Cotton Cultivation in India and Gujarat 2019 Season
  • Home
  • Agro Sandesh
  • દેશમાં આ વર્ષે કપાસના વાવેતરનું ચિત્ર શું? જાણો ગુજરાતમાં વાવેતર કપાયુ કે વધ્યું?

દેશમાં આ વર્ષે કપાસના વાવેતરનું ચિત્ર શું? જાણો ગુજરાતમાં વાવેતર કપાયુ કે વધ્યું?

 | 11:00 am IST

કપાસનાં વાવેતરમાં રાષ્ટ્રીય સ્તરે ૫.૪૭ ટકાનો વધારો નોંધાયો છે એની સામે ગુજરાત રાજ્યની વાત કરીએ તો કપાસના વાવેતરમાં સાધારણ ઘટાડો જોવા મળે છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે ૪૬,૦૦૦ હેક્ટરમાં કપાસનાં વાવેતર ઓછાં થયાં છે. કપાસનો ઉતાર ખૂબ સારો આવે તો પણ રાજ્યની ૧૨૦૦માંથી ૪૮૦ જિનિંગ મિલો બંધ પડી હોવાથી ખેડૂતોને પોતાનો કપાસ ક્યાં વેચવો એ સવાલ ચોક્કસ પજવશે. જિનિંગ મિલો એટલા માટે બંધ પડી છે કે રાજ્યમાં ૨૦ ટકા સ્પીનિંગ યુનિટો બંધ પડયા છે એટલે એમના માલના કોઈ લેવાલ નથી. એક સમયે કપાસ અને કાપડ ઉદ્યોગમાં માન્ચેસ્ટર ગણાતા ગુજરાતની દશા હવે સાવ કથળી ગઈ છે અને સરકાર જરૂરી પગલાં નહીં ભરે તો હજી વધુ કથળી શકે છે.

કપાસઃ એક નજર વાવેતર અને ઉત્પાદનના આંકડાઓ પર 

કપાસનાં વાવેતરની વાત કરીએ તો ચાલુ વર્ષે સરેરાશ સિઝન ૧૫ દિવસથી એક મહિનો જેટલી લેટ છે. સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડાની અસરે જૂનમાં અમુક વાવેતર થયાં હતાં, એ સિવાય મોટા ભાગનાં વાવેતર જૂન અંત કે જુલાઈ મહિનામાં જ થયાં છે.

ગુજરાત સરકારના ચાલુ વર્ષના સપ્ટેમ્બર અંતમાં જાહેર થયેલા છેલ્લા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં ચાલુ વર્ષે કપાસનું કુલ વાવેતર ૨૬.૬૬ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે આ જ સમયે ૨૭.૧૨ લાખ હેકટરમાં થયું હતું. આમ, વાવેતરમાં મામૂલી ઘટાડો થયો છે.

સમગ્ર દેશની વાત કરીએ તો દેશમાં કપાસનું કુલ વાવેતર ૧૨૮ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૧૨૧ લાખ હેકટરમાં થયું હતું. આમ, દેશમાં વાવેતર વિસ્તારમાં ૫.૪૭ ટકાનો વધારો થયો છે. આ સાથે છેલ્લાં બે-ચાર વર્ષનું સૌથી વધુ કપાસનું વાવેતર હતું.

કપાસ-રૂના ઉત્પાદન ઉપર નજર કરીએ તો ગત વર્ષે ગુજરાત હોય કે દેશમાં વરસાદ ઓછો હતો અને સમગ્ર સિઝન દરમિયાન વાતાવરણ પ્રતિકૂળ રહ્યું હોવાથી ઉતારામાં મોટો ઘટાડો થયો હતો, જેને પગલે કુલ ઉત્પાદન વાવેતરની તુલનાએ ઘણું ઓછું થયું હતું, જેની તુલનાએ આ વર્ષે પરિસ્થિતિ એટલી જ સારી છે. પાછોતરા વરસાદને બાદ કરતાં સરેરાશ સિઝન દરમિયાન સારો વરસાદ પડ્યો છે અને ઉતારા પણ વધી જાય તેવી ધારણા છે, પરિણામે જંગી ઉત્પાદન થશે અને તેની નિકાલની ચિંતા રહેવાની છે.

ગુજરાતમાં રૂના ઉત્પાદનની વાત કરીએ તો ગત વર્ષે ૮૦થી ૯૦ લાખ ગાંસડી જેવું થયું હતું, જેની તુલનાએ ચાલુ વર્ષે ૧૦૦થી ૧૨૦ લાખ ગાંસડી વચ્ચે ઉત્પાદન થાય તેવી સંભાવના છે. એ જ રીતે સમગ્ર દેશમાં ઉત્પાદન ૩૧૫ લાખ ગાંસડી થયું હતું, જેની તુલનાએ ચાલુ વર્ષે ૩૭૦થી લઈને ૪૦૦ કરોડ ગાંસડી સુધીના અંદાજો આવી રહ્યા છે. આગામી પંદર દિવસ પછી દરેક રાજ્યોના પાકનું સાચું ચિત્ર જાણી શકાશે. છેલ્લા પંદર દિવસમાં પડેલા ભારે વરસાદને પગલે ગુજરાત કે મહારાષ્ટ્ર સહિતના કેટલાક કપાસ ઉત્પાદક વિસ્તારમાં પાકને અમુક અંશે નુકસાન થયું છે અને તેનો સર્વે હાલ ચાલી રહ્યો છે. ચોમાસું હવે વિદાય લઈ રહ્યું છે, પરિણામે ૧૫ દિવસમાં પાકનું સાચું ચિત્ર જાણી શકાશે. તેમ છતાં સરેરાશ ઉત્પાદન વધવાનો જ અંદાજ આવશે.

કપાસનું વિક્રમી ઉત્પાદન પણ, જિનિંગ-ટેક્સ્ટાઈલ સેકટરમાં મંદી 

દેશમાં કપાસ-રૂના જંગી ઉત્પાદનની વાત આવી રહી છે, પરંતુ બીજી તરફ જિનિંગ, સ્પીનિંગ સહિત સમગ્ર ટેક્સ્ટાઈલ સેકટરમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિણામે કપાસનો વપરાશ કેટલો થશે તેના પર સૌની શંકા છે.

ગુજરાત સમગ્ર દેશમાં કપાસ-રૂનો સૌથી મોટો ઉત્પાદક પ્રદેશ છે અને ત્યાં જિનિંગ ઉદ્યોગની હાલત ખૂબ જ કફેડી છે અને નાણાકીય કટોકટી વધારે છે. ગુજરાતમાં આશરે ૧૨૦૦ જિનિંગ મિલો છે, જેમાંથી હાલ ૪૦ ટકા મિલો બંધ હાલતમાં પડી છે અને આ વર્ષે ચાલુ થાય તેવા કોઈ સંકેત પણ મળતા નથી. રાજ્યમાં સરકારની નવી પોલિસીને પગલે સ્પીનિંગ ઉદ્યોગો છેલ્લાં બે-ચાર વર્ષમાં ઘણા વિકસ્યા છે અને હાલ આશરે ૪૭ લાખ સ્પીન્ડલની કેપિસિટી છે, પરંતુ તેમાંથી ૨૦ ટકા સ્પીનિંગ યુનિટો હાલ બંધ હાલતમાં છે.

સમગ્ર દેશમાં ટેક્સ્ટાઈલ સેકટરની હાલત કફેડી છે. સાઉથમાં અનેક ટેક્સ્ટાઈલ્સ મિલો બંધ પડી છે, જેને પગલે રૂના વપરાશ પર મોટી અસર પડશે. જંગી ઉત્પાદનને પગલે જિનિંગ કે સ્પીનિંગ મિલોને કપાસ જોઈએ એટલે મળશે, પરંતુ સરકારની પ્રતિકૂળ નીતિને કારણે અને વર્તમાન વૈશ્વિક આર્થિક મંદીની સ્થિતિને ધ્યાનમાં રાખતા કોઈ સેકટરને હાલ વર્તમાન કપાસના ભાવથી ખરીદી કરીને પડતર બેસે તેમ નથી, પરિણામે મિલો ચાલે તો પણ ડિસ્કાઉન્ટમાં અથવા તો નહીં નફે નહીં નુકસાનના ધોરણે ચાલી શકે તેમ છે, પરિણામે મિલો એક મર્યાદા સુધી જ ઉત્પાદન કરશે.

કપાસના ટેકાના ભાવ વધ્યા, પરંતુ ખેડૂતોને ટેકો મળે તો કામનું 

દેશમાં કપાસના વિક્રમી ઉત્પાદનને પગલે નવા કપાસના ભાવ અત્યારથી ગગડવા લાગ્યા છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં હાલ કપાસની નવી આવકો ચાલુ થવા લાગી છે અને નવા કપાસના ભાવ ૨૦ કિલોના સરેરાશ રૂ.૭૫૦થી લઈ ૧૧૦૦ સુધીના છે. મોટા ભાગના ભાવ રૂ.૧૦૦૦થી ૧૦૫૦ આસપાસ ચાલી રહ્યા છે. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષ માટે કપાસના ટેકાના ભાવ રૂ.૧૧૧૦ જાહેર કર્યાં છે, જેની સામે અત્યારથી ભાવ નીચા છે.

ગુજરાત સરકારે મગફ્ળીની ટેકાના ભાવથી ખરીદી માટે પહેલી ઓક્ટોબરથી નોંધણી શરૂ કરી દીધી છે અને નવેમ્બરથી ખરીદી શરૂ થશે તેવી જાહેરાત પણ કરી છે, જેની સામે કપાસના ખેડૂતો માટે ક્યારે ખરીદી થશે કે કેટલી થશે તેની રાજ્ય સરકારે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નથી. આમ, આડકતરી રીતે કપાસના ખેડૂતો માટે ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે. આ તરફ કેન્દ્ર સરકાર હસ્તકની એજન્સી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશમાંથી કુલ ૧૦૦ લાખ ગાંસડી કપાસની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે, પરંતુ તેમાંથી ગુજરાતમાં કેટલી કરશે તેની કોઈ ચોખવટ કરી નથી. સીસીઆઈ પાસે હજી ૧૦ લાખ ગાંસડીથી વધુ જૂના રૂનો સ્ટોક પડ્યો છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં સરકાર દ્વારા સક્રિય રીતે કપાસની ખરીદી નહીં થાય તો ખેડૂતોની માઠી બેસે તેવી સંભાવના છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન