દેશની બેન્કિંગ સિસ્ટમ નવરચના માગે છે - Sandesh
NIFTY 10,967.35 -40.70  |  SENSEX 36,350.90 +-169.06  |  USD 68.5875 +0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • દેશની બેન્કિંગ સિસ્ટમ નવરચના માગે છે

દેશની બેન્કિંગ સિસ્ટમ નવરચના માગે છે

 | 4:51 am IST

અર્થકારણના પ્રવાહો :-  પ્રા. આર. સી. પોપટ

નીરવ મોદીના પી.એન.બી. કૌભાંડે દેશની સમગ્ર બેન્કિંગ વ્યવસ્થા અને બેન્કિંગ માળખાને પાયામાંથી ખળભળાવી મૂક્યાં છે. દેશની બીજા નંબરની સૌથી મોટી સરકારી બેન્કના રૂ. ૧૧,૪૦૦ કરોડ જેટલાં લોનનાં નાણાં ડુબાડીને નીરવ મોદી રફુચક્કર થઈ ગયો છે.

આ ઘટનામાં પંજાબ નેશનલ બેન્કની એક જ વ્યક્તિનાં કાળા કરતૂતને કારણે ડૂબી ગયેલાં નાણાંના અધધ મોટા આંકડાથી સૌકોઈનાં દિલમાં ઠેસ વાગી છે, તેના કરતાં વધારે ઠેસ એ હકીકતથી વાગી છે કે નીરવ મોદીની સરકારી બેન્કનાં નાણાં ડુબાડવાની એ પહેલી ઘટના નથી, ભૂતકાળની હર્ષદ મહેતાથી માંડીને આજ સુધીની છઠ્ઠી કે સાતમી ઘટના છે, આટલા લાંબા સમયથી બેન્કો લૂંટવાનો આ સિલસિલો ચાલુ હોવા છતાં જવાબદાર વર્ગમાંથી કોઈનાં પેટનું પાણી હલતું નથી. આ અગાઉ હર્ષદ મહેતા, જતીન મહેતા, વિજય માલ્યા, લલિત મોદી, મેહુલ ચોકસી અને નીરવ મોદીની બેન્ક લૂંટારુઓની આખી બટાલિયન પ્રકાશમાં આવી છે, નીરવ મોદીની બેન્કઠગાઈની ચર્ચાની ગૂંજ હજુ શમે તે પહેલાં એક વધુ ઠગનો કિસ્સો બહાર આવ્યો છે. આ કિસ્સો રોટોમેક પેનના ઉત્પાદક વિક્રમ કોઠારીનો છે. આ ઠગે બેન્કના રૂ. ૩,૭૦૦ કરોડ એક ઝાટકે ડુબાડયા છે. તમે એકને ગણો ત્યાં બીજો ઊભો થાય છે. રામ જાણે હજુ આ બેન્કોના રાફડામાં કેટલા ભોરિંગ છુપાયેલા પડયા હશે.

રિઝર્વ બેન્કે હમણાં એક અહેવાલ આપ્યો છે. આ અહેવાલ પ્રમાણે ૨૦૧૨-૧૩થી ૨૦૧૬-૧૭નાં પાંચ વર્ષ દરમિયાન સરકારી બેન્કોની કુલ રૂ. ૬૧,૨૦૧ કરોડની લોન ડૂબી ગઈ છે. આ સમય દરમિયાન બેન્કઠગાઈમાં કુલ ૮,૬૭૬ જેટલી સંખ્યામાં લોન ડુબાડવામાં આવી છે. ૨૦૧૨-૧૩માં આ રકમ રૂ. ૬૩,૫૭૦ કરોડની હતી તે વધીને ૨૦૧૬-૧૭માં એક જ વર્ષની અંદર રૂ. ૧૭,૬૩૪ કરોડની થઈ ગઈ છે.

સામાન્ય રીતે અર્થતંત્રના મોટા મોટા આંકડા જોઈને આપણને આનંદ થતો હોય છે, પરંતુ આ આંકડાઓ જોઈને આપણું લોહી ઊકળી જાય છે, પ્રજાના પરસેવાની થાપણનાં નાણાં મહાઠગો ચાંઉ કરી જાય છે. બંધૂકનાં નાળચાએ બેન્કલૂંટના બિહામણા લૂંટારુઓ કરતાં પણ આ સોહામણા મહાઠગો વધુ ઘાતકી છે. બેન્કલૂંટારા તો તેમનાં ગજા પ્રમાણે થોડાક લાખ રૂપિયા લૂંટી જાય છે, પરંતુ ઠગારાઓને હજારો કરોડ સિવાય સંતોષ જ થતો નથી. ઓછે લાકડે તો કોઈને બળવું નથી. ઉપર દર્શાવેલા આંકડાઓમાં ૨૦૧૭-૧૮ની ઠગાઈના આંકડા તો ઉમેરવાના બાકી છે.

દેશની બેન્કિંગ વ્યવસ્થા આટલી બધી હચમચી કેમ ગઈ? બેન્કનાં નાણાંનાં આટલાં મોટાં કૌભાંડો છડેચોક થાય છે અને કૌભાંડ કરનારાઓ બેશરમીથી ખુલ્લેઆમ મોજમજા કરે છે ત્યારે એક વાત તો બહુ જ સ્પષ્ટ રીતે સામે આવે છે અને તે એ છે કે બેન્કોના ભ્રષ્ટ અધિકારીઓ, કૌભાંડ કરનારા મહાઠગો અને સરકારી તંત્રમાં બેઠેલાં ભ્રષ્ટ લોકો – આ ત્રિપુટીની મિલીભગત સિવાય આટલાં મોટાં કૌભાંડો અને તે પણ વારંવાર થતાં રહેવાનું શક્ય જ નથી. રિઝર્વ બેન્કના છેલ્લા અહેવાલ પ્રમાણે છેલ્લાં પાંચ વર્ષમાં દર ચાર દિવસે એક સરકારી બેન્કના અધિકારી ભ્રષ્ટાચારના ગુનામાં સસ્પેન્ડ થાય છે. તેનો સીધો અર્થ એ નીકળે છે કે બેન્કો સાથે થતી ઠગાઈમાં બેન્કોના અધિકારીઓ પણ સંડોવાયેલા હોય જ છે. છેલ્લાં પાંચ વર્ષમાં જે મહાઠગોએ બેન્કો સાથે ઠગાઈ કરી છે તે તમામની કાર્યપદ્ધતિ(મોડસ ઓપરેન્ડી) લગભગ એકસમાન જ છે.

સૌપ્રથમ બેન્ક લૂંટવાનું જડબેસલાક આયોજન કરો, ત્યાર પછી બેન્કના અધિકારીઓને ખરીદી લો, તે પછી તેમના સહકારથી હજારો કરોડની લોન બેન્કમાંથી ઘરભેગી કરો અને લોન પાછી આપવાની વાત આવે ત્યારે હાથ ઊંચા કરીને વિદેશ ભાગી જાઓ, તે માટે પણ સરકારી તંત્રના અધિકારીઓને અગાઉથી ખરીદી રાખવા.

આમ આખું તંત્ર સડી ગયું છે, રિઝર્વ બેન્ક હવે રહી રહીને જુદા જુદા અહેવાલો આપે છે. સરકારે પણ રિઝર્વ બેન્કને પૂછયું છે કે તમને સાત વર્ષ સુધી આ કૌભાંડની ગંધ કેમ ન આવી? આમાં તો રિઝર્વ બેન્ક પણ શંકાનાં પીંજરામાં આવે છે. પૂર્વ ગવર્નર રઘુરામ રાજને છ વર્ષ પહેલાં ચેતવણી આપી હતી પણ ડો. રાજન કશું પણ બદલે તે પહેલાં તે પોતે જ બદલાઈ ગયા.

૧૯૬૯માં જ્યારે પૂર્વ વડા પ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધીએ ૧૬ ખાનગી બેન્કોનું રાષ્ટ્રીયકરણ સ્ત્રીહઠ અને રાજહઠથી મનસ્વી રીતે કરી નાખ્યું ત્યારે તત્કાલીન નાણાપ્રધાન મોરારજી દેસાઈએ આવાં રાષ્ટ્રીયકરણનો સખત વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે સરકારનું કે રિઝર્વ બેન્કનું તંત્ર હજુ દેશની બેન્કિંગ વ્યવસ્થા સંભાળી શકે તેટલું સક્ષમ નથી, જો આ બેન્કિંગ વ્યવસ્થા નિષ્ફળ જશે તો દેશ આખાનું અર્થતંત્ર ભાંગીને ભૂક્કો થઈ જશે, પરંતુ તેમનું કોઈએ કાને ધર્યું નહોતું. આજે સ્વ. મોરારજીભાઈ સંપૂર્ણ સાચા ઠરી રહ્યા છે. આખી બેન્કિંગ સિસ્ટમ ખલાસ થઈ ચૂકી છે. આ સિસ્ટમમાં ધરમૂળથી ફેરફારો કરવા પડશે. આ બેન્કોને ફરીથી ખાનગી હાથમાં સોંપવાનો સમય હજુ પાક્યો નથી પણ એક શક્તિશાળી નિયંત્રક સત્તામંડળની રચના કરીને આ બેન્કોની વ્યવસ્થા ઉપર લીકપ્રૂફ નિયંત્રણો ગોઠવવાની આવશ્યક અને અનિવાર્યતા ઊભી થઈ છે જરૂર પડે તો વિદેશી બેન્કોની સિસ્ટમનો અભ્યાસ કરીને તેના આધારે આ કરી શકાય.

;