કપાસિયા તેલમાં રૂ. ૧૦ ઘટયા, સાઇડ તેલના ભાવ ટકેલા - Sandesh
  • Home
  • Business
  • કપાસિયા તેલમાં રૂ. ૧૦ ઘટયા, સાઇડ તેલના ભાવ ટકેલા

કપાસિયા તેલમાં રૂ. ૧૦ ઘટયા, સાઇડ તેલના ભાવ ટકેલા

 | 1:19 am IST

। રાજકોટ ।

નાફેડનું મગફળી વેચાણ ચાલુ જ છે. હવે મગફળી વહેલી તકે વેચાઈ જાય એ માટે નાફેડના અધિકારીઓ અધીરા બન્યા છે અને પાછલા બારણેથી ગમે તે ભાવે મગફળી વેચીને હળવા થવાનું વલણ અખત્યાર કર્યુ હોય એમ હવેથી મગફળી વેચાણના બેઝ ભાવ જાહેર કરવાની પ્રથા બંધ કરી દીધી છે. જેના કારણે મળતિયાઓને નીચા ભાવે માલ અપાય તો ય બીજાને ખબર ન પડે…..બીજી તરફ રાજકોટમાં અગાઉ મીલરો અને સિંગદાણાવાળાઓ સાથે નાફેડે  બેઠક કરી હતી. એમાં મિલરોએ ખરીદીમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. જેની વિગતવાર રજૂઆતો થઈ હતી. આમ છતા કોઈ જ ફેરફાર ન થતાં મિલરોએ કંટાળીને ખરીદીથી વિમુખ થઈ જવાનું વલણ અખત્યાર કર્યુ છે. નાફેડની મગફળી ઉપરાંત બજારમાં ખેડૂતોની મગફળી પણ વેચાય છે. હાલ મગફળીમાં માંગ રહેવાના કારણે જાડી મિલ પહોંચ મગફળીનો ભાવ રૂ. ૮૨૦ થી ૮૩૦ના ભાવે વેચાણ થાય છે. મગફળીની સાથે લુઝ સિંગતેલનો ભાવ રૂ. ૮૫૦ની ભાવ સપાટીએ ટકી ગયો છે. જો કે બ્રાન્ડવાળાઓની ખાસ લેવાલી નથી. ગઈ કાલે કપાસિયા વોશનો ભાવ રૂ. ૭૭૨-૭૭૫ હતો. તેમાં આજે ૭ રૂપિયા ઘટીને રૂ.૭૬૫ થી ૭૬૮ થયો હતો. અને લૂઝ પામોલીનમાં રૂ. ૭૬૫-૭૬૭ તેમજ લુઝ સોયાબીનમાં રૂ.૭૨૫-૭૨૬ ભાવ હતો. ખાંડ બજારમાં સાંકડી વધઘટે ભાવ ટકી રહ્યા છે.  રિટેલ સિંગતેલમાં ભાવ અગાઉના વધેલી સ્થિતિએ સ્થિર રહ્યા હતા. આજે કપાસિયા તેલમાં રૂ. ૧૦ ઘટીને ૧૫ કિલોનો ભાવ રૂ. ૧૩૩૦ થી ૧૩૬૦ થયો હતો. અને ૧૫ લીટરનો ભાવ ૧,૨૫૦ થી ૧,૨૬૦ થયો હતો.  ડી ખાંડનો ભાવ રૂ. ૩,૩૦૦ થી ૩,૩૫૦ અને સી ગ્રેડનો ભાવ ૩,૪૨૦ થી ૩,૪૮૦ છે. રાજકોટમાં ૫૦૦ ગુણીની આવક હતી. જન્માષ્ટમી પર બેસનના ભાવ ઘટયા પછી બજાર સ્થિર છે અને ભાવ રૂ.૪,૧૦૦ થી ૪,૨૦૦ હતો. ચણાનો ભાવ રૂ. ૪,૦૦૦ થી ૪,૧૦૦ અને ચણાદાળનો ભાવ રૂ. ૫,૦૦૦ થી ૫,૨૦૦ હતો.  આજે મિલબર ઘઉમાં લેવાલી ટકી રહેતા ભાવ ૨૫ રૂ. સુધી સુધર્યા હતા અને ક્વિન્ટલના ભાવ રૂ. ૨,૦૫૦ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન