ગણતરી નિષ્ણાત નિક્કોલો ટાર્ટાગ્લિઆ - Sandesh
  • Home
  • Kids Corner
  • ગણતરી નિષ્ણાત નિક્કોલો ટાર્ટાગ્લિઆ

ગણતરી નિષ્ણાત નિક્કોલો ટાર્ટાગ્લિઆ

 | 2:45 am IST

મૂળ નામ નિક્કોલો ફોન્ટાના. પણ એ સોળમી સદીનો મહાન ગણિતજ્ઞા અને વૈજ્ઞાાનિક, ઓળખાયો ખૂંખાર નિક્કોલો ટાર્ટાગ્લિઆ તરીકે. એકવાર તો વિચાર આવે વૈજ્ઞાાનિક અને ખૂંખાર! હા, એ હતો જ દેખાવે ખૂંખાર રાક્ષસ જેવો.

જો કે, નિક્કોલોનો દેખાવ જન્મજાત રાક્ષસી નહોતો. એ પણ હસતો-રમતો,

મજાનો સોહામણો બાળક જ હતો. એ સમયગાળો હતો આંતરિક યુદ્ધોનો. એક દેશ પોતાની મહત્તા સાબિત કરવા બીજા નબળા પ્રદેશ પર ચઢાઈ કરે અને કોઈ જ દયા કે રહેમ વગર સ્થાનિક લોકો પર કત્લેઆમ અને કાળો કેર વર્તાવે. એવી જ અતિભયાનક સ્થિતિનો શિકાર બન્યો હતો સોળમી સદીમાં થઈ ગયેલો મહાન વૈજ્ઞાાનિક નિક્કોલો.

સામાન્ય પરિસ્થિતિમાં જીવતા પરિવારના મોભી એવા સંદેશાવાહકનું કામ કરતા નિક્કોલોના પિતા લૂંટારાઓના હાથે મૃત્યુ પામ્યા. યુદ્ધ, વિગ્રહ, વિદેશીઓના હુમલાઓ વચ્ચે જીવતી પ્રજામાં નિક્કોલોનો પરિવાર પણ ભારે યાતનાઓથી ઘેરાયેલો હતો. ઉત્તર ઈટાલીના એ નાનકડા ગામ પર ફ્રેંચ આર્મીનો હુમલો થયો અને ગામના લોકોએ શરણે જવાને બદલે પોતાનાથી શક્ય એવો સામનો કરવાની નાકામ કોશિશ કરી. પરિણામે એ સૈન્યની બર્બરતા સમગ્ર વિસ્તાર પર કાળો કેર વર્તાવતી તૂટી પડી. ત્રણ જ દિવસના ગાળામાં સૈન્યએ અંદાજે આઠ હજાર લોકોને રહેંસી નાખ્યા અને હજારોની સંખ્યામાં લોકો ગંભીરપણે ઘાયલ થયા. એ ઘાયલોમાનો એક હતો નિક્કોલો ફોન્ટાના.

દેવળમાં આશરો લઈને છુપાયેલા નિક્કોલો અને તેના પરિવાર પર ઘાતક હુમલો થયો. બાર જ વર્ષના નિક્કોલોના માથા અને ચહેરા પર તલવારના પાંચ જીવલેણ ઘા થયા. આ ભયાનક ઘટના પછી પણ, નિક્કોલોની મા પાસે એક ફૂટી કોડી પણ ન હતી કે મરવા પડેલા છોકરાને ડોક્ટરની સારવાર અપાવી શકે. માએ પોતાની રીતે થઈ શકે એટલી સુશ્રુસા કરી. નિક્કોલો વિશ્વખ્યાતિ લખાવીને આવ્યો હશે, તે બચી પણ ગયો, પણ તેનો ઊંડા ઘાવોભર્યો ચહેરો રાક્ષસી દેખાવનો બિહામણો બની ગયો હતો. ગળું પણ એ હદે ઘાયલ થઈ ગયું હતું કે ત્યાર પછી એના બોલવામાં કર્કશ તોતડાપણું આવી ગયું હતું. ( જે પ્રકારના અવાજને sturtering અને ઈટાલિયન ભાષામાં જેને ટાર્ટાગ્લિઆ કહેવાય છે, જેના કારણે નિક્કોલો ફોન્ટાના બની ગયો ટાર્ટાગ્લિઆ.)

દયનીય પરિસ્થિતિમાં જીવતા પરિવારના સંતાનને સ્કૂલમાં જવાય એવી તો કોઈ જ શક્યતાઓ જ ન હતી. પણ જેમતેમ એકાદી સ્કૂલમાં અઠવાડિયા માટે જવા મળ્યું, જે સ્કૂલમાંથી એક ગણિતનું પુસ્તક આપવામાં આવ્યું હતું. સ્કૂલ છોડતી વખતે એ પુસ્તક પાછું આપવાને બદલે નિક્કોલોએ પોતાની પાસે રાખી લીધું. જેની પાછળ ઉદ્ેશ એ હતો કે પોતે પોતાની રીતે એ પુસ્તકમાંથી વાંચી વાંચીને સમજી શકે એટલું સમજે. પણ જેમ જેમ નિક્કોલો એ પુસ્તક વાંચતો સમજતો ગયો એમ એમ એનું ગણિત અને ગણતરીનું જ્ઞાાન અસામાન્ય રીતે બહાર આવવા લાગ્યું.

દીકરાની અસાધારણ ક્ષમતા જોઈને માએ ફરીવાર કમર કસી. એક શ્રીમંત વ્યક્તિને આજીજીઓ કરીને નિક્કોલોને યુનિવર્સિટીના ભણતર માટે જઈ શકે તેવી પરિસ્થિતિ ઊભી કરી. નિક્કોલોએ યુનિવર્સિટીમાંથી ડિગ્રી તો ન જ લીધી, પણ એટલું જ્ઞાાન મેળવી લીધું જેના થકી એ પોતાની મેથેમેટિશિયન બનવાની મહત્ત્વાકાંક્ષી મંઝિલ પ્રાપ્ત કરી શકે.

કેલ્ક્યુલેશન અને મેથેમેટિકલ વિષયોમાં નિક્કોલોએ પ્રાઈવેટ ટયૂશન આપનાર વ્યક્તિ તરીકે અને મહત્ત્વની સ્પર્ધાઓમાં જીત મેળવીને ઈટાલી આખામાં જબરી ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી હતી. રાક્ષસી દેખાવનો નિક્કોલો ફોન્ટાના ઉર્ફે નિક્કોલો ટાર્ટાગ્લિઆ અતિશય ભયાનક પરિસ્થિતિઓમાંથી ઉગરી, ઘાતક અને જીવલેણ હુમલાઓમાંથી બચ્યો ફક્ત એટલા જ માટે કે એ વ્યક્તિ પોતાના માધ્યમથી વિશ્વને ફિઝિક્સ વિષયમાં મહત્ત્વનું પ્રદાન કરવાનો હતો.

નિક્કોલો એ મોડર્ન સાયન્સ પર એક પુસ્તક પ્રકાશિત કર્યું અને મેથેમેટિક્સમાં ક્યુબીક ઈક્વેશનના ખૂબ જ મહત્ત્વના સિદ્ધાંતો આખા વિશ્વને આપી પોતાનું કમબેક સાબિત કર્યું.