ક્યારેક સાપેક્ષ બની જાય છે.  સંસદમાં જ્યારે સરકાર તરફથી વિધેયક પસાર કરવામાં આવતું હોય ત્યારે વિરોધપક્ષ તરીકે કોઈપણ પાર્ટી હોય, એણે એ વિધેયકનો વિરોધ કરવો જ પડે એવો એ લોકોનો એકમત હોય છે.

વિધેયક શું છે, શેના માટેનું છે, એની દૂરગામી કે નજીકગામી શું અસરો પડવાની છે, એ બધું જોયા-જાણ્યા વિના વિધેયકનો વિરોધ કરવામાં વિપક્ષી એકતાનું જે દર્શન અને શાસકપક્ષ સામે એ દર્શનનું જે રીતે પ્રદર્શન કરવામાં આવે છે એ મીડિયા માટે અને જનતા માટે દર્શનીય હોય છે. જોકે બધું જ દર્શનીય કંઈ પ્રદર્શનીય નથી હોતું પણ જેટલું જેટલું પ્રદર્શનીય હોય છે એ બધું દર્શનીય તો હોય જ છે.

રાજકારણ અને રાજનીતિમાં ફરક છે. એક જમાનો હતો, કે આપણે ત્યાં રાજનીતિનો ખૂબ મહિમા હતો. મહિમા એનો હોય, જેની ગરિમા જળવાતી હોય. આમેય આપણે ત્યાં જૂની-પુરાણી ચીજવસ્તુઓની જાળવણી કે સાચવણી નહીં કરવામાં, રાજકારણની અને સમાજકારણની ઘણી ઉદારતા જોવા મળે છે. આવી ઉદારતાને કારણે જ ધીમે ધીમે રાજનીતિએ નિવૃત્તિ લેવા માંડી અને રાજકારણે પોતાની પ્રવૃત્તિઓ વધારવા માંડી. એક વાતે જોકે દેશના આમ આદમીને ઘણી જ પ્રસન્નતા થાય એવું પાવનકારી દૃશ્ય ૨૦૧૯ જાન્યુઆરીના સંસદ-સમાપ્તિના દિવસે જોવા મળ્યું. શાસક પક્ષ અને વિરોધપક્ષની એકતાનું જે અલૌકિક દર્શન થયું એનો સાચો યશ, એની પૂરી ક્રેડિટ તો સાહેબ, લોકસભાની આવી રહેલી ચૂંટણીને આપવી જોઈએ. આને કહેવાય ચૂંટણી-ચમત્કાર! આમેય એવું કહેવાય છે ને કે ચમત્કાર વિના નમસ્કાર નહીં. શાણા નેતાઓ એટલું તો સમજે છે કે જનતાના-મતલબ કે મહામૂલા મતદારોના તિરસ્કારનો સામનો કરવો પડે-ચાલો, સામનો કરવો પડે એનોય વાંધો નહીં, ટેવાઈ ગયા છીએ પણ તિરસ્કારનો ભોગ બનવું પડે એના કરતાં સમય વર્તે સાવધાન થઈ નમસ્કાર કરી લેવામાં ભલું છે. (મતદારોનું નહીં, પોતાનું!) એમ સમજી નમસ્કાર કરતા થઈ જાય છે. બાકી જે સાંસદો એકબીજા સાથે છૂટાહાથની હસ્તકલાનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં નિષ્ણાત હોય એ જ લોકો પોતાના બંને હાથને દિમાગના કહ્યામાં રાખી – ભલે બળપૂર્વક તો બળપૂર્વક, પણ એકબીજાને નમસ્કાર કરતા થઈ જાય એ પવિત્ર દૃશ્ય જ સંસદને લોકશાહીના મંદિર તરીકેની ઊંચાઈ આપી જાય છે. આપણો ન્યૂ ચાણક્ય તો આવા પૂણ્યશાળી દિવસને જ ઐતિહાસિક દિવસ તરીકે નવાજે છે!

આવા દર્શનીય દિવસો સંસદના અને વિધાનસભાઓનાં દરેક નાનાં મોટાં સત્રોમાં જોવા મળે, તો કેવો હિસ્ટોરિકલ મિરેકલ કહેવાય! પણ આ બાબતે આપણા રાજકારણીઓ બહુ સમજુ છે. એ લોકો એટલું તો સમજે છે કે રોજ રોજ મીઠાઈ ખાવાથી મોં ભાંગી જાય! સંસદ હોય કે વિધાનસભા હોય – દરેક સત્રમાં જો આવાં પાવન દૃશ્યો જોવા મળે, તો ઐતિહાસિક દિન, ઐતિહાસિક ઘટના કે ઐતિહાસિક બાબત જેવું કશું ટકી જ ના શકે ને? એ તોપછી રોજનું – સામાન્ય કે પછી એઝ યુઝ્વલ જેવું બની જાય.

જે રીતે કેટલાક દિવસ ઐતિહાસિક બનવા સર્જાયા હોય છે, એમ કેટલાક ‘સ્ટ્રોક્સ’ પણ ઐતિહાસિક બનવા સર્જાતા હોય છે. આમ તો દુનિયામાં ઘણા પ્રકારના સ્ટ્રોક્સ જોવા-અનુભવવા મળે છે. કેટલાક સ્ટ્રોક્સ યાદગાર બની જતા હોય છે, તો વળી કેટલાક સ્ટ્રોક્સ ભૂલવા હોય તોય ભૂલાય નહીં એટલી હદે યાદગાર બની જતા હોય છે. અમુક સ્ટ્રોક્સ સાયન્ટિફિક હોય છે તો અમુક સ્ટ્રોક્સ સોશિયલ કે પોલિટિકલ પણ હોય છે. બ્રેઇન સ્ટ્રોક કે હાર્ટ સ્ટ્રોક જેવા કેટલાક સ્ટ્રોક્સ જીવલેણ પણ હોય છે, તો કેટલાક સ્ટ્રોક્સ જીવલેણ નહીં પણ ‘જીવદેણ’ હોય છે. હા જી, ‘જીવદેણ’ એટલે જીવતદાત આપે તે ! મોદી સરકારે સવર્ણોને દસ ટકા અનામત આપવાનો જે સ્ટ્રોક માર્યો છે તેને ભાજપા આ પ્રકારનો પોઝિટિવ સ્ટ્રોક માને છે. આ સ્ટ્રોકથી દસ ટકા જેટલા સવર્ણોના જીવમાં જીવ અને જીવનમાં જીવન આવશે. હવે બધું સારું સારું થવા માંડશે, ભલે આ રીતે, તો આ રીતે પણ અમારાય હવે અચ્છે દિન તો આવશે ને, એવી હૈયાધારણ મળશે – આ કંઈ જેવીતેવી સિદ્ધિ ન કહેવાય સાહેબ!  હમણાં કોંગ્રેસના એક નેતા મળ્યા. અમારાથી સહજ બોલાઈ ગયું, ‘સાહેબ, સરકારે સંસદમાં રજૂ કરેલા અનામતનાં બિલનો તમારી પાર્ટીએ સહેજ પણ વિરોધ કરવાને બદલે તમારી રાજકીય વૈચારિક ઉદારતા બતાવી અને તમારા સૌના આત્માની મહાનતા દાખવી સરકારને સહકાર આપ્યો એ બદલ તમને અને તમારી પાર્ટીને ખૂબ ખૂબ અભિનંદન!’ ત્યારે એમણે દિવેલ પી લીધું હોય એમ મોં બગાડયું, ‘શેનાં અભિનંદન અને શેના મહાન આત્મા? આ તો મજબૂરીનું બીજું નામ મહાન આત્મા.’

કહેવાય છે કે રાજકારણીઓને જનતાની બીક નથી હોતી, એટલી બીક મતદારોની હોય છે. જનતા અને મતદારમાં ફરક છે. જનતા તો બિચારી રોજબરોજની કહેવાય. મતદારોનો એક ચોક્કસ ટાઇમ હોય છે. જે રોજનું થઈ પડયું હોય એની કોઈ વેલ્યૂ નથી હોતી, પણ જે પ્રસંગોપાત હોય છે એમની વેલ્યૂ, હોય છે એના કરતાં પણ વધી જાય છે. મારા જેવો સામાન્ય માણસ આમ ભલે ગામ આખામાં, લોકોના ગોદા ખાતો ફરતો હોય પણ જે દિવસે એનાં લગ્ન થવાનાં હોય છે ત્યારે તો એને પકડી રાખવો પડે એવું જોર મારતો – રાજાનોય રાજા એવો વરરાજા થઈને બેઠો હોય છે! સમય સમયનું માન છે સાહેબ! ચૂંટણીના માહોલમાં જનતા જ્યારે મતદારરૂપે બેઠી હોય છે ત્યારે એ જ જનતાનાં માન-પાન વધી જાય છે અને ચૂંટણી જેવી પતી જાય કે બીજી જ ઘડીએ હું કોણ ને મતદાર કોણ? વરરાજાનો મોભો, એનું માનપાન એક જ દિવસ પૂરતું હોય ને, એ થોડું કંઈ બારે મહિના ને ચોવીસે કલાક હોય? જનતાની વિનંતીઓ પણ સાંભળવામાં નથી આવતી, પણ એ જ જનતા જ્યારે મતદાર બને છે ત્યારે વિનંતીની વાત જવા દો, હુકમ જેવા હુકમને પણ નેતાઓ સરમાથા પર ધારણ કરી લેતા હોય છે. આને પણ એક પ્રકારની હિંમત કહેવાય. કેટલીક હિંમત આ રીતે સમય જોઈને જગાડવાની હોય છે. આવી હિંમત ક્યારે જગાડવી અને ક્યારે નહીં જગાડવી એની પાછળ એક પ્રકારનું ચિંતન-મનન હોય છે, આને કહેવાય કલાત્મક ચિંતન-મનન! દસ ટકા સવર્ણ અનામત બિલનો વિરોધ કરવો હોય તો પણ કોંગ્રેસ કરી શકતી નથી એની પાછળ આવી કલાત્મક વિચારધારા કામ કરે છે.  એક લોકલ એવા કોંગ્રેસી નેતાને અમે એમની પાર્ટીએ બિલ મુદ્દે સંસદમાં બતાવેલી સહકારી ભાવનાને બિરદાવતાં એટલું જ કહ્યું કે સાહેબ, તમારી સહકારી ભાવનાને હું વંદન કરું છું. ત્યારે એ ૪૬૦ વોલ્ટનો કરન્ટ લાગ્યો હોય એમ એકદમ ભડક્યા :’તમે ય શું ભાઈ, જેમ ફાવે એમ બોલો છો? નથી તો રાજ્યમાં અમારી સરકાર કે નથી તો કેન્દ્રમાં અમારી સરકાર, તમે શું જોઈને, ના… ના… શું સમજીને, અમારી સહકારી ભાવનાને બિરદાવો છો? તમને એટલીય ખબર નથી પડતી કે જ્યાં સત્તા હોય ત્યાં જ સહકારી ભાવના શોભે? સત્તા વગરની સહકારી ભાવનાનો અર્થેય શું અને એમાં મળેય શું?’ કેટલાક એવું માનતાં હોય છે કે ભ્રષ્ટાચારની ગર્લફ્રેન્ડનું નામ ‘સહકારી ભાવના’ છે!

ડાયલટોન :

  • તમે ખિસ્સામાં હાથ રાખીને કેમ ફરો છો? ઠંડી છે એટલે?
  • ના રે ના. થોડા દા’ડા પછી બજેટ આવશે ને? અત્યારથી સાવચેત રહેવું સારું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;